ગુજરાતી ભાષાના વૈશ્ર્વિક પત્રકાર કરસનદાસ મૂળજી

પુરુષ

ગઈ કાલે ઉજવાયેલા ૧૯૧મા જન્મદિવસ નિમિત્તે મહાન પત્રકારના જીવનકવનમાં ડોકિયું કરીએ

પ્રાસંગિક-ડૉ. શિરીષ કાશીકર

આજે સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં દરેક નાની વાત ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને મોટી વાત કોલાહલમાં દબાઈ જાય છે ત્યારે આજની નવી પેઢી કદાચ માની પણ નહીં શકે કે એક કાળા માથાનો માનવી આજથી દોઢ શતક પહેલાં સમાજના ધર્મ ધુરંધરો સામે એકલે હાથે લડ્યો હશે. તેની પાસે માત્ર એક હથિયાર હતું તેની કલમ અને સચ્ચાઈ. એ જીત્યો અને દુનિયા સામે પત્રકારત્વનો એક અદ્ભુત ઇતિહાસ પણ રચ્યો.
એ અતુલનીય પત્રકાર, સમાજસુધારક હતા કરસનદાસ મૂળજી, જેમણે પોતાની જીદ, સચ્ચાઈ અને કલમના જોરે સમાજના શક્તિશાળી લોકોને ઝુકાવ્યા. અદાલતમાં તેઓ જે કેસ જીત્યા તે મહારાજ લાઇબલ કેસ તરીકે પત્રકારત્વ વિશ્ર્વમાં સુપ્રસિદ્ધ છે. ૨૫ જુલાઈ, ૧૮૩૨ના રોજ મુંબઈમાં જન્મેલા કરસનદાસ મૂળજીના ગઈ કાલે ગયેલા ૧૯૧મા જન્મદિવસે તેમના ગુજરાતી અને વૈશ્ર્વિક કક્ષાના પત્રકારત્વના પ્રદાનને ગૌરવથી યાદ કરવું ઘટે.
ઉત્તમ પત્રકાર, શ્રેષ્ઠ સમાજસુધારક, સાહસિક મુસાફર, ઉત્તમ વહીવટકર્તા, ઉત્તમ માનવી આવાં કેટકેટલાંય વિશેષણો તેમના નામ આગળ લગાવીએ તો પણ ઓછાં પડે એવા આ મહાન વ્યક્તિત્વનો જન્મ મુંબઈના કપોળ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ મૂળજી કહાનજી અને માતાનું નામ ગોમતી હતું. મુંબઈના તત્કાલીન ફોર્ટ બજાર વિસ્તારમાં આવેલી રૂપજી ધનજી સ્ટ્રીટના મકાનમાં તેમનો જન્મ થયો હતો.
તેમનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં જ થયું, બાદમાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. અહીં તેમને કેળવણીના લાભો મળવાના શરૂ થયા. તેમણે યુવાનોની મંડળીઓ સ્થાપી અને વિવિધ વિષયો પર નિબંધો, ભાષણો પર કામ શરૂ કર્યું.
શિક્ષણ પૂરું કરી તેઓ ફોર્ટની શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ૧૮૫૩માં તેમણે બુદ્ધિવર્ધક હિન્દુ સભામાં ‘દેશાટણ’ વિશે નિબંધ વાંચ્યો, જેને બાદમાં સભાએ પ્રસિદ્ધ પણ કરાવ્યો. તેની અસર સ્વરૂપે … શ્રોતાઓમાં કેટલાકનાં મન ઉશ્કેરાયાં અને લાગ આવે તો દેશાટણ કરવાની ઉત્કંઠા કોઈકને થઈ…
આ નિબંધે તેમને ખ્યાતિ અને વધુ સારી નોકરી બંને અપાવ્યાં. શેઠ ગોકળદાસ તેજપાલે સ્થાપેલી શાળામાં તેઓ મુખ્ય ગુરુ બન્યા. આ સમયગાળા દરમિયાન ભારતમાં વર્તમાનપત્રો શરૂ થઈ રહ્યાં હતાં. પારસીઓ આ ક્ષેત્રે આગળ પડતા હતા.
