(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૦થી ૧૪૧નો મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૩૪ વધીને ફરી રૂ. ૬૮,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૩૪ના સુધારા સાથે રૂ. ૬૮,૩૬૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૪૦ વધીને રૂ. ૫૫,૮૯૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૪૧ વધીને રૂ. ૫૬,૧૧૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે વધ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને આઠ મહિનાની ઊંચી ઔંસદીઠ ૧૮૮૫.૦૧ ડૉલરની સપાટીએ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ૧૮૮૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાના ડેટા (ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ)ની જાહેરાત પર રોકાણકારોની નજર હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે સત્રના આરંભે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૧ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૩.૮૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જો અમેરિકા ખાતે ફુગાવામાં ઘટાડો થયો હોવાનું જણાશે તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી બળવત્તર બનતા સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૧૯૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરતાં જણાવે છે કે સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, પરંતુ હાલના સંજોગોમાં જો ફુગાવો વધે તો અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધારો કરે તેમ હોવાથી સોનામાં હેજરૂપી માગ નબળી પડી રહી છે.