Homeવેપાર વાણિજ્યરૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૫૬૭ની અને ચાંદીમાં રૂ. ૬૨૦ની આગેકૂચ

રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૫૬૭ની અને ચાંદીમાં રૂ. ૬૨૦ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં સતત બે સત્ર સુધી સોનામાં આગેકૂચ જળવાઈ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં ઊંચા મથાળેથી છૂટીછવાઈ નફારૂપી વેચવાલી ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજેે ડૉલર સામે રૂપિયો ૨૦ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાથી હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬૫થી ૫૬૭ અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૨૦ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૨૦ વધીને રૂ. ૬૯,૭૫૬ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬૫ વધીને રૂ. ૫૯,૪૧૪ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૬૭ વધીને રૂ. ૫૯,૬૫૩ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકમાં નીતિઘડવૈયાઓએ બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરતાં છેલ્લાં બે સત્ર દરમિયાન વૈશ્ર્વિક સોનામાં તેજીનું વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઊંચા મથાળેથી છૂટીછવાઈ નફારૂપી વેચવાલી ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો અને આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત રાખે તેવા આશાવાદે આજે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૮૫.૬૦ ડૉલર આસપાસ અને ૧૯૮૮.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે આ વર્ષમાં હજુ એક વખત વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપવાની સાથે આ વર્ષે વ્યાજમાં ઘટાડો નહીં કરવામાં આવે એવું પણ જણાવ્યું હોવાથી વેપારી વર્તુળો આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો સ્થગિત રાખે તેવો આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું સિંગાપોર સ્થિત ગોલ્ડસિલ્વર સેન્ટ્રલનાં મૅનૅજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવતાં ઉમેર્યું હતું કે હવે બજારની નજર બૅન્ક ક્ષેત્રની કટોકટી પર સ્થિર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -