વૈશ્ર્વીકરણ વિરુદ્ધ રાષ્ટ્રવાદ

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

કેટલાક વિચારકો વૈશ્ર્વીકરણને મુખ્યત્વે આર્થિક ખ્યાલ માને છે. કેટલાક સાંસ્કૃતિક આદાન-પ્રદાનના સંદર્ભમાં વૈશ્ર્વીકરણનું અર્થઘટન કરે છે, જ્યારે અમુક તેને સામાજિક પ્રક્રિયા તરીકે જુએ છે. હકીકતમાં વૈશ્ર્વીકરણ એ બહુઆયામી પ્રક્રિયા છે, જેમાં મુખ્યત્વે આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિમાણોનો સમાવેશ થાય છે, ઓક્સફર્ડ અંગ્રેજી શબ્દકોશ અનુસાર વૈશ્ર્વીકરણ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ‘ટુવર્ડ્સ ન્યુ એજ્યુકેશન’ નામના દસ્તાવેજમાં કરવામાં આવ્યો હતો, જેનું પ્રકાશન ઈ. સ. ૧૯૩૦માં થયું. આ દસ્તાવેજમાં શબ્દનો ઉપયોગ શિક્ષણના ક્ષેત્રમાં વ્યક્તિના સમગ્ર અનુભવોના અર્થરૂપમાં કરવામાં આવ્યો હતો. ત્યારથી ૧૯૭૦ના દાયકા સુધી આ શબ્દનો ઉપયોગ થતો હતો, પરંતુ તેને લોકપ્રિયતા ન મળી. ઈ. સ. ૧૯૮૦ના દાયકાના અંતમાં અર્થશાસ્ત્રી થિયોડોર લેવિટ દ્વારા આ શબ્દને લોકપ્રિય બનાવાયો. છેલ્લાં ૨૫ વર્ષોમાં રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વૈશ્ર્વીકરણની સ્પષ્ટ અભિવ્યક્તિ જોવા મળે છે. ભલે તેના અર્થ અને સૂચિતાર્થ અંગે વિદ્વાનોમાં મતભેદ હોય, પરંતુ તેના સાર્વત્રિક પ્રભાવ (હકારાત્મક-નકારાત્મક)ને સ્વીકૃતિ મળી છે. વર્તમાન સમયમાં વૈશ્ર્વીકરણ એ વિદ્વાનો અને વિવેચકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વૈશ્ર્વીકરણ એટલે શું?
વૈશ્ર્વીકરણએ એવી પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે કે જેના અંતર્ગત રાષ્ટ્રો અને સમુદાયો વચ્ચે નવી વસ્તુઓ, સેવાઓ, નાણાં, વ્યક્તિઓ અને વિચારોના આદાન-પ્રદાનમાં ઝડપી વધારો થાય છે. આ વધારો આંતરિક અને બાહ્ય બંનેમાં જોવા મળે છે. એવું નથી કે અગાઉ રાષ્ટ્રો અને સમુદાયો વચ્ચે વિચારો અને ચીજવસ્તુઓની આપ-લે થતી નહોતી, પરંતુ માત્રાત્મક અને ગુણાત્મક બંનેમાં વધારો જોઈ શકાય છે.
કેટલાક સિદ્ધાંતવાદીઓએ વૈશ્ર્વીકીકરણને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. એન્થોની ગિડન્સે તેમના પુસ્તક ‘ધ ક્ધસેક્વન્સીસ ઓફ મોડર્નિટી’માં વૈશ્ર્વીકીકરણની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: “The intensification of worldwide social relations which link distant localities in such a way that local happenings are shaped by events occuring many miles away and vice versa.’
