એર સર્વિસ ફરી શરૂ થાય તે પહેલા મળશે એપ્રfલની સેલેરી
ગો ફાસ્ટ ના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કંપનીએ તેમને જાણ કરી છે કે એરલાઇન્સ તેમની સેવાઓ ફરી શરૂ કરે તે પહેલા તેમને એપ્રિલ મહિનાનો સંપૂર્ણ પગાર મળી જશે. ગો ફર્સ્ટના વાઈસ પ્રેસિડન્ટ રણજીત રંજને કર્મચારીઓને ઈ-મેલ મોકલીને આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે આગામી મહિનાથી પગાર દર મહિનાના પહેલા અઠવાડિયામાં મળી જશે.આર્થિક સંકટ નો સામનો કરી રહેલી ગો ફર્સ્ટે બે મેના રોજ તેની સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી અને નાદારી માટે NCLTમાં અરજી કરી હતી.
ગો ફર્સ્ટે તેની નબળી આર્થિક સ્થિતિ માટે અમેરિકાની પ્રેટ એન્ડ વ્હીટની (P & W) કંપનીને જવાબદાર ઠેરવી હતી. તેણે કહ્યું હતું કે P & W કંપનીને વારંવાર વિનંતી કરવા છતાં કંપનીએ તેમને એન્જિન સપ્લાય કર્યા ન હતા, જેને કારણે એરલાઇન્સ કંપનીને તેના લગભગ 50% એરક્રાફ્ટ ગ્રાઉન્ડ કરી દેવા પડ્યા હતા અને કંપનીની આવકમાં મોટો ઘટાડો થયો હતો.
રણજીત રંજને કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું છે કે ગો ફર્સ્ટ તેની સેવાઓ ફરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે NCLTના તાજેતરના આદેશને ટાંક્યો છે, જેમાં ટ્રિબ્યુનલે એરક્રાફ્ટ ભાડે આપનારાઓના વાંધાઓ છતાં ગો ફર્સ્ટની નાદારીની અરજી સ્વીકારી હતી. તેમણે ઇમેલમાં લખ્યું હતું કે NCLTએ અમને એરક્રાફ્ટ જાળવી રાખવા અને સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય ભારતના ઇતિહાસમાં સીમાચિન્હરૂપ છે.
ગો ફર્સ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સરકાર અમને ખૂબ મદદ કરી રહી છે. તેણે અમને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવા કહ્યું છે. સરકાર પ્રેટ એન્ડ વ્હીટની કંપની સાથે એન્જિનની સમસ્યાને ઉકેલવામાં પણ મદદ કરી રહી છે. આગામી દિવસોમાં DGCA કંપનીનું ઓડિટ કરશે અને જોશે કે અમે સેવાઓ ફરી શરૂ કરવા માટે કેટલા તૈયાર છીએ. એકવાર અમને DGCA તરફથી મંજૂરી મળી જાય તો પછી અમે ટૂંક સમયમાં અમારી સેવાઓ ફરી શરૂ કરીશું.