Homeમેટિનીગોડસેની પહેલી ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ

ગોડસેની પહેલી ફિલ્મ પર ભારતમાં પ્રતિબંધ

ગાંધીજીના હત્યારાને કેન્દ્રમાં રાખીને ૧૯૬૦ના દાયકામાં બનેલી અંગ્રેજી ફિલ્મમાં હકીકત સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં

હેન્રી શાસ્ત્રી

જે. એસ. કશ્યપ: બહુમુખી પ્રતિભા
ફિલ્મમાં ગાંધીજીનો રોલ જે. એસ. કશ્યપે કર્યો હતો. શ્રી કશ્યપ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. અશોક કુમારની કારકિર્દીની પહેલી સુપરહિટ ફિલ્મ ’‘અછૂત ક્ધયા’માં સંવાદ લેખક અને ગીતકાર જે. એસ, કશ્યપ હતા. ફિલ્મ મેકિંગના વિવિધ પાસાની સમજણ ધરાવતા શ્રી કશ્યપની ફિલ્મ કારકિર્દીની શરૂઆત હિમાંશુ રાય – દેવિકા રાની નિર્મિત ‘જવાની કી હવા’ (૧૯૩૫)થી થઈ હતી. એ ફિલ્મના સંવાદો લખવા ઉપરાંત એક નાનકડી ભૂમિકા પણ તેમણે કરી હતી. ૧૯૩૬ની ‘મમતા’માં તો ગીતકાર સાથે સંગીતકારની જવાબદારી પણ નિભાવી. સંવાદ લેખક, ગીતકાર અને સંગીતકાર તરીકે યોગદાન આપનારા શ્રી કશ્યપ ૧૯૪૩ની ‘વિજયાલક્ષ્મી’ ફિલ્મના ગીતકાર ઉપરાંત નિર્માતા અને દિગ્દર્શક સુધ્ધાં હતા. ૧૯૬૧ની મનોજ કુમાર – અમિતાની ‘પિયા મિલન કી આસ’માં કથા – પટકથા – સંવાદ લેખક તેમ જ નિર્માતા પણ કશ્યપ જ હતા. ચાલીસેક હિન્દી ફિલ્મોમાં અનેક રીતે સંકળાયેલા શ્રી કશ્યપની ‘નાઈન અવર્સ ટુ રામ’ અંતિમ ફિલ્મ હતી. આ કલાકારે માત્ર પાંચ ફિલ્મમાં અભિનય કર્યો હતો જેમાં ગાંધીજીનો રોલ સૌથી યાદગાર માનવામાં આવે છે.

——————————————-
નથુરામ વિનાયક ગોડસે. પુણેના આ હિંદુત્વવાદી અને હિંદુ મહાસભાના સભ્ય અને આરએસએસના ભૂતપૂર્વ સભ્યએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. ૧૯૪૭માં ભારતના ભાગલા થયા ત્યારે ગાંધીજી મુસલમાનોની રાજકીય માગણીને અનુકૂળ રહ્યા એવી માન્યતાને કારણે ગોડસેએ નારાયણ આપટે અને અન્ય છ જણ સાથે મળી ગાંધીજીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ના દિવસે એને અંજામ આપ્યો હતો. હોલીવૂડમાં સાડા ચાર દાયકા ફિલ્મો બનાવનાર કેનેડિયન – અમેરિકન ફિલ્મ ડિરેક્ટર માર્ક રોબસને અમેરિકન ઈતિહાસકાર સ્ટેન્લી વોલ્પર્ટની Nine Hours To Rama નામની નવલકથાનો આધાર લઈ કાલ્પનિક કથાવસ્તુ ધરાવતી એ જ નામની Nine Hours To Rama – ‘નાઈન અવર્સ ટુ રામ’ ફિલ્મ ૧૯૬૩માં બનાવી હતી. ગોડસેએ હત્યાની યોજના કેવી રીતે તૈયાર કરી અને કયાં સંજોગો – કારણોને લીધે તેણે હજારો હિંદુઓની હત્યા માટે ગાંધીજીને દોષી ઠેરવ્યા એ અલગ અલગ ફ્લેશબેકમાં ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
અંગ્રેજીમાં બનેલી આ ફિલ્મએ ભારતમાં ઊહાપોહ મચાવી દીધો હતો. હકીકત સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાથી એની રજૂઆત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જવાહરલાલ યુનિવર્સિટીમાં સિનેમા સ્ટડીઝ પર રિસર્ચ કરી રહેલા રવીન્દ્ર સિંહે ફિલ્મનું વર્ણન થોડો ઈતિહાસ, કાલ્પનિક કથાનો અતિરેક અને રોમેન્સ – મેલોડ્રામાના મિશ્રણ’ તરીકે કર્યું હતું. ફિલ્મમાં ગાંધીજીના જીવનના છેલ્લા નવ કલાકની વાત કરવાની સાથે બદઈરાદામાં કામિયાબ થતા પહેલા ફ્લેશબેકમાં ગોડસેના જીવન પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો હોવાની વાત પણ મિસ્ટર સિંહે કરી છે.
રોબસનની આ ફિલ્મમાં ભારતીય કલાકાર ડેવિડ અને અચલા સચદેવના નાનકડા પાત્રોને બાદ કરતા મુખ્ય ભૂમિકાઓમાં ઘંઉંવર્ણા અમેરિકન અને યુરોપિયન કલાકારને જ લેવામાં આવ્યા હતા. જર્મન એક્ટર
Horst Buchholz ગોડસેના રોલમાં હતો. ફિલ્મના કથાનક મુજબ ‘ગોડસે Society of Nation’s Saviours નામની સંસ્થામાં જોડાય છે અને ગાંધીની હત્યા કરવા માટે એની પસંદગી કરવામાં આવે છે. એના બાળલગ્ન થયા હોય છે, પણ કોમી હુલ્લડમાં એ બાળક્ધયાની હત્યા થાય છે. ત્યારબાદ એક પરિણીત સ્ત્રીના મોહમાં ગોડસે પડે છે અને વેશ્યાના સહવાસમાં પણ આવે છે. ફિલ્મમાં એવું પણ દર્શાવાયું છે કે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીજી (અભિનેતા જે એસ કશ્યપ)ને હત્યાની ચેતવણી આપે છે. અંતે ગોડસે ત્રણ ગોળી ચલાવી ગાંધીજીની હત્યા કરી પસ્તાવો વ્યક્ત કરતો ઘૂંટણિયે પડે છે. જોકે, ગોડસે ત્રણ ગોળી ચલાવી ગાંધીજીની હત્યા કરે છે એ એકમાત્ર સત્ય હકીકતનું નિરૂપણ ફિલ્મમાં છે. બાકી વાસ્તવિક જીવનમાં ગોડસે હિંદુ મહાસભા અને આરએસએસના સભ્ય હતા. ગોડસે અપરિણીત હતા, એમના લગ્ન નહોતા થયા. પરિણીત સ્ત્રીના મોહમાં પડવાની કે વેશ્યાના સહવાસમાં આવવાની વાત સદંતર ખોટી છે. હત્યા અંગે પૂર્ણ જવાબદારી તેમણે સ્વીકારી હતી અને ખટલો ચાલ્યો એ દરમિયાન ગાંધીજીના મૃત્યુ બદલ માત્ર પોતાને જ જવાબદાર ગણવામાં આવે એવી દલીલ તેમણે કરી હતી. આ રીતે ખોટી માહિતી ફિલ્મમાં ઠેર ઠેર જોવા મળે છે.
રવીન્દ્ર સિંહના કહેવા અનુસાર ‘ગાંધી હત્યા’ પછી તેમના જીવન અને કવનને આવરી લેતા કેટલાક ફિલ્મ પ્રોજેક્ટની ઘોષણા પશ્ર્ચિમના દેશોમાં કરવામાં આવી હતી. જોકે, ઘોષણાનું હકીકતમાં રૂપાંતર થયું નહીં અને માર્ક રોબસને ચૂપચાપ ફિલ્મ નિર્માણ શરૂ કરી દીધું હોવાની વાત ભારતીય મીડિયામાં છલકાઈ ગઈ. અલબત્ત મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિયેશન દ્વારા વિદેશી ફિલ્મ યુનિટને પરવાનગી આપવાની યોગ્યતા અંગે ચર્ચા કરવા મીટિંગ બોલાવી હતી અને માહિતી દોષ અને ગાંધીજીના નામને વિદેશીઓ વટાવી ખાવાનો પ્રયાસ કરી રહ્યા છે એવી ફરિયાદ પણ કરવામાં આવી હતી.
ફિલ્મના શુટિંગને અપાયેલી પરવાનગી બદલ જવાહરલાલ નેહરુની સરકાર પર માછલાં ધોવાયા હતા. રવીન્દ્ર સિંહે લખ્યું છે કે ૧૯૬૨ના જુલાઈ મહિનામાં સ્ટેન્લી વોલ્પર્ટનું પુસ્તક ભારતમાં બુકસ્ટોલ પર મળવા લાગ્યું હતું. જોકે, ગોડસેના સમર્થકો રોષે ભરાયા અને પુણેમાં પુસ્તકની પ્રતો બાળી નાખી. વાત વધુ વણસે એ પહેલા સરકારે જ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો. આ વાતવરણમાં પણ રોબસન ફિલ્મ ભારતમાં રજૂ કરવા ઉત્સુક હતા. તેમણે મોકલેલી ફિલ્મની પ્રિન્ટનું સ્ક્રીનિંગ બીજી જાન્યુઆરી, ૧૯૬૩ના દિવસે નહેરુ અને તેમના પ્રધાનમંડળ સમક્ષ કરવામાં આવ્યું. જોકે, ૨૦ ફેબ્રુઆરીએ યુકે સ્થિત ભારતીય રાજદૂતે જણાવ્યું કે આ ફિલ્મ ભારતમાં રજૂ કરવાની પરવાનગી નથી.
૨૧ ફેબ્રુઆરી, ૧૯૬૩ના દિવસે ફિલ્મ લંડનમાં રિલીઝ થઈ હતી. અલબત્ત આજે આ ફિલ્મ સ્મરણમાં નથી રહી. ૧૯૮૨માં આવેલી રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મને મળેલા અદભુત આવકારને પગલે રોબસનની ફિલ્મની થોડીઘણી સ્મૃતિ હતી એ પણ વિસરાઈ ગઈ. ‘ગાંધી’ ફિલ્મની સફળતાથી પ્રેરાઈ ગાંધીજી વિશે વધુ ફિલ્મો બનાવવાની પ્રેરણા મળી.
ફિલ્મના અભ્યાસુએ એક મહત્ત્વની વાત પર ધ્યાન દોરતા લખ્યું છે કે ફિલ્મમાં કલ્પનાના જે રંગ પૂરવામાં આવ્યા છે એમાંની એક વાત ઊડીને આંખે વળગે એવી છે. હત્યાનો મુખ્ય સાથીદાર નારાયણ આપટેનું પાત્ર ગોડસેને કહે છે જો ગાંધીજી સંત તરીકે પૂજાશે તો આવતા જન્મમાં આપણને ઘૃણાસ્પદ ચહેરો સંતાડવા જગ્યા નહીં મળે.’ જોકે, ગોડસેના નામનું સ્મારક બનાવવાની રજૂ કરવામાં આવેલી દરખાસ્ત અને એના નામને ઉજળું કરવાની થઈ રહેલી કોશિશ જોતા નારાયણ આપટેની કલ્પના સાવ ખોટી સાબિત થઈ રહી છે.’ ઘૃણા નહીં ગોડસે માટે અનુકંપા જાગે એ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular