ઘટાડો(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં અમુક રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ નવ મહિનાની ઊંચી સપાટીએથી પાછા ફરતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૩થી ૧૮૪નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૪૩નો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈ ગયો હોવાથી સોનાના ભાવ પર રૂપિયાની વધઘટની ખાસ અસર નહોતી જોવા મળી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીનું દબાણ ઉપરાંત નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૪૩ના ઘટાડા સાથે રૂ. ૬૮,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૬૭,૮૯૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૩ ઘટીને રૂ. ૫૬,૯૦૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૮૪ ઘટીને રૂ. ૫૭,૧૩૮ના મથાળે રહ્યા હતા.
આજે લંડન મોડી સાંજે અમેરિકાનાં વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટાની જાહેરાત થનાર છે અને જીડીપીનાં ડેટાની અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારા અંગેના નિર્ણય પર અસર પડે તેમ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે અમુક રોકાણકારોએ સોનામાં ઊંચા મથાળેથી નફો બુક કરતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૩૦.૫૮ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૩૧.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જો, અમેરિકી અર્થતંત્રમાં વૃદ્ધિદર ધીમો પડે અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તો સોનાના સુધારાને ટેકો મળશે, એમ ટેસ્ટીલાઈવનાં ગ્લોબલ મેક્રો વિભાગનાં હેડ ઈયા સ્પાઈવીકે જણાવતાં ઉમેર્યું હતું કે જો ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેશે તો સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર સુધીની સપાટી સુધી પહોંચી શકે. જોકે, રૉઈટર્સનાં ટેક્નિકલ એનાલિસ્ટ વાન્ગ તાઓએ જણાવ્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૯૫૬થી ૧૯૬૯ ડૉલર સુધી વધે તેવી શક્યતા નકારી ન શકાય.