Homeઈન્ટરવલફરવા જાઓ ત્યારે મ્યુઝિયમ જોવા જાવ છો?

ફરવા જાઓ ત્યારે મ્યુઝિયમ જોવા જાવ છો?

અમેરિકામાં સો વર્ષ સુધી જોઈ શકો એટલા મ્યુઝિયમ છે

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

વાત શરૂ કરતાં પહેલાં એ વિચારવું જરૂરી છે કે સરેરાશ પ્રવાસી શા માટે મ્યુઝિયમમાં જવાનું ટાળે છે, મહદઅંશે કારણ શોધીએ તો વિશાળ કેમ્પસમાં થકવી નાખે એટલું ચાલવું પડતું હોય છે. આપણી માન્યતાઓ કરતાં મ્યુઝિયમના સત્ય ઘણીવાર અલગ હોવાથી સંદર્ભો મેચ થતાં નથી અને ગાઇડ રોચક રીતે વાત કરતાં નથી. ઘણી વાર સાઉન્ડ સિસ્ટમના આધારે મ્યુઝિયમ સમજવું પડે છે એ થોડું બોરિંગ લાગે છે, કારણો તો હજારો મળી આવશે પણ મ્યુઝિયમ જોવા માટે આપણે ખાસ ઉત્સાહ બતાવતા નથી, ફક્ત એક ટીક મારવા ખાતર મ્યુઝિયમ જોવા જઇએ છીએ.
મ્યુઝિયમ માટે વિશ્ર્વભરમાં વાસ્તવિકતા અલગ જ છે. મનોવિજ્ઞાન એવું માને છે કે મ્યુઝિયમ ફરવાથી માણસને આંતરિક આનંદ મળે છે, તેને નવું જાણવા મળે છે, પ્રાચીન વારસો જોતાં તે પોતાના સારી નરસી બાબતો સાથે જોડે છે. મ્યુઝિયમ નવું જાણવા માટે પ્રેરણા આપે છે. આમ પણ માણસ જિંદગીના જરૂરી લેશનનો સિત્તેર ટકા સિલેબસ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ થકી શીખે છે. નવું શીખવા માટે તથા માનવજાતના અસ્તિત્વ માટે સંઘર્ષ સમજવા મ્યુઝિયમ જ્ઞાનનું કેન્દ્ર છે. આ વાતનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઇપણ ભાષણ વગર માણસ હકારાત્મક બનવા લાગે છે, તે માણસજાતના ઇતિહાસ જોતાં તર્કસંગત વિચારવાનું શરૂ કરે છે.
ઘણાં માતાપિતા પોતાનાં સંતાનોને નિયમિત મ્યુઝિયમ લઇ જતાં હોય છે, સાથોસાથ વિષય મુજબ નોલેજ પ્રદાન કરતા હોય છે. કદાચ સોશિયલ મીડિયાના વ્યસ્ત યુગમાં સંવાદ વધારવા અને શિક્ષણ માટે મ્યુઝિયમ ઉપયોગી થઇ પડે. ઓસ્ટ્રેલિયામાં એજ્યુકેશન અંગે જે અભ્યાસ થયા છે એમાં બાળકમાં રહેલી કુતૂહલતા જાગ્રત કરવા મ્યુઝિયમ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે અલગ અલગ નિષ્ણાતોના સૂચનને આધારે મ્યુઝિયમમાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. બાળકો એકાદ દિવસ માટે મ્યુઝિયમ નથી જતાં પણ દિવસો સુધી બાળકોને મ્યુઝિયમ વચ્ચે રાખવામાં આવે છે. ખાસ કરીને ભારતીય માતાપિતાઓએ આ બાબતે વધારે જાગ્રત થવાની જરૂર છે, તમે જ્યારે પણ ફરવા જાવ ત્યારે નવી પેઢી સાથે જે તે સ્થળના મ્યુઝિયમની મુલાકાત ખાસ લો. તમે રસ કેળવશો તો આગળની પેઢીઓમાં પરંપરા જશે. જગતમાં મ્યુઝિયમ જ એક એવી પવિત્ર જગ્યા છે જે આપણામાં રહેલા વિદ્યાર્થીપણાને જીવંત રાખે છે. સ્વાભાવિક છે કે ત્રણસો ચારસો વર્ષ જૂના કળાત્મક કૃતિઓ આપણામાં ઊગતા ઇગોને શરમાવીને દબાવી દે એનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે!
અમેરિકા જેવા ખાસ પૌરાણિક ઇતિહાસ વગરના દેશમાં આશરે સો વર્ષ સુધી રોજનું એક મ્યુઝિયમ જોઇ શકો. આખા યુરોપ અમેરિકામાં એજ્યુકેશન સાથે મ્યુઝિયમને અધધધ… મહત્ત્વ આપવામાં આવ્યું છે, નવી પેઢીને જ્યાં ફરવા જાવ ત્યાં ખાસ રસ લઇને સારા ગાઇડ સાથે મ્યુઝિયમ જોવા લઇ જાવ. મ્યુઝિયમ ફક્ત સંગ્રહ નથી, પણ ઇતિહાસની જીવંત કવિતા છે. અમેરિકન મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીના સંગ્રહમાં દર વર્ષે ૯૦,૦૦૦ નમૂનાઓનો વધારો થાય છે.
