વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટ છતાં સ્થાનિકમાં ₹ ૧૬૪નો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ ખાતે ગઈકાલે એક તબક્કે સોનાના ભાવ વધીને ગત પાંચમી જુલાઈ પછીની ઊંચી ઔંસદીઠ ૧૮૦૦.૨૯ ડૉલરની સપાટી સુધી પહોંચી ગયા બાદ આજે ખાસ કરીને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અને અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે રોકાણકારોની નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહેતાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલની મોહર્મની જાહેર રજા બાદ આજે ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૩થી ૧૬૪નો સુધારો આવ્યો હતો. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા મજબૂત રહ્યો હોવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૩૮ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩૮ વધીને રૂ. ૫૮,૪૪૪ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૬૩ વધીને રૂ. ૫૨,૧૩૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૬૪ વધીને રૂ. ૫૨,૩૪૮ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધીને ૨.૭૯૯૦ ટકા આસપાસના મથાળે રહેતાં રોકાણકારોની સોનામાં માગ નિરસ રહી હતી. વધુમાં રોકાણકારોની નજર અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા પર હોવાને કારણે પણ રોકાણકારો સોનામાં નવી લેવાલીથી દૂર રહેતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૯૩.૭૮ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૧૮૦૯.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૪૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા અપેક્ષા કરતાં વધુ પ્રોત્સાહક આવ્યા બાદ જો ફુગાવાના ડેટા મજબૂત આવશે તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ આક્રમક ધોરણે વધારો કરશે જે સોનાની તેજી માટે નકારાત્મક પુરવાર થશે, એમ એક સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં રોઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં અમેરિકાનો જુલાઈનો ફુગાવો જૂન મહિનાના ૯.૧ ટકા સામે ઘટીને ૮.૭ ટકા આસપાસ રહે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. તેમ જ ફેડ ફંડ ફ્યુચર્સમાં ૬૯.૫ ટકા ટ્રેડરો ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધુ ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.