મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
આ દુનિયાને ચલાવનારો કોઈ છે અને તે જ અલ્લાહ છે. આટલો મોટો ચરખો ચલાવનારા બે ચાર જણ હોઈ શકે જ નહીં, કારણ કે એવું થાય તો ભારે ગડબડ ઊભી થઈ જાય.
હજારો વર્ષથી એકસરખી રીતે આ ‘બ્રહ્માંડ’ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે:
* સૂર્યનું ઉગવું અને આથમવું,
* હવાઓનું ચાલવું,
* કરોડો વર્ષોથી વરસાદનું નિયમિત વરસવું,
* જન્મ, મરણ,
* એ તમામ કાર્યોનો ચલાવનાર એક, અને ફક્ત એક જ હોય, તોજ વ્યવસ્થા ટકી શકે અને ટકી રહી છે.
* એનું જ નામ ખુદા છે, અલ્લાહ છે, રબ છે.
– હવે, એક મિનિટ ધ્યાન આપો, અને વાંચો. સાયન્સ (વિજ્ઞાન) એવું કહે છે કે –
* ચંદ્ર રોજ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે,
* પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે,
* બુધ નામનો ગ્રહ છે તે સૂર્યથી ત્રણ કરોડ અને સાઈઠ લાખ માઈલ દૂર છે.
* શુક્ર નામનો ગ્રહ છે, તે સૂર્યથી છ કરોડ અને બોત્તેર લાખ માઈલ દૂર છે.
* આપણી પૃથ્વી (દુનિયા) છે, તે સૂર્યથી બાણું કરોડ અને ત્રીસ લાખ માઈલ દૂર છે.
* મંગળ નામનો ગ્રહ છે, તે સૂર્યથી ચૌદ કરોડ, સોળ લાખ અને પચાસ હજાર માઈલ દૂર છે.
* ગુરૂ નામનો ગ્રહ છે, તે સૂર્યથી બે અબજ, સિત્તેર કરોડ અને નવ લાખ માઈલ દૂર છે.
* પ્લુટો નામનો ગ્રહ છે, તે સૂર્યથી સાડત્રીસ અબજ અને વીસ કરોડ માઈલ દૂર છે.
– વિજ્ઞાન એવું કહે છે કે, આપણી નરી આંખોથી મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ એ પાંચ ગ્રહો જોઈ શકાય છે. આ ગ્રહો, આપણી પૃથ્વી જેવા છે જેને આપણે તારાઓ તરીકે ઓળખીએ છીએ અને આકાશમાં રાત્રે જાણે ખૂબસસૂરત ચાંદરણું પાથર્યું હોય તેવી કવિતા આપણે તારાઓને જોઈને કરીએ છીએ. તેને માટે વિજ્ઞાન કહે છે કે એ ઝીણા સુંદર દેખાતા તારાઓ, સૂર્ય જેટલા મોટા અને પ્રકાશિત છે. તેઓ એટલા બધા દૂર છે કે સૂર્યની સરખામણીમાં ખૂબ જ નાના લાગે છે અને તેથી આપણે તેને ‘તારા’ કહીએ છીએ. તેનું દૂરનું અંતર તેમને તારા જેવા નાના બનાવી દે છે.
એ અંતર એટલે ફાસલો કેટલો હશે? તમો જાણો છો? એ અંતર કેવી રીતે મપાય છે તે તમો જાણો છો?
ખગોળ શાીઓએ આ અંતર માપવા માટે કાળનો માપદંડ કાઢ્યો છે. એ માપદંડનું નામ ‘પ્રકાશવર્ષ’ રાખ્યું છે. પ્રકાશ એટલે લાઈટ. એક સેકંડમાં લાઈટ એક લાખ અને છયાસી હજાર માઈલનું અંતર કાપી નાખે છે. તેના ઉપરથી એક મિનિટનું, એક કલાકનું, એક દિવસનું, એક મહિનાનું અને છેવટે એક વર્ષનું અંતર કેટલું કાપી શકે તેની ગણતરી કરવામાં આવી.
આ રીતે ગણતાં, પ્રકાશ એટલે લાઈટ એક વર્ષમાં છ હજાર અબજ માઈલનું અંતર કાપે છે, એમ સાબિત થયું. હવે આ જે છ હજાર અબજ માઈલનું અંતર નક્કી થયું તેને ‘એક પ્રકાશવર્ષનું અંતર’ કહેવાય છે.
જે તારાઓ આપણે જોઈએ છીએ તેમાં કેટલાક સેંકડો અને હજારો પ્રકાશવર્ષના અંતરે છે.
* કેટલાક તારાઓ તો લાખો અને કરોડો બલકે તેનાથી પણ વધુ દૂરના પ્રકાશ અંતરે છે.
* જ્યાં એક પ્રકાશવર્ષનું અંતર છ હજાર અબજ માઈલ છે, તો કરોડો પ્રકાશવર્ષનું અંતર ગણતાં એ તેનો વિચાર કરતાં આપણી બુદ્ધિ ચકરાવે ચઢી જાય છે.
* કલ્પના કરો કે આટલા દૂરના અંતરે આવેલા આ ‘તારાઓ’ કેટલા મોટા હશે?
* ખુદાતઆલાના આ ચરખાની હકીકત જે વિજ્ઞાનીઓએ બતાવવા માંડી છે, તેને જો આપણે થોડીવાર માટે માની લઈએ, તો ખુદાની કુદરતનો તરત જ ખ્યાલ આવી જાય છે અને આપણું મસ્તક (શિર, માથું) તેની બારગાહમાં તેની આ ખુદાઈ અને આ શક્તિ જોઈને તરત જ ઝૂકી જાય છે.
* અલ્લાહે રચેલી આ માયાજાળમાં એકબીજા જોડે કોઈ ટકરાવની, ઘર્ષણ નથી. બધું કાર્ય વ્યવસ્થિત રીતે કરોડો વર્ષથી ચાલી રહ્યું છે; ચાલતું જ રહેશે.
એક સવાલ:
જે લોકો અલ્લાહની હસ્તિનો જ ઈનકાર કરે છે, તેમને એક જ પ્રશ્ર્ન પૂછવાનો કે-
* અસ્માન પર જણાતા આ કરોડો પ્રચંડ સાઈઝના તારાઓ, સૂર્ય, ચંદ્ર અને બીજા ગ્રહો શું આપોઆપ પેદા થઈ ગયા છે?
* જવાબ આપવો જ પડશે કે એવું હોઈ શકે જ નહીં.
* જો એ વાત કબૂલ કરવાની આવી કે આટલી મોટી માયાજાળનો બનાવનારો એક જબરદસ્ત તાકાત ધરાવતો એક જ ખુદા છે તમે તેને ઈશ્ર્વર કહો, પ્રભુ કહો, રબ કહો કે ગોડ. તે નિરાકાર છે, તો તેની વહેલનીયત (એકેશ્ર્વરવાદ)નો એકરાર (સ્વીકાર) કરવો જ પડશે.
અલ્લાહની વહેદાનીયતનો એકરાર એટલે જ ‘લાઈલાહા ઈલ્લલ્લાહ (અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી)નો સ્વીકાર કરવો જ રહ્યો.
બોધ:
જ્યારે અલ્લાહની હસ્તી આ રીતે સાબિત (પુરવાર થઈ ચૂકી તો તેના હુકમોને પણ જાણવા રહ્યા અને અમલ કરવો જ રહ્યો.
– કબીસ સી. લાલાણી
આજનો ઉપદેશ
તુ પોતાના રબની તરફ એ હાલતમાં આવી જા કે તે તારાથી રાજી અને તું એનાથી રાજી.