બોગોટા, કોલંબિયામાં ગોલ્ડ મ્યુઝિયમ વિશ્ર્વમાં સોનાની કલાકૃતિઓનો સૌથી મોટો સંગ્રહ ધરાવે છે. ગેલિલિયોની મધ્ય આંગળી ગેલિલિયો મ્યુઝિયમ, ઇટાલીમાં મૂકવામાં આવી છે.
શા માટે મ્યુઝિયમની કહાનીઓ કરી? તમે મન અને મગજ લઇને મ્યુઝિયમ ફરવા જશો તો અંદરથી આનંદ અનુભવશો… રૂટિન લાઇફથી બહાર ઘણું આશ્ર્ચર્યજનક જોવાનો આનંદ.. જેમ કે ગ્વાલિયર પેલેસ મ્યુઝિયમમાં ઠીંગણી રાણી માટેની ખાસ વ્યવસ્થા તમારા ચહેરા પર સ્મિત લાવશે, ડાઇનિંગ ટેબલની ટ્રેન આંખો પહોળી કરશે અને ગોલ્ડ પ્લેટેડ છત જોઇને પાંચ મિનિટ શબ્દ પણ નહીં સૂઝે. હા, મ્યુઝિયમમાં પડેલો રસ સમાધિનો આનંદ આપી શકે.
સાવ ટાંચા સાધનો વચ્ચે માનવજાત અસ્તિત્વ માટે અવનવા સમય અને સંજોગો મુજબ શોધ કરતી હતી, એ વાત અજ્ઞાત મન નવું વિચારવા પ્રેરણા આપશે. જ્યારે બુદ્ધિશાળી મિત્રો અને પરિવારજનો સાથે મ્યુઝિયમ વિઝિટ કરશો તો ચર્ચા કરવાની મજા આવશે. પહેલીવાર નવા વિષયો મળશે, કદાચ સામી વ્યક્તિ માટે તમારો મત બદલાશે.
મ્યુઝિયમ શબ્દ ગ્રીક શબ્દ માઉસિયન પરથી આવ્યો છે. આશરે પચીસસો વર્ષ અગાઉ એરિસ્ટોટલે તેમના પ્રાણીશાસ્ત્રીય અભ્યાસ માટે નમૂનાઓના સંગ્રહ માટે તેમની લિસિયમ શાળામાં મ્યુઝિયમની સ્થાપના કરી. એ જ અરસામાં બેબોલિયન રાજકુમારી દ્વારા મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. અઢારમી સદીમાં પોપ દ્વારા કલેક્શન કરવામાં આવ્યું એને સૌથી પ્રાચીન મ્યુઝિયમ માનવામાં આવે છે. ઇવન નૂડલ્સને ધ્યાનમાં રાખીને પણ જાપાનમાં મ્યુઝિયમ બન્યું છે. તૂટેલા માનવીય સંબંધોનું મ્યુઝિયમ, ક્રોએશિયા નિષ્ફળ પ્રેમ સંબંધોને સમર્પિત છે. જેમાં નિષ્ફળ પ્રેમીઓ દ્વારા આપેલી વ્યક્તિગત નોંધો અને વસ્તુઓ જેવી કલાકૃતિઓ મુકવામાં આવી છે. આપણે ત્યાં સોશિયલ મીડિયા પર આવા સંગ્રહાલય હોય છે.
હર્મિટેજ મ્યુઝિયમમાં લગભગ ૫૦ બિલાડીઓનું ઘર છે. બિલાડીઓને ૧૮મી સદીથી મ્યુઝિયમની આસપાસ ઉંદરથી છુટકારો મેળવવા માટે વસાવવામાં આવી હતી. કેથરિન ધ ગ્રેટે બિલાડીઓને મ્યુઝિયમની સંવર્ધક માની હતી.
આપણે નાના હતાં અને માચીસની છાપ એકઠી કરતાં હતાં, એ મ્યુઝિયમનો પ્રારંભ હતો. ધીમે ધીમે શોખ વધતા કોઈન્સ સંગ્રહ થાય, પુસ્તક સંગ્રહ
થાય… શોખ કેળવીને સંગ્રહ કરવો એ સંગ્રહાલય… સંગ્રહનો મહેલ છે. મ્યુઝિયમ શૈક્ષણિક જરૂરિયાત છે, સાથોસાથ પ્રત્યેક યુગની જીવનશૈલીનો આયનો છે.
વડોદરા મ્યુઝિયમમાં લગભગ સીત્તેર હજાર કરતાં મોન્યુમેન્ટસનો વિશાળ સંગ્રહ, ગોલ્ડપસલેટેડ પુસ્તકો, પંદરમી સદીના પેઇન્ટિંગ, યુરોપિયન શૈલીના પેઇન્ટિંગ… શું નથી? અમદાવાદ પાસે ગાંધી અને સરદારના સંગ્રહ છે. મુંબઈ પાસે આઝાદી આંદોલનની પળો જમા છે. ઇન શોર્ટ, હર મ્યુઝિયમ કુછ કહેતા હૈ… સિર્ફ ટાઇમ દેના પડતા હૈ…
ધ એન્ડ
મેં બહુત પહેલે ઠોકર ખાકર ગીર ચૂકા થા… જો બાદ મેં ઉઠકર ભાગા, વો મૈં નહીં થા.
માનવ કૌલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -