તસવીરની આરપાર -ભાટી એન.
સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલ પાંચાલ પ્રદેશમાં પાંડવોએ વસવાટ કરેલ તેના ઐતિહાસિક પુરાવાઓ હસ્તગત થાય છે. તેની અતિ જર્જરિત પ્રતિમાઓ નિહાળતા કલાત્મક લાગે છે. વર્ષોથી ખવાતી જતી પ્રતિમામાં આબેહૂબ પાંડવો, દ્રૌપદી, શ્રીકૃષ્ણ છે. એટલે સાત પ્રતિમાઓ હારબંધ નિહાળવા મળે છે અને સમુદ્રમાંથી પ્રગટ થયેલા દેવી મા સુંદરી ભવાનીનું કલાત્મક અલૌકિક મૂર્તિવાળું મંદિરને સુંદરી ભવાનીના ઈતિહાસ પર દૃષ્ટિગોચર કરીએ.
સમુદ્રના પણ દેવીઓ છે…! પણ સમુદ્રમાંથી બહાર આવી પૃથ્વી ઉપર વસવાટ કરતા હોય તેવા સમુદ્રના માતાજી એટલે સુંદરી ભવાની માતાજી હળવદથી ૪૦ કિ.મી. દૂર આવેલ સુંદરી ભવાની મંદિર પાંચાળ પ્રદેશનું જ નહીં પણ સારાયે દેશનું ઐતિહાસિક બેનમૂન એકસ્ટ્રા ઓર્ડિનરી યાત્રાધામ ગણાય છે, જે માતાજીના નામથી ગામનું નામ જ ‘સુંદરી ભવાની’ છે…!?
મહાભારત કાળ પૂર્વના આ મંદિર સાથે કણ્વ ઋષિથી માંડીને પાંડવોની દંતકથા સંકળાયેલી છે…! અહીં અનેકાનેક પથ્થરો પણ બ્રહ્મશીલા અને ધર્મશીલાનું સ્વરૂપ ગણી પૂજાય છે… પ્રાચીન કાળમાં મહાન ઋષિ-મુનીઓની યોગભૂમિ તેમ જ અવતારી યુગ પુરુષના પાવન પગલાં અને ધર્મ-આધ્યાત્મનો અમૂલ્ય વૈભવ ધરાવતી આ ભૂમિ સુંદરી ગામના પાદરમાં અગાઉ દરિયો હતો…! તેમ જ વહાણવટું કરવાનું આ મુખ્ય કેન્દ્ર હતું. અહીં ગાઢ જંગલ હતું..! સતયુગમાં કણ્વ મુનિ અહીં તપ કરતા હતા. જેથી સ્થાન નગરની રક્ષા માટે કણ્વ મુનિએ સમુદ્રની આરાધના કરતા મા શ્રી ભવાની પ્રસન્ન થઈ સામુદ્રી સમુદ્રમાંથી બહાર નીકળી પોતાના વાહન સિંહ ઉપર સવાર માતાજી અહીં પધાર્યાં હતાં.
એક કથા ઋષિ વિશ્ર્વામિત્ર અને અપ્સરા મેનકાની પુત્રી શકુંતલાનો ઉછેર આ કણ્વાશ્રમમાં થયેલ અને જેના નામ ઉપરથી આપણો દેશ ભારત વર્ષ કહેવાય છે તે જ મહાપરાક્રમી ભરતનો જન્મ આજ સ્થળે ચક્રવર્તી રાજા દુષ્યંત અને શકુંતલાના મેળાપથી થયેલ. આજે પણ આ કથાની યાદીરૂપ શ્રી કણ્વેશ્ર્વર મહાદેવનું નાનકડું મંદિર બાજુમાં આવેલ છે. સુંદરી ભવાની માતાજી અનેક જ્ઞાતિના કુળદેવી છે. પણ વિક્રમ સંવત ૧૯૮૭માં માતા સામુદ્રીના મંદિરનો ર્જીણોદ્ધાર દશા સોરઠિયા વણિક અમરચંદ માધવજી વૈદ્યે કરાવ્યો હતો. ૧૯૩૦માં શ્રી શંકર ભૂમાનંદ સ્વામી દ્વારા મંદિરનું સંચાલન થતું હતું તે સમયે ૧૯૩૦ અને ૧૯૩૮માં મહારાજા ઘનશ્યામસિંહે ૧૫૧૨૨ ગજ જમીન ૧૦૦૮ રૂપિયામાં આપી હતી, જે ખૂબ જ વિશાળ જગ્યામાં પથરાયેલ છે.
શ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની અંદર વિશાળ આરસની કલાત્મક મૂર્તિઓ આવેલ છે. સુંદર નક્શીકામથી શોભતી મૂર્તિ આબેહૂબ લાગે છે. લાલ ચટક ચુંદડી માથે ચાંદીના મુગટ ઉપરના ભાગે ચાંદીના છતર, હાથમાં તલવાર, ગળામાં હાર, નાકે નથડી શોભે છે. આ પ્રદેશ ખૂબ જ પ્રાચીન હોવાથી આજે પણ પાંચ પાંડવોમાં ઊભેલા ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, ધર્મરાજા અને દ્રૌપદી અને શ્રીકૃષ્ણ આમ સાત મૂર્તિઓ જર્જરિત થઈ ગયા છે. તેમ છતાં સરકાર શ્રી દ્વારા રક્ષિત છે. આ સાતેય મૂર્તિઓ દુર્લભ છે. સમય-કાળની થપાટો લાગ્યે જ જાય છે. તેમ છતાં ઐતિહાસિક વિરાસત સુંદરી ભવાનીનું અનેરું આકર્ષણ છે. પુરાતન ખાતું ખાસ ધ્યાન આપી જાળવણી માટે અથાગ મહેનત કરે છે. મંદિરની બહારના ભાગે ખુલ્લી જગ્યાના પેટાળમાં અનેક મૂર્તિઓ પડેલી હોવાનું પુરાતત્વવિદોનું માનવું છે…! કારણ આ જગ્યાએ હાલમાં તૂટેલી મૂર્તિઓ – સ્થંભોની નિશાની જોવા મળે છે. મંદિરની બાજુમાં જગતહિત આશ્રમ પણ આવેલ છે. મંદિરે રોજ અસંખ્ય યાત્રાળુઓ દર્શને આવે છે. તેમના માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ રાખે છે. આશ્રમની સામેના ભાગે વિશાળ બગીચો છે, જેમાં સુંદર વૃક્ષોની દેખભાળ થાય છે. જેથી આશ્રમ દિન પ્રતિદિન પ્રગતિના પંથે છે. આ જગતહિત આશ્રમનું એક ટ્રસ્ટ ચાલે છે. સુંદરી ભવાની માતાજી મંદિરથી થોડે દૂર દ્રૌપદીની ચોરી આવેલ છે…! જ્યાં તેમના લગ્ન થયા હતા. આ ચોરી કલાત્મક છે. આથી પાંડવો-દ્રૌપદી-શ્રીકૃષ્ણનો ત્રિવેણી સંગમ પાંચાળની પાવન ભૂમિ પર થયો હશે તેની સાક્ષીરૂપ મૂર્તિઓ – ચોરી અને અન્ય મૂર્તિઓ પણ મળી આવી છે. પ્રવાસન દૃષ્ટિએ શ્રી સુંદરી ભવાની માતાજી મંદિર કુદરતના ખોળે વિહરવાનો મબલખ ખજાનો માણવા જેવો છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલ મંદિરે જવા માટે સુરેન્દ્રનગર – મોરબીથી પણ જઈ શકાય છે. માનવી આજે ક્રોંક્રિટ જંગલના આર.સી.સી.ના પીલરમાં સંકોચાય ગયો છે…! તેના માટે મુક્તમને વન્યસૃષ્ટિની વાટે જવાનો અનુપમ અવસર બની રહેશે. આપ સુંદરી ભવાની આવો તો તેની અગલ બગલમાં નજીક આવેલ બીજાં જોવાલાયક સ્થળો ઓલિયા ભગતની સમાતો, ગૌતમ મુનિના ગરમ પાણીના કુંડ, ખાપરા કોડિયાના ભોંયરા, ડાંગેશ્ર્વર મહાદેવ, સૂરજદેવળ, સોનગઢનો કિલ્લો, અનસૂયા આશ્રમ, નાથગુફા, દ્રૌપદી વડ, તેમજ વિશ્ર્વ વિખ્યાત ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ (તરણેતર-મહાદેવ)નું અતિ કલાત્મક મંદિરની કલા નયન કોતરણી અચૂક જોજો. આમ ઝાલાવાડની પાવનભૂમિ પાંચાળમાં આવેલ શ્રી સુંદરી ભવાની માતાજીના અલૌકિક દર્શને એકવાર આવશો’તો વારંવાર શીશ ટેકવા આવશો.