(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં ઘણાં શહેરોમાં કોવિડ-૧૯ના પ્રસારને અટકાવવા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાના અહેવાલ અને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૮ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે આજે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની લેવાલી રહેતાં ભાવ એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૧થી ૧૯૨નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૮૧ના સુધારા સાથે ફરી રૂ. ૬૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૧ વધીને રૂ. ૫૨,૬૪૦ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૯૨ વધીને રૂ. ૫૨,૮૫૨ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવ એકંદરે ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાને કારણે જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પાંખી રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ પણ મર્યાદિત રહી હતી. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હોવા છતાં ગત શુક્રવારના વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૮૧ વધીને ફરી રૂ. ૬૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૨,૧૧૦ના મથાળે રહ્યા હતા. ચીન ખાતે કોવિડ-૧૯ના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાના અહેવાલ તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવ આગલા બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૭૬૦.૮૭ ડૉલરની એક સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૭૬૨.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૧.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ચીનમાં લાદવામાં આવેલા કોવિડ-૧૯નાં નિયંત્રણોના વિરોધમાં ઘણાં શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી દેખાવો થઈ રહ્યા છે અને સામે કોવિડ-૧૯થી અસરગ્રસ્તોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને કારણે સ્થિતિ વધુ કથળતા વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિ તેમ જ ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાથી આજે સોનામાં રોકાણકારોની સોનામાં સલામતી માટેની લેવાલી નીકળી હતી. તેમ છતાં હવે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે.
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૯૨નો ચમકારો, ચાંદી ₹ ૨૮૧ વધી
RELATED ARTICLES