ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં આપણે ભગવાનના ચિંતનનો મહિમા સમજ્યા. હવે આ અંકમાં ભગવાનની સર્વ ચેતનત્વની શક્તિનો પરિચય મેળવીએ.
એક વાર રાજા કેન્યૂટનાં વખાણ કરતાં તેના દરબારીઓએ કહ્યું: “રાજા સાહેબ! આપની આજ્ઞામાં સૂર્ય-ચંદ્ર રહે છે. આ સમુદ્ર પર પણ આપની આણ છે. રાજા સમજુ હતો. ખુશામતખોર ન હતો. તે સહુને દરિયાકિનારે લઈ ગયો અને ત્યાં મુગટ પહેરીને પોતાના સિંહાસન પર બેઠો. ધીરે ધીરે ભરતી શરૂ થઈ. રાજાએ ભરતી રોકવા આદેશ આપ્યો, પણ પાણી રોકાયું નહિ અને થોડી વારમાં એક મોટું મોજું આવ્યું અને રાજાના માથા પરથી મુગટ ઉછાળીને જતું રહ્યું. રાજાએ દરબારીઓને બતાવી કહ્યું : મૂર્ખાઓ! આ જગત ભગવાનના કાયદા પ્રમાણે ચાલે છે. મારી મરજી પ્રમાણે નહિ. અને તે દિવસથી રાજાએ મસ્તક પર મુગટ ધારણ કરવાનું છોડી દીધું.
ઉગઅના બંધારણની શોધ કરનાર સાયન્ટિસ્ટ ફ્રાન્સીસ ક્રિક કહે છે કે – “કોઈ પણ પ્રામાણિક માણસને આજે જેટલી માહિતી ઉપલબ્ધ છે તે બતાવવામાં આવે તો એને કહેવું જ પડે કે જીવસૃષ્ટિ ભગવાને સર્જેલો ચમત્કાર છે, કારણ કે જીવસૃષ્ટિનો પ્રારંભ કરવા માટે એટલી બધી શરતો સંતોષવી પડે તેમ છે કે આ રચના કોઈ અકસ્માત છે તેમ માની શકાય તેવું નથી.
આ સૃષ્ટિનું નિર્માણ થયું અને જે નિયમિતતાથી આ સૃષ્ટિ ચાલી રહી છે, તે અનંત આશ્ર્ચર્ય ઊપજાવે છે. રોજ સૂર્ય ઊગે છે અને આથમે છે. દરિયો તેની સીમા ઓળંગતો નથી. પૃથ્વી એની ધરી પર ૨૩.૫ ડિગ્રી પર ઢળતી રહીને સૂર્યની આસપાસ ૧૦૦૦ માઈલ પ્રતિ કલાકની ગતિથી તેની નિયત કક્ષામાં અવિરત ફરતી રહે છે. આવાં તો અગણિત આશ્ર્ચર્ય આ સૃષ્ટિમાં સમાયેલાં છે. જે સુવ્યવસ્થિત રીતે આ સૃષ્ટિમાં સઘળાં કાર્યો થઈ રહ્યાં છે, તે જોતાં સહેજે સમજાય કે તેનું નિયામક કોઈક છે.
ઉપનિષદમાં પણ ઋતનું વર્ણન આવે છે. વિશ્ર્વના શાશ્ર્વત નિયમને ઋત કહેવાય છે કે એ કોઈ અકસ્માત નથી. પરબ્રહ્મના સંકલ્પથી પ્રવર્તતા, આ શાશ્ર્વત નિયમ અનુસાર સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ- સ્થિતિ – પ્રલય થતાં રહે છે. સામાન્ય ભાષામાં સમજીએ તો ઋત એટલે ઈશ્ર્વરીય કાયદો. ગીતાના વિભૂતિ યોગમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે-
અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિત:,
અહમાદિશ્ર્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ. ૧૦/૨૦
સર્વ ભૂતોનાં અંતરમાં રહેતો આત્મા હું, સર્વ ભૂતોનો આદિ, અંત અને મધ્ય છું… પરમાત્મા જ આ સૃષ્ટિના આદિ એટલે કે સર્જક, મધ્ય એટલે કે પાલનકર્તા, અંત એટલે કે સંહારના કારણ છે. ભક્તકવિ નરસિંહ મહેતા પરમાત્માના અત્ર-તત્ર-સર્વત્ર, એવા સમાન વ્યાપની અનુભૂતિ થતાં ગાઈ ઊઠ્યા કે-
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે,
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ, દે કનક કુંડલ વિષે ભેદ ન હોયે,
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે,
જેમાં સર્જન છે ત્યાં સર્જક હોવો જોઈએ તેમ જ્યાં કાયદો છે ત્યાં કાયદાનો બનાવનાર અને તેનું અમલીકરણ કરાવનાર પણ કોઈ હોવું જોઈએ. તેમ આ સુનિયંત્રિત જગતને ચલાવનાર પણ કોઈ છે, જેને આપણે પરમાત્મા કે પરમતત્ત્વ કહીએ છીએ. જ્યારે વ્યક્તિ માનરહિત થઈ જાય અને પોતાની બુદ્ધિશક્તિ, આવડત પરમાત્માના અસ્તિત્વની અંદર ઓગાળી દે છે ત્યારે તેને સૃષ્ટિના કણ કણમાં પરમાત્માના હોવાનું રહસ્ય સમજાઈ જાય છે અને સહજતાથી સ્વીકારાય છે. આને જ આધ્યાત્મિકતાની અદકેરી ઊંચાઈ ગણી શકાય. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક વખત વૃક્ષારોપણ કરતી વખતે જમીનમાં કરેલા ખાડામાં માટી નાખવા જતા હતા. ત્યારે ખાડામાં એક મંકોડાને જોઈ ગયા. ત્યારે તેમણે કહ્યું, “મંકોડાભાઈ, તમે દબાઈ જશો એમ કહી તેને હળવેથી ઊંચકીને ખાડાની બહાર મૂકી દીધો. ત્યાર બાદ તે ખાડો માટીથી ભર્યો. તેઓ સર્વ જીવપ્રાણીમાત્રમાં પરમાત્માનાં જ દર્શન કરતા હતા. એક વખત સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે રસ્તામાં ત્રણ-ચાર યુવકો દૂર ઊભેલા દેખાયા. સ્વામીશ્રીએ તેમને બોલાવ્યા. તેઓએ ખચકાટ સાથે કહ્યું: બાપજી, અમે તો દલિત છીએ. ત્યારે સ્વામીશ્રીએ તેમને પાસે આવવા કહ્યું અને પ્રેમથી આશીર્વાદ આપી કહ્યું: “અમે પણ હરિના એટલે કે ભગવાનના જન છીએ અને તમે પણ ભગવાનના જન છો. એટલે તમે પાસે આવો. આમ તેઓ જીવજંતુ હોય કે મનુષ્ય, કોઈ જાતના ભેદભાવ વગર દરેકના હૃદયમાં રહેલા પરમાત્માનાં દર્શન કરતા હતા. તેમના માટે આ જગત પરમાત્માનું જ વ્યાપક સ્વરૂપ હતું.