રોલેન્ડ રોબર્ટસનના મતે ‘વૈશ્ર્વીકરણ એ એક ખ્યાલ છે, જે વિશ્ર્વના સંક્ષિપ્તકરણ અને વૈશ્ર્વિક ચેતનાને અંગિત કરે છે.’ જેમ્સ રોજેનાઉએ વૈશ્ર્વીકરણના પ્રેરક બળ તરીકે ટેક્નોલોજીને જોવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજી અથવા પ્રૌધોગિકી જ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયોની પરસ્પર નિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. જોસેફ સ્ટિગ્લિટ્ઝે તેમના પુસ્તક ‘મેકિંગ ગ્લોબલાઈઝેશન વર્ક’માં લખ્યું છે કે વૈશ્ર્વીકરણમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે વિચારો અને જ્ઞાનનો આંતરરાષ્ટ્રીય પ્રવાહ, સંસ્કૃતિઓનું આદાનપ્રદાન, વિશ્ર્વ નાગરિક સમાજ અને વિશ્ર્વ પર્યાવરણીય આંદોલન, પરંતુ મુખ્યત્વે વૈશ્ર્વીકરણનો અર્થ આર્થિક વૈશ્ર્વીકરણ જ છે. જે અંતર્ગત વિશ્ર્વના દેશોમાં મૂડી, માલસામાન, સેવાઓ અને શ્રમના વધતા પ્રવાહ દ્વારા આર્થિક એકીકરણની પ્રક્રિયાને બળ મળે છે.
વૈશ્ર્વીકરણનાં હકારાત્મક પાસાં
વૈશ્ર્વીકરણના કારણે માલસામાન, સેવાઓ, મૂડી અને ટેક્નોલોજીના ટ્રાન્સફર ખર્ચમાં ઘટાડો કરતા ટેક્નોલોજિકલ પરિબળોમાં વધારો થયો છે. NAFTA, EU, RCEP જેવી આર્થિક સંસ્થાઓનો વિકાસ શક્ય બન્યો અને તેની સાથે ઊભરતી અર્થવ્યવસ્થાઓનો બાહ્ય વિશ્ર્વ સાથે સંપર્ક થયો, જેણે આર્થિક વૃદ્ધિ સુનિશ્ર્ચિત કરી.
વૈશ્ર્વીકરણ સામે વધતો અસંતોષ
નાણાકીય વૈશ્ર્વિકીકરણને કારણે ઘણા દેશોએ નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો છે. જોકે ઘણા વિશ્ર્લેષકો ટેક્નિકલ પરિવર્તનને બેરોજગારીનું કારણ માને છે. ઓક્સફેમના રિપોર્ટ અનુસાર ઘણા દેશોમાં આવકના વિતરણની અસમાનતા ઝડપથી વધી છે. વૈશ્ર્વીકરણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેક્સ હેવન દેશોની અવધારણા વધી છે જેના કારણે સ્થાનિક સ્તરે અસંતોષ છે. ઘણા દેશોમાં સંરક્ષણવાદી માનસિકતા ધરાવતા રાજકીય નેતાઓ સહિત વિવિધ મુદ્દાઓ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો જેના કારણે તેઓ ચૂંટણીમાં વિજય મેળવતા. ગ્લોબલ વોર્મિંગને કારણે વૈશ્ર્વીકરણમાં અસંતોષ છે. ચીનની વધતી આર્થિક શક્તિને કારણે પશ્ર્ચિમી વિશ્ર્વમાં આર્થિક હાર (ડર)ની સ્થિતિ છે. ચાઇના પ્રથમ મેન્યુફેક્ચરિંગ હબ બન્યું અને હવે ‘હાઇ-ટેક’ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં તેની પહોંચ વિસ્તારી રહ્યું છે. આ કારણે પશ્ર્ચિમી દેશો વૈશ્ર્વીકરણ માટે નિરાશ થઈ રહ્યા છે. રશિયા પણ વિશ્ર્વ અને વૈશ્ર્વિકીકરણનો મજબૂત વિરોધી રહ્યું છે. ચીન ખૂબ જ નીચા ભાવે ક્ધઝ્યુમર ગુડ્સ સપ્લાય કરી રહ્યું છે જે વૈશ્ર્વિક ફુગાવો નીચો રાખે છે. તે વિકસિત દેશોના આર્થિક વિકાસને અસર કરે છે.
રાષ્ટ્રવાદ એટલે શું?
રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર પ્રત્યે તાદાત્મ્ય અને વફાદારીની ભાવના. રાષ્ટ્રવાદ એટલે સ્વદેશ ભક્તિની ભાવના, એના સિદ્ધાંતો અને સ્વદેશ ભક્તિ-પ્રેરક પ્રયાસો બીજી ટૂંકી વ્યાખ્યા છે. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની નીતિ. વાસ્તવમાં, રાષ્ટ્રવાદ એક મર્યાદિત ભૌગોલિક પ્રદેશની મહાનતાની ભાવનાનું નામ છે.
વૈશ્ર્વીકરણને કારણે રાષ્ટ્રવાદની મજબૂતી
વૈશ્ર્વીકરણ અને રાષ્ટ્રવાદ એક જ સિક્કાની બે બાજુ છે. એક રીતે બંને એકબીજા સાથે જોડાયેલા છે આમ છતાં તે એકબીજાથી તદ્દન ભિન્ન છે. બદલાતા સમયની સાથે નવી નવી ટેક્નોલોજી આવી જેથી વિશ્ર્વમાં આજે એકબીજાના સંપર્કના કારણે રાષ્ટ્રવાદની લાગણી ધીમે ધીમે થઈ, પરંતુ તે સંપૂર્ણ નાશ પામી નથી. પરિણામે રાષ્ટ્રવાદ નવા સ્વરૂપે વધુ મજબૂતી સાથે વિશ્ર્વ સામે આવ્યો, જેનાં અનેક ઉદાહરણો આપણી પાસે છે.
રાષ્ટ્રવાદને કારણે વૈશ્ર્વીકરણનું નબળું પડવું
વૈશ્ર્વિકીકરણ અને રાષ્ટ્રવાદ વચ્ચેના ઝઘડા સરકારો અને કંપનીઓને તેમની પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કરી રહ્યા છે સાથે નવી સંરચનાઓ લાવવાની ફરજ પાડી રહ્યા છે. બિરલાએ પોતાની પોસ્ટમાં છેલ્લા દાયકાનો અનુભવ શેર કરતાં કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન સમગ્ર વ્યવસાયનું વાતાવરણ બદલાઈ ગયું છે. બિરલાના મતે આજની દુનિયામાં વેપાર-વાણિજ્યના નિયમો બધી બાજુ નવા-ફરી બની રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ‘આ વિશ્ર્વમાં રાષ્ટ્રવાદે ગૂગલ સર્ચની બાબતમાં વૈશ્ર્વીકરણને પાછળ છોડી દીધું છે.
વૈશ્ર્વિક ક્ષેત્રે સંરક્ષણવાદ
૨૦૦૮-૦૯ની વૈશ્ર્વિક નાણાકીય કટોકટી પછી વૈશ્ર્વીકરણ સ્થિર થવાનું શરૂ થયું. બ્રેક્ઝિટ અને અમેરિકાની ‘અમેરિકા ફર્સ્ટ પોલિસી’ ટ્રેડ વોર અને WTOની વાટાઘાટોમાં વિક્ષેપ એ વૈશ્ર્વિકીકરણની પીછેહઠની બીજી માન્યતા છે. પશ્ર્ચિમના દેશોએ નવી ઉદાર લોકશાહી વિશ્ર્વ વ્યવસ્થાનું વચન આપ્યું હતું, પરંતુ આજે વિશ્ર્વના ૫૦ ટકા હિસ્સામાં હવે લોકશાહી માટે ખતરો છે. સતત યુદ્ધો અને માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આર્થિક વિકાસ તરફની આંધળી દોડને કારણે પર્યાવરણીય અધોગતિ પણ થઈ છે. નોબેલ પારિતોષિક વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્ઝ તેમના પુસ્તક ‘ગ્લોબલાઇઝેશન એન્ડ ઇટ્સ ડિસકોન્ટિન્યુઅસ’માં જણાવે છે કે ગ્લોબલાઇઝેશન તેના અયોગ્ય અમલીકરણને કારણે તેની નિષ્ફળતા તરફ જઈ રહ્યું છે. વૈશ્ર્વીકરણમાંથી ઉદ્ભવતા અસંતોષના પરિણામે સમગ્ર વિશ્ર્વમાં નવીન રાષ્ટ્રવાદનો ઉદય થયો.
