જી-૭ રાષ્ટ્રોના રશિયન સોનાની આયાત પર પ્રતિબંધની શક્યચાએ વૈશ્ર્વિક સોનું ઉછળ્યું

વેપાર વાણિજ્ય

સ્થાનિક સોનામાં રૂ. ૧૯૨નો અને ચાંદીમાં રૂ. ૧૧૫૭નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના વિરોધમાં પશ્ર્ચિમના સાત રાષ્ટ્રોના સંગઠન રશિયન સોનાની આયાત પર પ્રતિબંધ મૂક્વા અંગે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલ અને જો પ્રતિબંધ મુકવામાં આવે તો સોનાના પુરવઠા પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સોનાના ભાવમાં તેજીનો કરંટ રહ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે મધ્ય સત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૫૭નો ચમકારો આવ્યો હતો અને ભાવ પુન: રૂ. ૬૦,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા, સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૨ વધી આવ્યા હતા અને શુદ્ધ સોનાના ભાવે ફરી રૂ. ૫૧,૦૦૦ની સપાટી પાર કરી હતી. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધથી ચાર પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં મધ્ય સત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૫૭ના ઉછાળા સાથે રૂ. ૬૦,૫૦૭ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે મધ્ય સત્ર દરમિયાન વધ્યા મથાળેથી રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પણ છૂટીછવાઈ રહી હતી. તેમ છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૨ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૮૧૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧,૦૨૧ની સપાટીએ રહ્યા હતા.
જી-૭ રાષ્ટ્રોની રશિયન સોનાની આયાત પર પ્રતિબંધની યોજનાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૧૮૩૫.૭૫ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૮૩૭.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૧.૩ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૧.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે એશિયન બજારોમાં સત્રના આરંભે જી-૭ની યોજનાના ધ્યાનમાં લેતાં સોનાને ટૂંકા સમયગાળાનો ટેકો મળ્યો હોવાનું ઓએએનડીએના વરિષ્ઠ વિશ્ર્લેષક જેફરી હેલેએ જણાવતાં ઉમેર્યું હતું કે મારા મતે જો આ પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવશે તો પણ સોનાની માગ અને પુરવઠા પર ખાસ અસર જોવા નહીં મળે. સાત રાષ્ટ્રો પૈકી ચાર રાષ્ટ્રો મોસ્કોથી સોનાની આયાત પરના પ્રતિબંધની દિશામાં આગળ વધ્યા છે, જેથી રશિયા પર નાણાકીય દબાણ આવે.
આજે સત્રના આરંભે એશિયન બજારમાં સોનાના ભાવનું વલણ જોતા બજારમાં આ સમાચાર પચાવાઈ ગયા છે અને વહેલા મોડા વ્યાજદર વધારાની વાતો ચકડોળે ચડતા પુન: સોનામાં પીછેહઠ જોવા મળશે અને જ્યારે આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવશે ત્યારે સોનામાં સુધારો જોવા મળશે, એમ એસપીઆ એસેટ મેનેજમેન્ટનાં મેનેજિંગ પાર્ટનર સ્ટીફન ઈન્સે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.