Homeઆમચી મુંબઈGokhale Bridge shut down: સતત બીજા દિવસે ટ્રાફિક જામ, રસ્તો ખુલ્લો કરવા...

Gokhale Bridge shut down: સતત બીજા દિવસે ટ્રાફિક જામ, રસ્તો ખુલ્લો કરવા ૩૮૦થી વધુ ફેરિયા હટાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો ગોખલે પુલ રાહદારી તથા વાહનચાલકો માટે સોમવારથી બંધ કરી દેવામાં આવ્યા બાદ સતત બીજા દિવસે પણ અહીં ટ્રાફિકની ભયાનક સમસ્યા સર્જાઈ હતી. લોકોની હાલાકીને જોતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પાલિકાને વાહનવ્યવહારની અવરજવરને સરળ બનાવવા રસ્તા પરના ફેરિયાઓને હટાવવાના નિર્દેશ આપ્યા હતાં, તેને પગલે પાલિકાએ અંધેરીના મુખ્ય રસ્તા તથા અંદરના રસ્તાઓ પર અડિંગો જમાવી બેસેલા ૩૮૯ ફેરિયાઓનેે દૂર હટાવ્યા હતા, તથા રસ્તા પરના ૧૬ ખાડા પૂર્યા હતા અને ચાર ખરાબ પેચ દૂર કર્યા હતા.
ગોખલે પુલ બંધ થયા બાદ ટ્રાફિક પોલીસે અંધેરીમાં એસ.વી. રોડ, લિંક રોડ, ઈર્લા જંકશન પર ટ્રાફિકની સમસ્યાને જોતા સોમવારે જ પાલિકાને પત્ર મોકલીને રસ્તા પર ઠેર ઠેર બેસેલા ફેરિયાઓને હટાવવાની તથા રસ્તા પરના ખાડાઓ ભરવા અને ફૂટપાથની પહોળાઈ ઘટાડવાની અપીલ કરી હતી. તેમ જ અંધેરીમાં ટ્રાફિક વ્યવસ્થાપનમાં મદદ થઈ શકે તે માટે બેરિકેડ્સ આપવાની પણ વિનંતી કરી હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાને પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને આ પુલનું બાંધકામ પૂરું થાય નહીં ત્યાં સુધી અહીંના રસ્તાઓને ફેરિયાઓથી મુક્ત રાખવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે. તેમ જ પાલિકા અધિકારીઓને રેલવે સાથે સંકલન રાખીને ગોખલે પુલના બાંધકામને પ્રાથમિકતા આપીને કામ ચાલુ કરવાની સૂચના પણ આપી છે.
પાલિકા પ્રશાસને એક એકશન પ્લાન તૈયાર કર્યો છે અને તે હેઠળ સોમવારથી ગેરકાયદે ફેરિયાઓને હટાવવાનું ચાલુ કરી દીધું છે. પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ સોમવારથી મંગળવાર સુધીમાં ૧૬ ખાડાઓ પૂરવામાં આવ્યા હતા. તો ચાર ખરાબ પેચનું સમારકામ કર્યું છે. તેમ જ રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલાં વાહનોને પણ હટાવવામાં આવી રહ્યાં છે. રસ્તા પરના લટકતા કેબલો હટાવવાની સાથે જ ફૂટપાથને પણ રાહદારીઓને ચાલવાને અનુકૂળ બનાવવામાં આવશે.
એ સિવાય પાલિકાએ તમામ વૈકલ્પિક માર્ગો પર અને મહત્ત્વપૂર્ણ સ્થળો પર પુલ બંધ કરવાને લગતા ૫૦ ડિસ્પ્લે બોર્ડ પણ લગાવ્યા છે. મંગળવાર સુધીમાં ૧૦૦માંથી ૬૦ ‘નો પાર્કિંગ’ બોર્ડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે એસ.વી. રોડ., એન.એસ. ફડકે માર્ગ પરના ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular