Homeવેપાર વાણિજ્યવૈશ્ર્વિક સોનું નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં ₹ ૪૨૧નો ઉછાળો, ચાંદીમાં...

વૈશ્ર્વિક સોનું નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં ₹ ૪૨૧નો ઉછાળો, ચાંદીમાં ₹ ૧૦૫૨ની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતા સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે ભાવ વધીને નવ મહિનાની ઊંચી ઔંસદીઠ ૧૯૨૯ ડૉલરની સપાટી સુધી પહોંચી ગયા બાદ ૧૯૧૮.૬૬ ડૉલરના મથાળે બંધ રહ્યા હતા.
જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘસરકો આવ્યો હતો. તેમ છતાં વૈશ્ર્વિક બજારના પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૧ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૯થી ૪૨૧ વધી આવ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૦૫૨ની તેજી સાથે ફરી રૂ. ૬૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૫૨ની તેજી સાથે રૂ. ૬૯,૧૬૭ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી.
તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વિશ્ર્વ બજાર પાછળ ભાવ વધી આવ્યા હતા, પરંતુ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૯ વધીને રૂ. ૫૬,૬૫૫ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૨૧ વધીને રૂ. ૫૬,૮૮૩ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ક્રમશ: ધીમી પાડીને બંધ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભમાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી સાધારણ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૧૭.૩૦ ડૉલરની સપાટીએ અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૯૧૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીના ભાવ પણ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, વૈશ્ર્વિક સ્તરે ગ્રીન એનર્જીના વધી રહેલા વ્યાપ અને તેમાં ચાંદીની માગ પ્રબળ રહે તેવી ધારણા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.
એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનામાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તબક્કે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૯૦૦થી ૧૯૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૧૯૭૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે. જોકે, હવે રોકાણકારોની નજર આગામી બુધવારે જાહેર થનારા રિટેલ વેચાણના આંકડાઓ અને પહેલી જાન્યુઆરી અને બીજી જાન્યુઆરીએ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, આજે માર્ટિન લ્યુથર કિંગ ડે નિમિત્તે અમેરિકાના બજારો બંધ રહેવાના અહેવાલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular