(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટા પ્રોત્સાહક આવતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ 2023માં વ્યાજદરમાં વધારો કરવામાં આક્રમક અભિગમ નહીં અપનાવે એવી શક્યતા સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં તેજીનું વલણ રહ્યું હતું. વધુમાં આજે પણ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સોનામાં ભાવવધારો આગળ ધપ્યો હતો અને ભાવ આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 747થી 749 વધી આવ્યા હતા. જોકે, ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 29 પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીમાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1186ના ચમકારા સાથે રૂ. 69,000ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે બન્ને કીમતી ધાતુઓમાં અણધારી તેજીનો પવન ફૂંકાઈ જતાં સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી. તેમ જ કામકાજો પાંખાં રહ્યા હતા. આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1186ની તેજી સાથે રૂ. 69,074ના મથાળે રહ્યા હતા, પરંતુ ભાવમાં તેજીનું વલણ રહેતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હતી.
વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 747 વધીને રૂ. 56,110 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 749 વધીને રૂ. 56,336ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તર સહિતની માગ અત્યંત પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકાનાં નોન ફાર્મ પેરોલ ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વને વર્ષ 2023માં વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડવાનું પોસાય તેમ હોવાનું જણાતાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં ગત શુક્રવારે સોનામાં સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે સોનામાં પણ સુધારો આગળ ધપતાં હાજરમાં ભાવ આગલા બંધથી વધુ 0.8 ટકા વધીને ઔંસદીઠ 1880.33 ડૉલર અને વાયદામાં ભાવ 0.7 ટકા વધીે 1883.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.1 ટકાની તેજી સાથે ઔંસદીઠ 24.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, હવે રોકાણકારોની નજર આગામી મંગળવારે સ્ટોકહૉમ ખાતેનાં પરિસંવાદમાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પર અને ગુરુવારે જાહેર થનારા કંઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે.