સપ્તાહના અંતે ડૉલરની પીછેહઠથી વૈશ્ર્વિક સોનામાં બાઉન્સબૅક

વેપાર વાણિજ્ય

સ્થાનિક સોનામાં ઘટ્યા મથાળેથી રિટેલ સ્તરની અને જ્વેલરોની માગ ખૂલી

કોમોડિટી-રમેશ ગોહિલ

ગત સપ્તાહ દરમિયાન ગુુરુવાર સુધી ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે વૈશ્ર્વિક સોનામાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ શુક્રવારે ઑગસ્ટ મહિનાના જાહેર થયેલા અમેરિકાના નોન ફાર્મ પે રૉલ ડેટામાં ૩,૧૫,૦૦૦ રોજગારોનો ઉમેરો થયો હોવાનું શ્રમ મંત્રાલયે જણાવતા ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા સોનાના ભાવમાં ૦.૮ ટકા જેટલો સુધારો આવ્યો હતો. તેમ છતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. વધુમાં સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવ ઘટાડાતરફી રહ્યા હોવાથી ખાસ કરીને રિટેલ સ્તરની માગમાં ચમકારો જોવા મળ્યો હોવાનુ મુંબઈ સ્થિત એક હોલસેલરે જણાવતાં ઉમેર્યું હતું કે માગ ખૂલવાને કારણે સ્થાનિકમાં ડીલરો જે છેલ્લાં કેટલાંક સપ્તાહથી વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ભાવ જે ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ઔંસદીઠ બે ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઓફર કરતા હતા. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ જે આગલા સપ્તાહના અંત અથવા તો ૨૮ ઑગસ્ટના રૂ. ૫૧,૬૬૮ના બંધ સામે સપ્તાહના આરંભે નરમાઈના ટોને રૂ. ૫૧,૨૩૧ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૦,૪૦૧ અને ઉપરમાં રૂ. ૫૧,૩૨૫ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૧૦૮૪ અથવા તો ૨.૦૯ ટકાના ઘટાડા સાથે રૂ. ૫૦,૫૮૪ના મથાળે બંધ રહ્યા હતા. એકંદરે ગત સપ્તાહે રિટેલ સ્તરની માગમાં ચમકારો આવવા ઉપરાંત આગામી તહેવારોને અનુલક્ષીને થોડાઘણા અંશે જ્વેલરોની પણ ખરીદી નીકળી હોવાનું એક ડીલરે જણાવ્યું હતું.
વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ઘટ્યા મથાળેથી રિટેલ સ્તરની માગ ખૂલી હતી. તેમ જ આયાત ક્વૉટાની અનિશ્ર્ચિતતાને કારણે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૬થી ૨૫ ડૉલર આસપાસનાં પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. આ ઉપરાંત હૉંગકૉંગ ખાતે ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ બે ડૉલર આસપાસનાં પ્રીમિયમમાં અને સિંગાપોર ખાતે ઔંસદીઠ ૧.૫૦થી ૨.૩૦ ડૉલર આસપાસનાં પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા.
વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં વૈશ્ર્વિક સોનામાં સતત ત્રીજા સપ્તાહમાં ભાવઘટાડો નોંધાયો છે. અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજી કરનારાની સંખ્યા ઘટીને બે મહિનાની નીચી સપાટીએ રહેવાની સાથે ઑગસ્ટ મહિનામાં નોકરીમાંથી છૂટા કરવાનું પ્રમાણ પણ ઘટ્યું હતું. તેમ જ અમેરિકામાં ઑગસ્ટ મહિનાના ઉત્પાદનમાં પણ મક્કમ દરે વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ચીન, યુરોઝોન અને બ્રિટનમાં ફેક્ટરી એક્ટિવિટી મંદ પડી હતી. વધુમાં ચીનનાં અમુક રાજ્યોમાં કોવિડ-૧૯ને લગતાં નિયંત્રણોની માઠી અસર વેપારો પર પડી હતી. આમ એકંદરે વૈશ્ર્વિક આર્થિક પરિબળો સકારાત્મક ન હોવાથી ઘણીખરી કેન્દ્રવર્તી બૅન્કો વધતા ફુગાવાને ડામવા માટે આક્રમક નાણાનીતિ અખત્યાર કરી રહી હોવાથી આર્થિક વૃદ્ધિ મંદ પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. સામાન્યપણે આર્થિક અનિશ્ર્ચિતતાના સંજોગોમાં તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું. સામાન્યપણે આર્થિક અનિશ્ર્ચિતતાના સંજોગોમાં રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ ખૂલતી હોય છે, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણને કારણે પડતરો ઊંચે જવાને કારણે રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહેતાં સોનાના ભાવમાં એકંદરે ઘટાડાતરફી વલણ રહ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આથી જ ઑગસ્ટ મહિનામાં સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ જે આરંભમાં ૧૦૦૬ ટન હતું તે મહિનાના અંતે ઘટીને ૯૭૩ ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા. અમારા મતાનુસાર આગામી દિવસોમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહેતા વર્તમાન સપ્તાહે સોનાના વૈશ્ર્વિક ભાવ દબાણ હેઠળ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮,૯૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૫૦,૨૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પૂરવાર થાય તેવી શક્યતા છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકા ખાતે જાહેર થયેલા નોન ફાર્મ પે રૉલ ડેટા બજારની અપેક્ષાની સમકક્ષ જ આવ્યા હતા છતાં ફેડરલ રિઝર્વ આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેટલા મજબૂત ન હોવાથી ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો અને હાજરમાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૭૧૦.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૮ ટકા વધીને ૧૭૨૨.૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ડૉલરના ઘટાડાથી જોવા મળેલો સાધારણ સુધારો એકંદર નરમાઈનું વલણ બદલાશે નહીં, એમ એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.