(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની છૂટીછવાઈ માગને ટેકે હાજર સોનામાં ધીમો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ૧૭ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૧થી ૫૫૪ વધી આવ્યા હતા, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૭૩૭ વધી આવ્યા હતા.
બજાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવા છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડવાને કારણે આયાત પડતર વધવાથી હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૧ વધીને રૂ. ૬૦,૫૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫૪ વધીને રૂ. ૬૦,૮૨૯ના મથાળે રહ્યા હતા. તેમ જ .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૩૭ વધીને રૂ. ૭૨,૫૨૧ના મથાળે રહ્યા હતા.
આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત રોકાણકારોની નજર આજે મોડી સાંજે અમેરિકી પ્રમુખ જૉ બાયડેન અને હાઉસ રિપબ્લિકન સ્પીકર કેવિન મૅકકૅર્થી સાથે દેવાની ટોચ મર્યાદા અંગે યોજાનાર બેઠક પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજર સોનામાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ઔંસદીઠ ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૯૭૮.૮૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ઔંસદીઠ ૧૯૮૨.૧૦ ડૉલર આસપાસના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ ૦.૨ ટકા વધીને ૨૩.૮૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ આગામી જૂન મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાની આવશ્યકતા છે કે નહીં તે અંગે અસ્પષ્ટ હોવાના તેમ જ બૅન્ક ધિરાણની અનિશ્ર્ચિતતા વચ્ચે ફુગાવો નિયંત્રિત રાખવો મુશ્કેલ થઈ રહ્યો હોવાનો નિર્દેશ આપતા ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી એક ટકા જેટલો સુધારો આવ્યો હતો. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૯૮૫ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને જો આ સપાટી પાર કરે તો ભાવ ઔંસદીઠ ૧૯૯૨થી ૨૦૦૩ ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા રૉઈટર્સના એક વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી.