નાણાકીય વર્ષાન્તને કારણે સોનામાં જ્વેલરોની માગ ઘટતાં ભાવ વિશ્ર્વ બજારની સરખામણીએ ડિસ્કાઉન્ટમાં
કોમોડિટી -રમેશ ગોહિલ
તાજેતરમાં અમેરિકાના આર્થિક ડેટાઓમાં જોવા મળેલી મજબૂતાઈને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિ ડામવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવો જરૂરી હોવાનું અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલની ગત સપ્તાહે અમેરિકી કૉંગ્રેસ સમક્ષની ટેસ્ટીમનીમાં જણાવતાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે રોકાણકારોની સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.
ગત સપ્તાહના અંતે અમેરિકા ખાતે મુખ્યત્વે સ્ટાર્ટસ અપને ધિરાણ કરતી સિલિકોન વેલી બૅન્કની સ્થિતિ કથળી હોવાના નિર્દેશો સાથે તેની માઠી અસર તમામ બૅન્કિંગ ક્ષેત્ર પર પડે તેવી ભીતિ સપાટી પર આવી હતી અને સપ્તાહના અંતે અમેરિકી ઈક્વિટી માર્કેટમાં બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં વ્યાપક વેચવાલી નીકળી હતી અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનામાં રોકાણકારોની સલામતી માટેની પ્રબળ માગ ખૂલતાં ભાવમાં અંદાજે બે ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો અને હાજર તથા વાયદામાં સોનાના ભાવ આગલા બંધથી ૧.૮ ટકાની તેજી સાથે અનુક્રમે ઔંસદીઠ ૧૮૬૩.૪૬ ડૉલર અને ૧૮૬૭.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકા સ્થિત હાઈ રિજ ફ્યુચર્સનાં મેટલ ટ્રેડિંગ વિભાગના ડિરેક્ટર ડેવિડ મીજરે જણાવ્યું હતું કે અમેરિકી ટૅક લેન્ડર સિલિકોન વેલી બૅન્ક મુશ્કેલીમાં મૂકાયાની માઠી અસર વૈશ્ર્વિક બજારો પર પડી છે અને બૅન્ક શૅરોમાં ધોવાણ થતાં સોનામાં સલામતી માટેની માગ જોવા મળી છે. તેમ છતાં મુખ્ય બાબત એ છે કે શુક્રવારે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાનો તેમ જ વૈશ્ર્વિક સ્તરે નાણાકીય કટોકટીને કારણે આર્થિક અનિશ્ર્ચિતતાનાં વાદળો ઘેરાવાને કારણે સોનાની તેજીને ટેકો મળ્યો હતો. જોકે, ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા ખાતે રોજગારોની સંખ્યામાં ૫,૦૪,૦૦૦નો જંગી વધારો થયાનાં પ્રોત્સાહક અહેવાલ બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં માત્ર ૩,૦૪,૦૦૦નો ઉમેરો થયો હોવાનું અમેરિકી શ્રમ ખાતાએ જણાવ્યું હતું. આમ એકંદરે રોજગારી સર્જનના ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવી શક્યતા ઊભી થઈ હતી, પરંતુ સિલિકોન વેલી બૅન્ક મુશ્કેલીમાં મૂકાયાના અહેવાલ સાથે ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ થતાં સોનામાં સલામતી માટેની માગનો ચમકારો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
એકંદરે સ્થાનિક ઝવેરી બજારમાં ગત ગુરુવાર સુધીના નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. એકંદરે સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની માગ જળવાઈ રહી હતી, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો અંતિમ મહિનો હોવાથી ડીલરો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ બે ડૉલર આસપાસ ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આગલા સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ એક ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સોમવારે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬,૧૦૩ના બંધ સામે સપ્તાહની ઊંચી રૂ. ૫૬,૧૦૮ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં રૂ. ૫૫,૧૨૧ સુધી ઘટ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૪૩૪ના ઘટાડા સાથે રૂ. ૫૫,૬૬૯ના મથાળે બંધ રહ્યા હતા. મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે ગત સપ્તાહે નાણાકીય વર્ષાન્તને કારણે જ્વેલરી ઉત્પાદકોની ખરીદી ધીમી પડી હતી, પરંતુ ભાવમાં કરેક્શન આવવાથી રિટેલ સ્તરની માગમાં ચમકારો જોવા મળ્યો હતો.
ગત સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે આભૂષણો માટેની પ્રબળ માગ રહેવા ઉપરાંત વધતા ફુગાવા સામે રક્ષણ મેળવવા માટેની હેજરૂપી માગ પણ જળવાઈ રહેતાં ચીનમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૬થી ૪૦ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચીનમાં કોવિડ-૧૯ અંગેના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા ત્યારથી સોનામાં સતત સલામતી માટેની માગ જળવાઈ રહેતાં પ્રીમિયમમાં પણ વધારો થઈ રહ્યો છે અને પ્રીમિયમમાં ઔંસદીઠ ૩૦થી ૪૦ ડૉલરની સપાટી જળવાઈ રહી છે. વધુમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત સપ્તાહે હૉંગકૉગ ખાતે ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૧.૫૦થી ૨.૫૦ ડૉલર પ્રીમિયમમાં અને સિંગાપોર ખાતે ૧.૫૦થી ૨.૫૦ ડૉલર પ્રીમિયમમાં ઑફર થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવવાની સાથે સિલિકોન વેલી બૅન્કની મુશ્કેલી તથા ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ થતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં ગત સપ્તાહના અંતે સોનાના વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૨૯ના ઉછાળા સાથે રૂ. ૫૬,૧૩૦ની સપાટીએ બંધ રહ્યા હતા, જ્યારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં ભાવ બે ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૧૮૬૭ની સપાટીએ બંધ રહ્યાના અહેવાલ હતા. વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૮૯૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક અને ૧૮૨૦ ડૉલરની સપાટી ટેકાની સપાટી પુરવાર થાય તેમ છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫,૨૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૫૬,૭૦૦થી ૫૭,૨૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે.
એકંદરે ગત શુક્રવારે સોનાના વૈશ્ર્વિક ભાવમાં આવેલા ઉછાળાના મુખ્ય કારણોમાં ખાસ કરીને અમેરિકા ખાતે બેરોજગારોની સંખ્યામાં વધારો થવાની સાથે ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં જોવા મળેલો આઠ ટકાનો ઘટાડો અને સિલિકોન વેલી બૅન્કની નાદારીના સમાચારને કારણે ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ જોવા મળતાં સોનામાં નીચા મથાળેથી ટેકો મળ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.