સ્થાનિક સોનામાં રૂ. ૯૯નો અને ચાંદીમાં રૂ. ૧૪૨નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થનારી બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદરમાં આક્રમક કે હળવો વધારો કરવામાં આવે છે તેની અવઢવ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ભાવમાં ધીમો ૦.૧થી ૦.૨ ટકા જેટલો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૦.૮ ટકાનો સુધારો આવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૨નો સુધારો આગળ ધપ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ ગત શુક્રવારના બંધ સામે કિલોદીઠ રૂ. ૧૪૨ વધીને રૂ. ૬૮,૩૩૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડ્યો હોવાથી ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૯ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૦૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૨૮૮ના મથાળે રહ્યા હતા.
આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી હાજરમાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૯૩૧.૦૭ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકા વધીને ૧૯૩૦.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલમાં સોનાના ભાવ કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવાનું વિશ્ર્લેષકો જણાવતાં ઉમેરે છે કે હવે રોકાણકારોની નજર ફેડરલની બેઠકનાં અંતે અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ગત ડિસેમ્બરની બેઠકના ૫૦ બેસિસ પૉઈન્ટ સામે આ વખતે ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવો આશાવાદ રોકાણકારો સેવી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની પણ નીતિવિષયક બેઠક યોજાનારી છે. તેમ જ સ્થાનિકમાં ખાસ કરીને આગામી પહેલી ફેબ્રુઆરીનાં રોજ અંદાજપત્રની રજૂઆતમાં સરકાર સોના પરની આયાત જકાતમાં ઘટાડો કરે તેવો આશાવાદ પણ બજાર વર્તુળો રાખી રહ્યા છે.