ડિ-ગ્લોબલાઇઝેશન અથવા
સંરક્ષણવાદના નામે રાષ્ટ્રવાદને ઉત્તેજન
ડિગ્લોબલાઇઝેશન એટલે અ-વૈશ્ર્વીકરણ. બીજા અર્થમાં વૈશ્ર્વીકરણમાંથી રાષ્ટ્રવાદના માર્ગ પર પાછા ફરવું (વૈશ્ર્વિકીકરણનો રિવર્સ ટ્રેન્ડ). ૨૦૦૯ની મંદી પછી વિશ્ર્વ વૈશ્ર્વીકરણ તેની મૂળ દિશામાં પાછું ફરી રહ્યું છે અથવા તો દરેક દેશનું નેતૃત્વ વૈશ્ર્વિકીકરણથી વિરુદ્ધ દિશામાં આગળ વધવાનો સંકેત આપીને પોતાના દેશના લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે વૈશ્ર્વિકીકરણમાંથી રાષ્ટ્રવાદ તરફ પાછા ફરવું એ તેની તમામ સમસ્યાઓનો ઉકેલ છે.
વિશ્ર્વમાં દરેક દેશ એક વિશિષ્ટ પ્રકારના સંરક્ષણવાદની હિમાયત કરી તે અન્ય દેશો પ્રત્યે નફરતની ભાવના ઊભી કરે છે. દેશમાં કાર્યરત કંપનીઓમાં સ્થાનિક લોકો માટે રોજગાર ક્વોટા, સ્થાનિક ઉદ્યોગો અને સ્થાનિક ઉત્પાદનોને સુરક્ષિત રાખવા માટે સંરક્ષણવાદી નીતિઓની હિમાયત વગેરેના સ્વરૂપમાં પ્રગટ થાય છે. ફ્રાન્સ, લંડન, પોલેન્ડ, રશિયા, અમેરિકા, ઓસ્ટ્રિયા, ચીન વગેરે દેશોમાં આવા રાજકીય પક્ષો અને આવા નેતૃત્વની લોકપ્રિયતા સતત વધી રહી છે. આવા એજન્ડાને આગળ રાખીને ત્યાંના લોકો ભૂતકાળની ભવ્યતા અને મહાનતાને પુન: સ્થાપિત કરવાનાં સ્વપ્ન સેવી રહ્યા છે.
સંરક્ષણવાદ એ સ્વદેશી નીતિઓનો ઉલ્લેખ કરે છે, જે સ્થાનિક ઉદ્યોગોને મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય વેપારને પ્રતિબંધિત કરે છે જેમ કે દર, આયાત ક્વોટા, ઉત્પાદનનાં ધોરણો અને સબસિડી એ કેટલાંક પ્રાથમિક નીતિનાં સાધનો છે જેનો ઉપયોગ સરકાર સંરક્ષણવાદી નીતિઓ લાગુ કરવા માટે કરી શકે છે.
ભારત પણ સંરક્ષણવાદી નીતિ તરફ આગળ વધી રહ્યું છે?
છેલ્લા ત્રણ દાયકામાં અર્થવ્યવસ્થામાં ૧૦ ગણી વૃદ્ધિ સાથે ભારત તેના ભાગરૂપે વૈશ્ર્વિકીકરણનો મુખ્ય લાભાર્થી રહ્યો છે. ભારત માટે ઝડપી વૃદ્ધિ હાંસલ કરવા અને લોકોના મોટા વર્ગના જીવનધોરણમાં સુધારો કરવા માટે મુક્ત વેપાર જરૂરી છે, પરંતુ વૈશ્ર્વિક પ્રવાહ, સુરક્ષા, સ્વદેશી ઉદ્યોગમાં પ્રગતિ જેવી બાબતને લઈને ભારત સંરક્ષણવાદ તરફ વળતું જણાય છે. ૨૦૧૯માં વ્યાપક આર્થિક ભાગીદારીમાંથી બહાર નીકળી ગયું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૩,૨૦૦ વસ્તુઓ પર દરમાં વધારો કર્યો છે. ભારતની સરેરાશ આયાત જકાત વિશ્ર્વમાં સૌથી વધુ છે. આત્મનિર્ભર ભારત નીતિ દ્વારા ફાર્મા ક્ષેત્રમાં કાચો માલ, મોબાઈલ ફોન, ઈલેક્ટ્રિક વાહનો માટેની બેટરી અથવા સેમી-ક્ધડક્ટર ચિપ્સ માટે ચીન પર નિર્ભરતા ઘટાડશે. સંરક્ષણ, ટેક્નોલોજિકલ વગેરે ક્ષેત્રે સ્વદેશી વસ્તુઓનું નિર્માણ પણ અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.