Homeદેશ વિદેશવૈશ્વિક સોનું સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં શુદ્ધ સોનું ₹ ૫૬૧...

વૈશ્વિક સોનું સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં શુદ્ધ સોનું ₹ ૫૬૧ ઊછળીને ₹ ૫૬,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૪૪ વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ચિંતા સપાટી પર આવતા લંડન ખાતે સોનાના ભાવ સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૮થી ૫૬૧ની તેજી આવી હતી, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૫૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૮ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. આ સિવાય આજે .૯૯૯ ટચ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૪નો સુધારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની લેવાલી પાંખી રહી હતી, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૪ વધીને રૂ. ૬૯,૩૭૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે વિશ્વ બજારમાં સોનાના ભાવ વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક સોનામાં આગઝરતી તેજી જોવા મળી હતી, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૮ વધીને રૂ. ૫૫,૯૧૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૬૧ વધીને રૂ. ૫૬,૧૪૨ના મથાળે રહ્યા હતા, પરંતુ આજની તેજીના માહોલમાં રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની લેવાલી અત્યંત નિરસ રહી હતી અને માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે વૈશ્વિક વિનિમય બજારમાં અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં ૦.૫ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૧.૨ ટકા વધીને ૧૮૬૨.૩૨ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૧.૨ ટકા વધીને ૧૮૬૮.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં વૈશ્વિક આર્થિક મંદીની ચિંતા અને રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૩ દરમિયાન સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેવાનો આશાવાદ વ્યક્ત કરતાં વિશ્વલેષકો જણાવે છે કે ફેડરલ રિઝર્વ નાણાનીતિ હળવી કરશે તે સમયગાળા દરમિયાન પણ સોનામાં રોકાણકારોનાં આંતરપ્રવાહનો ટેકો મળે તેવી શક્યતા નકારી ન શકાય. તેમ છતાં હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાનાવૈશ્વિક ભાવ ઔંસદીઠ ૧૮૮૦ ડૉલર સુધી પહોંચી શકે તેમ છે. તેમ જ વર્ષ દરમિયાન સરેરાશ ૧૮૦૦ ડૉલરની ભાવસપાટી જળવાઈ રહે તેવી શક્યતા વિશ્વષકો વ્યક્ત કરી
રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular