સ્થાનિકમાં રૂપિયો નબળો પડતાં સોનામાં સાધારણ સુધારો, ચાંદી રૂ. ૬૩ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થતી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ એક વર્ષની ઊંચી સપાટીએથી પાછાં ફર્યા હતા અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂપિયા આઠનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. ૬૩નો ઘટાડો આવ્યો હતો. આમ બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો સહિત રોકાણકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી નિરસ રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ પણ અત્યંત પાંખી રહી હતી. તેમ છતાં રૂપિયો નબળો પડવાને કારણે હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. આઠના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૨૪૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૪૮૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૬૩ના ઘટાડા સાથે રૂ. ૬૮,૪૦૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે વૈશ્ર્વિક સોનાના ભાવ અંદાજે એક ટકો વધીને માર્ચ, ૨૦૨૨ પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૨૦૦૯.૫૯ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ અને આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂવે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં અપનાવેલા સાવચેતીના અભિગમ ઉપરાંત ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૭૭.૧૮ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૧૯૮૨.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સિલિકોન વૅલી બૅન્ક પડી ભાંગવાની સાથે ક્રેડિટ સુઈસ કથળતા બૅન્કિંગ ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી નાણાકીય કટોકટીમાંથી ઉગરવા માટે ગત રવિવારે પ્રવાહિતા વધારવા માટે પગલાં લેવામાં આવતાં વૈશ્ર્વિક સોનામાં અંદાજે ઔંસદીઠ ૧૦૦ ડૉલર જેટલી તેજી આવ્યા બાદ નફારૂપી વેચવાલીના દબાણે પીછેહઠ જોવા મળી હોવા છતાં એકંદરે સોનામાં સલામતી માટેની માગને ટેકે તેજીનો ટોન જળવાઈ રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારા અંગે કેવો નિર્ણય લે છે તેના પર સ્થિર થઈ હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું.