વૈશ્વિક સોનું છ સપ્તાહની ટોચે, સ્થાનિકમાં શુદ્ધ સોનાએ રૂ. ૨૧૩ની તેજી સાથે રૂ. ૫૮,૦૦૦ની સપાટી કુદાવી

18

આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર પહોંચવાની શક્યતા: જે પી મોર્ગન

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્વિક સ્તરે બૅન્કિંગ ક્ષેત્રે કથળી રહેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં તાજેતરમાં વૈશ્વિક સોનામાં સલામતી માટેની માગનો પ્રબળ ટેકો મળતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ એક તબક્કે એક ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૧૯૩૭.૨૮ ડૉલરની છ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી અને આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સાધારણ ૦.૧ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૪ ટકા જેટલો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્વિક સોનું છ સપ્તાહની ટોચે, સ્થાનિકમાં શુદ્ધ સોનાએ રૂ. ૨૧૩ની તેજી સાથે રૂ. ૫૮,૦૦૦ની સપાટી કુદાવી ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૧થી ૨૧૩ની તેજીનો પવન ફૂંકાઈ ગયો હતો, જેમાં ખાસ કરીને શુદ્ધ સોનાના ભાવે રૂ. ૫૮,૦૦૦ની સપાટી કુદાવી હતી અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૬૧નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૬૧ના ઘટાડા સાથે રૂ. ૬૬,૫૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં આંતરરાષ્ટ્રીય બજારના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થવાથી ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૧ વધીને રૂ. ૫૭,૮૮૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૧૩ વધીને રૂ. ૫૮,૧૧૫ના મથાળે રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર તાજેતરમાં સોનામાં આગઝરતી તેજી આવી હોવાથી ખાસ કરીને જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની સલામતી પેટેની માગનો ટેકો મળ્યો હતો.

ગઈકાલે ક્રેડિટ સુઈસ ગ્રુપ એજીએ પ્રવાહિતા વધારવા માટે ૫૦ અબજ ફ્રાન્ક (૫૪ અબજ ડૉલર)નું ધિરાણ સ્વીસ નેશનલ બૅન્ક પાસેથી લેશે એવું નિવેદન કરતાં યુરોપ સહિતના ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોમાં બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીની ચિંતા સપાટી પર આવતા મોટાપાયે વેચવાલીનું દબાણ વધવાની સાથે સોનામાં સલામતી માટેની માગ ખૂલી હતી અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનાના એક ટકાની તેજી સાથે ભાવ વધીને છ સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૧૯૩૭.૨૮ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીના દબાણે પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯૧૬.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકાના ઘટાડા સાથે ૧૯૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૬૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરની બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીને ધ્યાનમાં લેતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના કૉમૉડિટી રિસર્ચ વિભાગના હેડ હારીશે જણાવ્યું હતું, જ્યારે જે પી મોર્ગનના વિશ્લેષકે પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની સ્થિતિ, ફેડ દ્વારા રેટ કટ અને અમેરિકા ખાતે મંદીની શક્યતાઓને ધ્યાનમાં લેતાં સોનામાં સલામતી માટેની માગને ટેકે લાંબાગાળે અર્થાત્ આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ વધીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટીએ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!