વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે લીડ સિવાયની ધાતુમાં આગેકૂચ

બિઝનેસ

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ચીન સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે કોપર સહિતની ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક ધાતુ બજારમાં આજે માત્ર લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. ૨નો ઘટાડો અને એલ્યુમિનિયમ તથા ટીનમાં ખપપૂરતી માગે રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી ૧૭નો સુધારો આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ચીન સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધથી ૦.૯ ટકા વધીને ટનદીઠ ૭૩૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં પણ સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં પણ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૭ વધીને રૂ. ૧૯૪૨, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૪૮૦, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૮ વધીને રૂ. ૬૪૩, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૭ વધીને રૂ. ૬૨૪, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૬૨૦, કોપર કેબલ સ્ક્રેપ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૬૩૦ અને રૂ. ૪૫૨, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને રૂ. ૨૮૧ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૫૭૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૧૮૩ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ટીનમાં ખપપૂરતી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૫૯, રૂ. ૨૧૨ અને રૂ. ૨૨૭૫ના મથાળે ટકેલા રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.