Homeઉત્સવગ્લૂમી સન્ડે: આપઘાત કરવાનું માધ્યમ સંગીત બની શકે?

ગ્લૂમી સન્ડે: આપઘાત કરવાનું માધ્યમ સંગીત બની શકે?

કેન્વાસ -અભિમન્યુ મોદી

અલ્વારો મોર્ટેની ઉંમર વધતી હતી અને પગની પીડા અસહ્ય બનતી હતી. એટલી હદે અસહ્ય કે આયખું ટૂંકાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો જ ન હતો.તેને સંગીત સાંભળવાનો ગાંડો શોખ એટલે પોતાના મનગમતા ફ્રેન્ચ ગીતને સાંભળવા યુટ્યૂબમાં સર્ફિંગ શરુ કરે છે. તેના ધ્યાને હંગેરિયન સોન્ગ ‘ગ્લૂમી સન્ડે’ આવે છે. ગીતનો પહેલો અંતરો સાંભળીને મગજની નસ ફાટી જાય છે. સ્માર્ટ ફોનનું કચુંબર કરવાનું મન થાય છે. એ જ સમયે નેટફ્લિક્સ તેનો સંપર્ક કરે છે અને ફ્રેન્ચ વેબ સિરીઝમાં મુખ્ય પાત્રની ઓફર મળે છે. પગની પીડાને અવગણીને અલ્વારો તુરંત નેટફ્લિક્સના મુખ્ય મથક પર પહોંચી જાય છે અને દુનિયાને મળે ‘મની હાઇસ્ટ’ના પ્રોફેસર. અલ્વારોને કોઈ બીમારી, આધિ, વ્યાધિ કે ઉપાધિ હતી જ નહીં. નવરા ધૂપ એક્ટરને કામ ન મળે એટલે આંતરમનમાં કીડાઓ સળવળે એમાં પગનો દુખાવો થઈ ગયો. તેના કિસ્સામાં નોંધવા જેવી બાબત એ હતી કે ગ્લૂમી સન્ડે ગીત સાંભળ્યા બાદ પણ અલ્વારોએ આપઘાત ન કર્યો.
‘ગ્લૂમી સન્ડે’ એટલે ઉદાસી, પીડા, વેદના, ત્રાસ, સિતમ, ત્રાહિમામ, ચિત્કાર સહિતની લાગણીઓને ચિનગારી આપતું ગીત. યુરોપમાં આ ગીત સાંભળવું કે એની ચર્ચા કરવી પણ પ્રતિબંધિત છે. કારણ? ‘ગ્લૂમી સન્ડે’ ની રચના થયા બાદ તેના રચનાકારે જીવાદોરી ટૂંકાવી, સ્વરબદ્ધ કરનાર ગાયક, વાદક, રેકોર્ડિંગ સ્ટુડિયોના સંચાલક અને ગીત સાંભળનાર ૨૦૦થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી. બધાની સ્યુસાઇડ નોટમાં બે જ શબ્દો મળી આવતા ‘ગ્લૂમી સન્ડે’. યુરોપમાં તો એવું કહેવાતું એકે શ્રાપિત આત્માએ ‘ગ્લૂમી સન્ડે’ પર કબ્જો કરી લીધો છે. જેથી સર્વત્ર મોતનો માતમ છવાયો છે. ઘણાં સંગીતકારો આ અપશુકનિયાળ ગીતને કારણે નવરાધૂપ થઈ ગયા, પરંતુ ૨૦૨૧માં ચમત્કાર થયો જયારે અલ્વારોએ કહ્યું કે તેઓ ગીત સાંભળ્યા બાદ પણ બચી ગયા. અધૂરી પ્રેમકથામાંથી જન્મેલું આ ગીત આટલું ભયાનક કેમ છે?
વાત છે ૧૯૩૩ની, પ્રથમ વિશ્ર્વયુદ્ધની પુર્ણાહિત થઈ હતી અને બીજાની તૈયારી ચાલતી હતી. એ સમયે પેરિસની એક રેસ્ટોરાંમાં રેજ્સો સેરેસ નામનો યુવક પિયાનો વગાડતો હતો. અને એ જ રેસ્ટોરાંમાં તેની ગર્લફ્રેન્ડ એનીસા કામ કરતી હતી, એનીસા સંગીતની સખત વિરોધી તેના મતે રેજ્સો પિયાનો વગાડવા માટે નહીં, પરંતુ લેખક બનવા માટે જન્મ્યો છે. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ચડભડ થતી રહેતી. રેજ્સો પોતાનું કામ છોડવા તૈયાર નહોતો, કારણ કે સમગ્ર યુરોપ યુદ્ધની ખુંવારી અને મંદીના માર સામે ઝઝૂમી રહ્યું હતું. એવા સમયે રેજ્સોને દૈનિક ૧૦ ડૉલર મળતા હતા. આવી ધીકતી કમાણી કોણ બંધ કરે? અંતે એનીસાના જક્કી વલણથી કંટાળી રેજ્સોએ બ્રેક કરી નાખ્યું.
સંબંધ તૂટ્યા પછી તો બન્નેના જીવનમાં કડવાશ આવી ગઈ. એનીસાને રાજી કરવા રેજ્સોએ ગીતકાર બનવાનો નિર્ધાર કર્યો. રવિવારની સવારે આ વાત કહેવા જયારે રેજ્સો રેસ્ટોરાંમાં ગયો તો એક યુવક સાથે બાથભીડેલી અવસ્થામાં એનીસા ઊભી હતી. આ દૃશ્ય નિહાળી રેજ્સો વ્યગ્ર થઈ ગયો. એનીસા શું બન્યું અને કેમ બન્યું એ સમજાવવા માટે તેની પાછળ દોડવા લાગી, પરંતુ રેજ્સો માટે હવે પ્રેમ રણના મૃગજળ સમાન બની ગયો હતો.રાત્રે તોફાની વરસાદ શરૂ થયો અને રેજ્સોના આંતરમનમાં પણ તોફાન ઊઠ્યું હતું. પોતાના જીવનના તમામ ભાવ એક પાનામાં ઉતારી નાખ્યા. ગીતમાં તેની પ્રેયસી તેને દગો આપે છે. એવી વાર્તા વાણાયેલી હતી. રવિવારનો દિવસ હતો એટલે ગીતનું નામ પડ્યું ‘ગ્લૂમી સન્ડે’. સંગીતના નિષ્ણાંતો આ ગીતને ‘યે દુનિયા,યે મહેફિલ..’ સાથે પણ સરખાવે છે.
રેજ્સોએ આ ગીત તો લખી કાઢ્યું હવે કરવું શું? એટલે તેણે ‘ગ્લૂમી સન્ડે’ને ગીતકાર લાસ્લો જેવોરને આપી દીધું. લાસ્લોની થોડા સમય પહેલાં જ સગાઈ તૂટી હતી. તેણે આ ગીતનું પુન:લેખન કરી પોતાની ઊર્મિઓ ઉમેરી વધુ દર્દભર્યું બનાવી દીધું. બંને મિત્રોએ આ ગીતને કમ્પોઝ કરીને રિલીઝ કરવાનું નક્કી કર્યું. ૧૯૩૩માં આ ગીત બનીને તૈયાર થયું. પરંતુ કોઈ ફિલ્મમેકર કે પબ્લિશર ગીતને સ્વીકારવા તૈયાર જ ન થયા. મગજમાં તાણ ઉત્પન્ન કરે એવા ગીતને ફિલ્મમાં સમાવવામાં કેવું ડહાપણ! ઊલટું ફિલ્મના પૈસા પણ માથે પડે. પરંતુ ગીતે પોતાનો પ્રભાવ શરૂ કરી દીધો. રેજ્સોને લાસ્લોએ જે ફિલ્મમેકરને આ ગીત સંભળાવ્યું હતું તેણે આત્મહત્યા કરી લીધી હતી.
થોડા સમય બાદ ગીતને પબ્લિશર મળી ગયા. શીટ મ્યુઝિકે ગીતનું પહેલું રેકોર્ડિંગ માર્કેટમાં રજૂ કર્યું.ગીત આવતાં વેંત જ સુપરહિટ નીવડ્યું. વિશ્ર્વભરમાં અલગ અલગ ભાષામાં તેને સ્વરબદ્ધ કરવામાં આવ્યું બીજી તરફ આત્મહત્યાના કેસ વધવા લાગ્યા. દરેક આપઘાતની અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હોય ‘ગ્લૂમી સન્ડે’. આપઘાતનું તો જાણે તોફાની મોજું આવ્યું હોય તેમ લોકો ટપોટપ જીવાદોરી ટૂંકાવવા લાગ્યા. તેમાં રેજ્સોની પ્રેયસી એનીસાનો પણ સમાવેશ થતા રેજ્સો દુ:ખી થઈ ગયો. ગીત સફળતાનાં શિખરો સર કરતું હતું અને માનવ જિંદગી આપઘાતના ખપ્પરમાં હોમાઈ રહી હતી. કોઈ સાતમા માળેથી છલાંગ લગાવતું તો કોઈ ટ્રેનના પાટા નીચે આવી જતું અને મરતા પહેલા ‘ગ્લૂમી સન્ડે’ના શબ્દો મમળાવતું નજરે ચડતું. યુરોપમાં એ જ સમયે ‘ગ્લૂમી સન્ડે’ પર પ્રતિબંધ લાગી ગયો. અને તેના બીજા જ દિવસે ખુદ રેજ્સોએ પણ આપઘાત કરી લીધો.૨૧મી સદીમાં આ ગીતની ચર્ચા નથી થતી નહીતર સેડ સોન્ગના લિસ્ટ પર ‘ગ્લૂમી સન્ડે’ ચાર્ટબસ્ટર બની જાય. અલ્વારો તો બચી ગયા એટલે હવે એ ‘ગ્લૂમી સન્ડે’ શબ્દ સાંભળીને કોઈ ભય ઉત્પન્ન નથી થતો, પરંતુ શું ગીત એટલું ઘાતક હશે કે લોકો તેના શબ્દ સાંભળીને આપઘાત કરવા લાગ્યા?
આત્મહત્યા તે ઇશ્ર્વરે આપેલા જીવતરનો અનાદર છે. માણસ સમાજનું અવિભાજય અંગ હોવાથી તેનું જીવન પણ સમાજ વ્યવસ્થા અને સમાજ તંત્રનો એક અંશ છે. દાકતરી શાસ્ત્રનો મત એવો છે કે માણસની જિજીવિષા એટલી પ્રબળ હોય છે કે જીવતર પર થોડું જોખમ આવી પડે તો પણ ફફડી ઊઠે છે તો સામાન્ય અને સમતોલ સ્થિતિમાં કોઇ આત્મહત્યા કઈ રીતે કરે?
જીવતર અઘરું થઇ પડ્યું હોય ત્યારે દુ:ખમાં તરફડવાના બદલે માણસ મરણનો માર્ગ અપનાવે છે. ત્યારે દુનિયા તેને વખોડે છે અને જો માણસ બચી જાય ત્યારે માનસિક સધિયારો કે હૂંફ આપવાને સ્થાને સમાજ તેના પ્રત્યે ઉપેક્ષાની નજરે જુએ છે. આવા લોકો સજાને નહીં પણ દયાને પાત્ર છે. આજે તો ચા બનાવવા જેવી નજીવી બાબતે પીએન લોકો આપઘાત કરે છે. આવા ઉદ્વેગો આવે છે કેમ? અસંખ્ય ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે આપઘાત કરે છે. આમ તો આ આપઘાત નહીં પણ હત્યાકાંડ છે. હત્યા કોણ કરે છે? માનસિક દુર્બળતા.
માણસની પર્સનાલિટી કદાચ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોઈ, પણ જગત તો એ જ સામાન્ય રહેવાનું છે. માટે મનના તરંગો કોઈ બીજી વ્યક્તિ કે સમગ્ર સમાજ સાથે મેચ થાય એવી ખોટી આશાઓ રાખવી વ્યર્થ છે. સતત કોઈ સમજ્યા કરે કે રડવા માટે ખભો કાયમ ધરી જ દે એ અપેક્ષા પણ ક્યારેક નાદાનિયત સાબિત થાય છે. ઊલટું, પડ્યા પછી ઊભા કરનારાઓ કરતા પડ્યા પર પાટું મારનારાઓ કે ચૂપચાપ તમાશો જોયા કરનારાઓની સંખ્યા વધી જતી હોય છે. સફળતા જોઈને ખુશ થનારાઓ કરતાં અદેખાઈથી છળી મરનારા દુશ્મનો વગર કારણે ઊભા થાય ત્યારે મજબૂત દેખાતો માણસ પણ અંદરખાનેથી થોડોક ભાંગે તો ખરો જ. સેલિબ્રિટીઓના કિસ્સામાં તો આવું ખાસ બનતું જ હોય છે. જગતના છળકપટ અને ટાંટિયાખેંચ સામે માણસે અડીખમ ઊભું રહેવાનું હંમેશાં શક્ય નથી બનતું. ક્યારેક હારી જવાય તો એક ખૂણામાં બેસીને એકલા રડી લઈને, ફરીથી બીજા કોઈ રસ્તે એ જ મસ્તીથી રમતા રમતા લડતા રહેવાનું નામ એટલે જ જિંદગી! માણસ આજીવન બે જંગ નિરંતર લડતો રહે છે. એક જંગ અંતર સાથે, અન્ય જંગ દુનિયા સાથે, આ આંતર-બ્રાહ્ય યુદ્ધ લડતા લડતા હૃદયના સંતુલનનું પલ્લું કોઈ એક બાજુ નમી ના પડે એ સતત ધ્યાન રાખવું પડે, જયારે આ કળામાં પારંગત થઈ જવાય ત્યારે આત્મહત્યાના વિચારો આપોઆપ હવા થઈ જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular