(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલે અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના ઘટ્યા મથાળેથી સ્થિર થવા મથી રહ્યો હોવાથી લંડન ખાતે આજે સત્રના આરંભે સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યા બાદ ધીમો સુધારો આવ્યાના નિર્દેશો હતા.
જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૧૪નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ ૨.૧ ટકા વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલો સાથે સ્થાનિકમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૩૭ના ચમકારા સાથે રૂ. ૫૬,૦૦૦ની નજીક પહોંચ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૩૭ના ઉછાળા સાથે રૂ. ૫૬,૦૦૦ની નજીક રૂ. ૫૫,૯૩૭ના મથાળે બંધ રહ્યા હતા.
વધીને રૂ. ૫૫,૦૭૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક બજારમાં બેતરફી વધઘટ, સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ, વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકોની નિરસ માગ અને શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૧૪ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૬૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૮૬૩ના મથાળે રહ્યા હતા.
આવતીકાલે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારા માટે કેવો અભિગમ અપનાવશે એનો સંકેત આપે તેમ હોવાથી રોકાણકારોએ આજે સોનામાં નવી લેવાલીમાં સાવચેતી અપનાવી હોવા છતાં ડૉલર ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી સ્થિર થવા મથી રહ્યો હોવાને કારણે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૪ ટકા વધીને ૧૭૨૨.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૭૩૩.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૨.૧ ટકાના ઉછાળા સાથે બે સપ્તાહ અથવા તો ગત ૨૬ ઑગસ્ટ પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૧૯.૧૮ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવામાં વર્ષાનુવર્ષ ધોરણે ૮.૧ ટકાની વૃદ્ધિ થવાનો બજાર વર્તુળો અંદાજ મૂકી રહ્યા છે અને આગામી ૨૦-૨૧ સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મુકાઈ રહી છે.

Google search engine