મુંબઇ: વિશ્ર્વબજાર પાછળ સ્થાનિક બુલિયન માર્કેટમાં સપ્તાહના પહેલા દિવસે પીછેહઠ જોવા મળી હતી. બુલિયન ડીલર્સ અનુસાર ફર્સ્ટ સિટીઝન્સ બેન્ક એન્ડ ટ્રસ્ટે સિલિકોન વેલી બેન્કની ડિપોઝિટ અને લોન ખરીદવા સહમતી દર્શાવી હોવાને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટને મળેલી રાહતને પરિણામે રોકાણકારોનું ઇક્વિટી તરફનું આકર્ષણ ફરી જાગ્યું હતું. ઝવેરી બજારના સાધનો અનુસાર સવારના સત્રથી જ લેવાલીના ટેકાના અભાવમાં નરમ હવામાન રહ્યું હતું અને સત્રના અંત સુધી મંદી વધુ હાવી બની હતી. શુદ્ધ સોનાએ ૫૯,૦૦૦ની અને ચાંદીએ ૬૯,૪૦૦ની સપાટી ગુમાવી છે. આઇબીજેએના ડેટા અનુસાર ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. ૫૯,૬૫૩ના પાછલા બંધ સામે રૂ. ૫૯,૦૦૩ની સપાટીએ ખૂલીને સત્રને અંતે રૂ. ૭૬૧ના ઘટાડા સાથે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૮૯૨ની સપાટીએ સ્થિર થયા હતા. એ જ રીતે, ૯૯૫ ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. ૫૯,૪૧૪ના પાછલા બંધ સામે રૂ. ૫૮,૭૬૭ની સપાટીએ ખૂલીને સત્રને અંતે રૂ. ૭૫૭ના ઘટાડા સાથે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૬૫૭ની સપાટીએ સ્થિર થયા હતા.