રોજ બરોજ -અભિમન્યુ મોદી

મન, વચન અને વાણીથી થતા પ્રત્યેક કર્મ માનવીના સમૂળગા જીવનની પ્રતીતિ કરાવે છે. શિવાજીને લોકો છત્રપતિ એટલે કહે છે કે, કારણ કે અંગ્રેજો અને મુઘલોના ક્રૂર શાસન વચ્ચે પણ તેમણે સ્વરાજ્યની મશાલ જલાવી અને જીવના જોખમે મરાઠા રાજાઓને એક છત્ર નીચે એકઠા કર્યા, અહલ્યા બાઈ હોલકરે જ્યારે મહાદેવની પ્રતિમાઓનું સ્થાપન શરૂ કર્યું એ સમયે ખુદ રાજ પરિવારના રોષનો ભોગ બનવું પડ્યું પણ જેણે ‘સેવાની નેમ’ ને પોતાના નામ સાથે જોડી દીધી એ જ વ્યક્તિ પોતાના સત્કર્મોથી મહાન બન્યા. એવા જ મહાન લોકો ગોવા કોંગ્રેસમાં પણ છે. ગોવા કૉંગ્રેસના નેતાઓ પત્રકારોને મંદિરે આમંત્રિત કરે તેમના કેમેરાની સામે ભગવાન પાસે પ્રતિજ્ઞા ધારણ કરે કે ક્યારેય કૉંગ્રેસનો સાથ અને પંજાના પ્રેમને નહિ છોડીએ. પણ સમય જતાં તેમના જીવનમાં લક્ષ્મીજીનું આગમન થતા ભગવાન સમક્ષ ધારણ કરેલ પ્રતિજ્ઞામાં પણ ફેરફાર કરી નાંખે છે. આ મહાનતા માટે શાસ્ત્રોમાં પણ કોઈ શબ્દની શોધ થઈ નથી.
ગોવાની ભૂમિ એટલે નિર્માલ્ય અને નક્કામા નેતાઓને ભૂમિ, જે નેતાઓને ઉદય ગોવામાં થયો તેમણે માત્ર અંગત સ્વાર્થને જ પ્રાધાન્ય આપ્યું અને ગોવા પક્ષપલટાનું એપી સેન્ટર બની ગયું અને પ્રજાને તો તેના સેવક પર એટલે કે સીએમ પર રસ જ નથી. કારણ કે ગોવામાં તો સીએમ પદ પર બેસેલે વ્યક્તિએ પણ ચાલુ સરકારમાં પક્ષ પલટા કર્યાના દાખલા છે. તાજેતરમાં ગોવા કૉંગ્રેસના ૧૧ માંથી ૮ ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને ચર્ચાનું કેન્દ્ર બન્યા પણ તેના મૂળ તો આ નેતાઓના પૂર્વજોએ જ રોપી દીધા હતા. અને ધર્મને જાણે મજાક બનાવી દીધી હોય તેમ સરકાર રચ્યા બાદ મંદિરમાં ભગવાન સમક્ષ સદાકાળ પક્ષને વફાદાર રહેવાની તકલાદી બાધા, આખડી રાખે તે શું કામની…!
ગોવામાં ભાજપ હોય કે કૉંગ્રેસ, બધા પક્ષ એકસરખા સાબિત થયા છે. બધાએ તકવાદી જોડાણો કર્યા છે અને એટલે જ ગોવામાં હવે પક્ષપલટો અનૈતિક કે શરમજનક નથી ગણાતો. ગોવાને છેલ્લાં ૩૫ વર્ષમાં ૨૨ મુખ્યમંત્રીનો લાભ મળ્યા છે. એ દરમિયાન ત્રણ વખત રાષ્ટ્રપતિશાસન પણ આવી ગયું. એટલે સીએમ બનનાર નેતા કેટલા નકક્કામાં હશે એ તેના પરથી જ સાબિત થઈ જાય છે.
એક તો ગોવાની આઝાદી ભારત કરતા મોડી, પોર્ટુગિઝો આ સંતો-મહંતોની ભૂમિને હિપ્પી કલચરમાં પરિવર્તિત કરીને પહેલા જ સમાજની ઘોર ખોડી નાંખી, જતા જતા નશીલા પદાર્થોને નક્કી કરેલા સ્થળોએ છોડતા ગયા જેથી ગોવાની પ્રજા નશાની નગચુડમાં ફસાયેલી રહે અને રાજ્યનું પતન થાય. બાકી આ તો એ ભૂમિ છે જ્યાં સમુદ્ર મંથન થયું..
પ્રાચીન સાહિત્યમાં ગોવા ઘણા નામોથી જાણીતું હતું. જેમકે, ગોમાંચલા, ગોમાન્તા, ગોપકાપુરી, ગોવેન, ગોમાંતક અને ગોપાકાપટ્ટનમ. પ્રાચીન સંસ્કૃત પુસ્તકોમાં ગોપકાપુરી કે ગોપાકાપટ્ટનમનો ઉલ્લેખ છે. એ જ ગોપાકાપટ્ટનમ જેની નદીના તટ પર દેવ અને દાનવ એકઠા થયા અને અમૃત પ્રાપ્ત કરવા નદીને ઉલેચવાનું શરૂ કરી દીધું. તેમાં જ નવ રત્નો, દુર્લભ ચીજો અને વિષનો કટોરો નીકળ્યો જેને સ્વયં ભોળાનાથએ પોતાના કંઠમાં ધારણ કરીને દેવ-દાનવ અને દુનિયાની રક્ષા કરી છતાં ગોવાને તો પોર્ટુગિઝોની ભૂમિ તરીકે જ યાદ રાખવામાં આવે છે જે દુ:ખની વાત છે.
દરિયાઈ સૌંદર્યનો ખજાનો ધરાવતા ગોવાની દક્ષિણ અને પૂર્વમાં કર્ણાટકની સરહદ છે. પશ્ર્ચિમમાં અરબસાગર અને ઉત્તરમાં મહારાષ્ટ્ર અને તેરેખોલ નદી છે. અહીં વિપુલ વનરાજીઓ છવાયેલી છે. વિદેશી પર્યટકો ગોવાને સન સેન્ડ એન્ડ સી’થી ઓળખે છે.ગોવાનો ભાતીગળ રાજકીય ઇતિહાસ પણ ભ્રષ્ટતંત્રનો સાક્ષી છે. ૧૯૬૧ માં ગોવા આઝાદ થયું ત્યારે ગોવામાં ગરીબોના બેલી દયાનંદ ઉર્ફે ભાઉસાહેબ બંદોડકર અને તેમણે સ્થાપેલી મહારાષ્ટ્ર ગોમંતક પાર્ટી અર્થાત્ એમજીપીનો દબદબો હતો.
ગોવાને પૂર્ણ રાજ્યનો દરજજો મળ્યો અને પ્રથમ ચૂંટણી થઈ ત્યારથી રાજકીય અસ્થિરતાની શરૂઆત થઈ ગઈ હતી. એ ચૂંટણીમાં કૉંગ્રેસ અને એમજીપી બંનેનો ૧૮-૧૮ બેઠકો ઉપર વિજય થયો હતો. બાકીની ચાર બેઠકો ઉપર કૉંગ્રેસી બળવાખોરો જીત્યા હતા. તેમાંથી બે ધારાસભ્યોએ કૉંગ્રેસને અને બે ધારાસભ્યોએ એમજીપીમાં પક્ષપલટો કરી લીધો. એટલે એ સમયે નેતાઓ વચ્ચે રોષ ફાટી નીકળો અને નેતાઓ વચ્ચે છુટા હાથની મારામારી પણ થઈ તેના કિસ્સા છે.
આ અરાજકતાને ધ્યાને લેતા ૨ બેઠકો પર પુન: ચૂંટણી યોજાઈ હતી. તે બંને પર વિજય મળતાં કૉંગ્રેસ સત્તા ઉપર આવી હતી પણ કૉંગ્રેસમાં આંતરિક ગજગ્રાહ ચરમસીમા ઉપર હતો. ૧૯૮૯થી ૧૯૯૪ સુધીનાં પાંચ વર્ષમાં પ્રતાપસિંહ રાણે, ચર્ચિલ આલેમાઓ, લુઇસ બારબોઝ, રવિ નાયક અને વિલ્ફર્ડ ડિસોઝા એમ પાંચ-પાંચ મુખ્યમંત્રી બદલાયા. તેમાં પણ રવિ નાયક અને વિલ્ફર્ડ ડિસોઝા બે-બે વખત મુખ્યમંત્રી બન્યા. રવિ નાયકનો એક વખતનો કાર્યકાળ ફક્ત ૬ દિવસનો રહ્યો હતો.
ચર્ચિલ આલેમાઓ ૧૮ દિવસના રાજા બનીને રહ્યા હતા. તે દરમિયાન એક વખત રાષ્ટ્રપતિશાસન પણ આવી ગયું હતું. રવિ નાયક મૂળભૂત રીતે એમજીપીના હતા. સાત ધારાસભ્યો સાથે પક્ષપલટો કરી તેમણે પાર્ટી તોડી હતી. કૉંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો હતો. બાદમાં તેમનું જૂથ કૉંગ્રેસમાં ભળી ગયું હતું. લુઈસ બારબોઝ તો વિધાનસભાના અધ્યક્ષ હતા. તેમણે સાત ધારાસભ્યો સાથે કૉંગ્રેસ સાથે છેડો ફાડી ગોઅન પીપલ્સ પાર્ટીની સ્થાપના કરી હતી. લુઈસ બારબોઝને એમજીપી અને અપક્ષોએ ટેકો આપીને પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક પાર્ટીના નામે સરકાર બનાવી લીધી હતી. તે સરકારમાં ચર્ચિલે ૧૮ દિવસનું મુખ્યમંત્રીપદ ભોગવી લીધું હતું.
આ બધું ગોવા રાજ્ય બન્યું તેના પ્રથમ પાંચ વર્ષમાં જ બની ગયું હતું. પક્ષપલટો જાણે કે ગોવાને ગળથૂંથીમાં મળ્યો છે. આ આંકડાઓની માયાજાળને અહીં રજૂ કરવામાં આવે તો અખબારના ૧૦૦ પાના પણ ઓછા પડે એવા પક્ષ પલટાના કિસ્સા ગોવાની ભૂમિ તેના પેટાળમાં ધરબીને બેઠી છે. પણ છેલ્લા પાંચ વર્ષમાં જે નાટક થયા તેવા તો નીતીશ કુમારે પણ બિહારમાં નથી કર્યા.
ગોવાના રાજકીય ઇતિહાસમાં નિષ્ઠવાન નાયક તો એક જ હતા. મોહન પરિકર,ગોવામાં રાજકીય સ્થિરતામાં કાયમી ધોરણે વચલો રસ્તો કાઢવામાં પરિકર સફળ રહેલ હતા. ગોવાના રાજકારણમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા હતા. ૨૦૦૦માં તેમણે પ્રથમવાર ભાજપની સરકાર રચી હતી. કૉંગ્રેસના શાસનને દૂર કરવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સંઘના સંસ્કારોથી તેમણે લોકોના હૃદય સુધી પહોંચવાનો એક અલગ રસ્તો તૈયાર કર્યો હતો. પરિકર એવા નેતા હતા કે તમે તેને પ્રેમ કરો, નફરત કરો, કરો કે ન કરો પણ તેઓ ક્યારેય ગોવાની પ્રજાથી વિમુખ થતા નહીં. પણ પક્ષપલટાએ તેમની કાર્યપ્રણાલીમાં પણ અવરોધ ઉત્પન્ન કર્યો હતો. જે ધારાસભ્યોએ તેમની જોડે કારકિર્દી શરૂ કરી તેમણે જ પરિકરના પતનનો કારસો તૈયાર કર્યો હતો. જ્યાં સુધી પરિકર સત્તામાં હતા ત્યારે સુધી તેમણે જાણે આવા બળવાખોરેને રોકી રાખ્યા હતા. એટનસિયો મોનેસેટર જેવા નેતાઓ સરાજાહેર કૉંગ્રેસને ટેકો પૂરો પાડતા પણ ભાજપમાંથી પક્ષપલટો કરી શક્યા ન હતા.
મોહન પરિકરના કાર્યકાળમાં ગોવાનો નોંધપાત્ર વિકાસ થયો પણ તેમના નિધન બાદ વર્ષ ૨૦૧૯થી ફરી પક્ષ પલટાની મૌસમ શરૂ થઈ. પછી તો સોળે કળાએ ખીલી ઉઠી અને પાંચ વર્ષમાં ભાજપ અને કૉંગ્રેસમાંથી કુલ ૩૫ ધારાસભ્યો વંડી ઠેકી ઠેકીને એક બીજાના પક્ષમાં આવતા જતા રહ્યા. એ સિલસિલો હજુ પણ યથાવત્ છે.
ગોવા વિધાનસભાની કુલ ૪૦ બેઠકો છે. જેથી સરકાર રચવા ૨૧ બેઠક જોઈએ હવે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોના આગમનથી ભાજપ ૨૮ ધારાસભ્યો સાથે છપ્પનકી છાતીએ જીતનો જશ્ર્ન ઉજવે છે. અત્યારે ભાજપ ભલે ઑપરેશન લોટસના નામે એવો જશ ખાટવા નીકળે, પણ ભાજપ નીતીશ કુમાર જેવી ભૂલ અહીં પણ કરે છે…આ એ જ ધારાસભ્યો છે જેણે પોતાના લાભ માટે જો કૉંગ્રેસ છોડી દીધું હોય તો સમય આવ્યે શું ભાજપનો સાથ નહિ છોડે? ક્યાં સુધી ગોવામાં આ રમત ચાલ્યા કરશે ! અને રમતમાં ગોવાને ક્યારેય ખરા અર્થમાં પ્રજાનો પ્રતિનિધિ મળશે?

 

Google search engine