પારસીઓના અખબાર ‘રાસ્ત ગોફતાર’માં તેમણે વિવિધ સંસાર સુધારાના નિબંધ લખ્યા, જેના પરિપાક સ્વરૂપે ‘સત્યપ્રકાશ’ અખબારનો જન્મ થયો. વચ્ચે થોડો સમય તેમણે નોકરી માટે ડીસા જવાનું થયું ત્યારે તેમણે ‘સત્યપ્રકાશ’ની કમાન મહિપતરામ રૂપરામને સોંપી.
૧૮૫૮માં ડીસાથી પરત આવીને તેમણે ફરી અખબાર હાથમાં લીધું. આ અખબારનો તેમણે સમાજસુધારા માટે જોરદાર ઉપયોગ કર્યો. ભારે જોખમો લીધાં, અડચણો વેઠી, સંઘર્ષો કર્યા.
ભૂલેશ્ર્વરના છપ્પનભોગ વિવાદમાં ‘સત્યપ્રકાશ’ની સમાજસુધારા દૃષ્ટિને ખૂબ વેગ મળ્યો. ઈ. સ. ૧૮૫૯માં તેમનું પ્રથમ પુસ્તક ‘નીતિવચન’ પ્રસિદ્ધ થયું. કરસનદાસ ક્યારેય દ્વેષબુદ્ધિથી લખતા નહીં, પરંતુ તત્કાલીન વૈષ્ણવ ધર્માચાર્યોએ ધર્મના નામે ભોળી સ્ત્રીસેવિકાઓનું શોષણ કરવાના જે રસ્તા અપનાવ્યા હતા તેની સામે તેઓ ‘સત્યપ્રકાશ’ના માધ્યમથી પડ્યા હતા. અહીં ધર્મ ધુરંધરોની તાકાત બુલંદ હતી અને સામે સુધારાવાળા મુઠ્ઠીભર હતા.
કરસનદાસ વૈષ્ણવ આચાર્યોના અંધ વિરોધી નહોતા. મુંબઈમાં જદુનાથજી મહારાજે કેળવણીને પ્રોત્સાહન આપવા શાળા શરૂ કરવા કાર્યક્રમ યોજ્યો તેને ‘સત્યપ્રકાશ’એ સુંદર રિપોર્ટિંગ કરીને બિરદાવ્યો હતો. જોકે એ જ જદુનાથજી મહારાજના પાખંડ વિરુદ્ધ તેમણે ‘સત્યપ્રકાશ’માં ૨૧ ઓક્ટોબર, ૧૮૬૦ના અંકમાં લખેલા લેખ ‘હિંદુઓનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’એ પાખંડી ધર્માચાર્યોને હચમચાવી નાખ્યા. આ લેખને પોતાની જાહેર બદનામી ગણાવીને જદુનાથજી મહારાજે ૧૮૬૧ની ૧૪ મેના રોજ કરસનદાસ મૂળજી પર મુંબઈની સર્વોચ્ચ અદાલતમાં ૫૦,૦૦૦ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો.
અનેક સામાજિક કાવાદાવા અને ધમકીઓનો સામનો કરીને કરસનદાસ અને તેમના મિત્રો આ કેસ હિંમતભેર લડ્યા. કરસનદાસને આ કેસમાં આગળ વધતાં અટકાવવા થયેલા ષડ્યંત્ર (ભાટિયા કોન્સ્પિરસી કેસ)માં પણ વિજય મેળવ્યા બાદ ૧૮૬૨ની ૨૫મી જાન્યુઆરીએ આ કેસ ચાલ્યો, જેમાં કવિ નર્મદ સહિત અનેક સુધારાવાળાઓએ કરસનદાસની તરફેણમાં જુબાનીઓ આપી.
કેટલાંક તત્કાલીન અખબારો પણ આ મુદ્દે કરસનદાસની સાથે રહ્યાં. કરસનદાસ અને અન્ય સાક્ષીઓ દ્વારા અદાલતમાં રજૂ કરાયેલાં પુરાવા, દાખલા, દલીલો અને જુબાનીઓએ મહારાજ જદુનાથની પાખંડ લીલાને ખુલ્લી પાડી દીધી.
કરસનદાસ અને તેમના સાથીઓના પુરાવા પૂરા થયા પછી તેનું ખંડન કરવા જદુનાથજી મહારાજ તરફથી ૭૫ સાક્ષીઓ લાવવામાં આવ્યા. ૨૪ દિવસ સુધી ચાલેલી દલીલો, પ્રતિદલીલો, જુબાનીઓ અને અદાલત બહારના કાવાદાવા અને હોહા બાદ ૨૨મી એપ્રિલે ન્યાયાધીશ સર આર્નોલ્ડ જોસેફે કરસનદાસની તરફેણમાં ચુકાદો આપ્યો. કુલ મળીને જે દાવો જદુનાથજી મહારાજે કર્યો હતો એટલી જ રકમ એટલે કે ૫૦,૦૦૦ રૂપિયા તેમણે જ કરસનદાસને વળતર પેટે ચૂકવવા પડ્યા.
મહારાજ લાઇબલ કેસ તરીકે ખ્યાતિ પામેલા આ કેસ બાદ કરસનદાસનું નામ પ્રખર કેળવણીકાર, સમાજસુધારક તરીકે પ્રચલિત થયું. સુધારાવાદીઓના હાથ મજબૂત થયા. કરસનદાસે આ પ્રખ્યાત કેસનાં ૨૩૯
પાનાંના અંગ્રેજી અહેવાલનું ગુજરાતી ભાષાંતર કરાવ્યું અને દેશદેશાવરનાં વર્તમાનપત્રોમાં છપાવ્યું.
મુંબઈમાં સુધારાની પ્રવૃત્તિને વેગ આપ્યા બાદ તેઓ રાજકોટ અને લીંબડીના વહીવટદાર પદે પણ રહ્યા.
અહીં પણ તેમણે નેત્રદીપક કામગીરી કરી, પરંતુ કામના ભારણ સાથે તેમને લાગુ પડેલા હરસના રોગે પણ ઊથલો માર્યો. લીંબડીમાં તેમણે સારવાર કરાવી, પરંતુ તબિયત બગડી અને ૨૮ ઓગસ્ટ, ૧૮૭૧ના રોજ તેમણે દેહત્યાગ કર્યો.
કરસનદાસે તેમના સમાજસુધારક, પત્રકાર, શિક્ષક, પ્રવાસ નિબંધકાર, વહીવટદાર તરીકેના બહુરંગી જીવનમાં ઉત્તમ સાહિત્ય અને પુસ્તકો ગુજરાતને આપ્યાં. તેમની પોતાની નોંધ અનુસાર ૨૩ જેટલાં પુસ્તકો, અન્યનાં પુસ્તકો અને વિવિધ વિષયો પરનાં ચોપાનિયાં તેમણે પ્રસિદ્ધ કર્યાં હતાં.
ગુજરાતને પહેલી ગુજરાતી પોકેટ ડિક્શનરી આપવાનું શ્રેય પણ કરસનદાસ મૂળજીને જાય છે. માત્ર ૩૦ વર્ષની ઉંમરે તેમણે આ ગુજરાતી ખિસ્સાકોશ તૈયાર કર્યો હતો જેમાં ૧૦,૦૦૦ શબ્દોનો સમાવેશ છે. ગુજરાતી ભાષાના આ વૈશ્ર્વિક પત્રકારને શત શત પ્રણામ…

1 thought on “ગુજરાતી ભાષાના વૈશ્ર્વિક પત્રકાર કરસનદાસ મૂળજી

  1. There should be a place where these fearless reporters are honored and held up as standard to aspire to for journalists. Perhaps the schools of journalism is the place for it, but it should not be limited to that. What Karsandas went thru is chronicled in ‘Mahararaj’ written by a former editor of Mumbai Samachar. Along with him is Frank Moraes of The Indian Express. The first reporter was writing in Gujarati. He was its owner, writer, editor and publisher. His livelihood depended on it. Even then he risked it all for truth.
    The latter was editor but the owner of Indian Express was Ram Nath Goenka. Both of them risked their lives and livelihoods on truth. These should be honored lest journalism slips into mediocrity and forgets it true calling: The Truth!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.