27મી ફેબ્રુઆરી, 2002નો એ દિવસ માત્ર ગોધરા જ નહીં પણ આખા દેશ માટે ગોઝારો સાબિત થયો હતો અને કોઈએ સ્વપ્નેય નહીં વિચાર્યું હોય એવી ઘટના એ દિવસે બની હતી, જેમાં 59 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આજે પણ જ્યારે દેશવાસીઓ અને ગોધરાવાસીઓ કે આ ગોઝારા હત્યાકાંડમાં પોતાના સ્વજનોને ગુમાવનાર લોકો આ કાળમુખા દિવસને યાદ કરે છે ત્યારે તેમની સામે આની જ્વાળાઓ લપેટાયેલો એ સાબરમતી એક્સપ્રેસનો એસ-6 કોચ દેખાય છે. બે દાયકા બાદ પણ આજે આ ગોઝારા દિવસની યાદગિરી સમાન કોચ ગોધરા સ્ટેશનની બહાર ઊભો છે.
ઈતિહાસમાં એવી અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે કે જેના ઘાવ સમાન નિશાનીઓ આજે પણ મોજૂદ છે અને એ ઘટનાની યાદ અપાવે છે. સાબરમતી એક્સપ્રેસનો એ એસ-6 રેલવે ડબ્બો, જેને સળગાવવામાં આવ્યો હતો અને તેમાં 59 કારસેવકો મોતને ભેટ્યા હતા, તે આજે પણ ગોધરા સ્ટેશનના એક ખૂણામાં પડ્યો છે. આજે પણ આ ડબાની ફરતે ચોવીસ કલાક ચોકી પહેરો હોય છે. ગોધરા હત્યાકાંડ બાદ અનેક મહિનાઓ સુધી તપાસ ચાલી હતી. તેના વર્ષો બાદ આ એસ-6 ડબ્બો ખસેડીને બાજુ પર મૂકવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી 20 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ પાછા ફરી રહેલાં 59 કારસેવકોને ગોધરા એ કેબિન પાસે ટ્રેનના એસ 6 કોચને આગ લગાવી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં 59 જેટલા કારસેવકો મોતને ભેટ્યા હતા. આ હત્યાકાંડ બાદ આખા ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SIT ની રચના પણ કરવામાં આવી હતી. જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે. સમગ્ર કેસને લઈ 100 આરોપીઓમાંથી કેટલાય આરોપીઓ મોતને ભેટી ચુક્યા છે અને કેટલાક હજુ જેલમાં સજા કાપી રહ્યા છે. જ્યારે જૂજ આરોપીઓ હજી પણ ભળતા નામોને લઈ ફરાર છે.
દર વર્ષે ગોધરા હત્યાકાંડની વરસી પર સ્થાનિક લોકો દ્વારા કોચ પાસે આવીને ફૂલહાર કરવામાં આવે છે અને કારસેવકોની આત્માને શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. તેઓને શ્રદ્ધાંજલિ અપાય છે. ખાસ વાત તો એ છે કે, આ ગોઝારી ઘટનાને 21 વર્ષ વીત્યા બાદ હવે રામ મંદિરના નિર્માણનું કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે, અને 2023 સુધીમાં રામલલ્લાનું મંદિર ઊભું પણ થઈ જશે, પરંતુ તેમ છતાં આ ગોઝારા હત્યાકાંડની સ્મૃતિઓ લોકોના માનસપટલ પરથી ક્યારેય ભૂંસાશે ખરી?
ગોધરા હત્યાકાંડઃ બે દાયકા બાદ આજે પણ લોકોની આંખો સામે તરવરી ઉઠે છે આગની જ્વાળામાં લપેટાયેલો કોચ
RELATED ARTICLES