(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાચાંદીના ભાવમાં સારી તેજી જોવા મળી હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વૃદ્ધિને કારણે ઈક્વિટી માર્કેટમાં સેન્ટીમેન્ટ નરમ પડવાને કારણે સેફ હેવન ગણાતા સોનાની માગ વધી છે. બુલિયન માર્કેટમાં ખૂલતા સત્રમાં સોનું રૂ. ૫૫૫ મોંઘું થઈ રૂ. ૫૯,૧૯૨ પર પહોંચ્યું હતું. અગાઉ ૨૦ માર્ચના રોજ ૯૯૯ ટચડનું શુદ્ધ સોનું રૂ. ૫૯,૬૭૧ની ઓલટાઈમ હાઇ સપાટી પર પહોંચ્યું હતું.
સત્રને અંતે શુદ્ધ સોનું રૂ. ૪૪૯ના વધારા સાથે પ્રતિ દસ ગ્રામ રૂ. ૫૯,૦૮૬ની સપાટીએ સ્થિર થયું હતું. જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૮,૪૦૨ના પાછલા બંધ સામે દસ ગ્રામે રૂ. ૪૪૭ના ઉછાળા સાથે રૂ. ૫૮,૮૪૯ની સપાટીએ સ્થિર થયું હતું.
એ જ રીતે, હાજર ચાંદીએ પણ જોરદાર ઉછાળા સાથેે રૂ. ૬૯,૦૦૦ની સપાટી વટાવી નાંખી હતી. બુલિયન માર્કેટમાં .૯૯૯ ટચની શુદ્ધ ચાંદી રૂ. ૧,૧૪૭ મોંઘી થઈ રૂ. ૬૯,૩૬૮ પ્રતિ કિલો બોલાઇ હતી. ૨૨ માર્ચના રોજ તે રૂ. ૬૮,૨૨૧ના સ્તરે હતી. તજજ્ઞોના મતે આગામી એક મહિનામાં ચાંદી ૭૩ હજાર સુધી પહોંચી શકે છે. સત્રને અંતે ઝવેરી બજાર ખાતે હાજર ચાંદી કિલોદીઠ રૂ. ૯૧૫ના વધારા સાથે રૂ. ૬૯૧૩૬ની સપાટીએ સ્થિર થઇ હતી.
વાયદા બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં ગુરૂવારે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેંજ પર એપ્રિલ ૨૦૨૩મા ડિલિવરી વાળા સોનામાં રૂ. ૫૨૪ અથવા ૦.૮૯ ટકાના ઉછાળા સાથે રૂ. ૫૯,૨૮૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવ બોલાયો હતો.
આવી જ રીતે જૂન ૨૦૨૩ ડિલિવરી વાળા સોનામા રૂ. ૪૮૮ અથવા ૦.૮૨ ટકાના ઉછાળા સાથે રૂ. ૫૯,૮૨૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચ્યુું હતું. વાયદા બજારમાં મે, ૨૦૨૩ ડિલિવરી વાળી ચાંદીની કિંમત રૂ. ૫૨૮ અથવા ૦.૭૬ ટકાના ઉછાળા સાથે રૂ. ૬૯,૮૩૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી હતી. જ્યારે, જુલાઈ ૨૦૨૩ ડિલિવરીવાળી ચાંદીમાં રૂ. ૫૯૦ અથવા ૦.૮૪ ટકાના ઉછાળા સાથે રૂ. ૭૦,૭૭૦ પ્રતિ કિલોગ્રામનો ભાવ બોલાયો હતો.