Homeએકસ્ટ્રા અફેરબળાત્કારીઓને છોડનારા નહેરૂને સર્ટિફિકેટ આપે છે

બળાત્કારીઓને છોડનારા નહેરૂને સર્ટિફિકેટ આપે છે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણ અત્યંત હલકું થતું જાય છે ને રાજકારણીઓને રાજકીય ફાયદા માટે હલકટાઈ પર ઉતરી આવતાં શરમ જ નથી આવતી. રાજકારણીઓ લોકોને સંસ્કારની ને એવી બધી શિખામણો આપે છે પણ તેમની વાતો સાંભળો ત્યારે લાગે કે, સૌથી પહેલાં તો આપણા રાજકારણીઓએ પોતાના સંસ્કાર સુધારવાની જરૂર છે. આ માનસિકતાનો તાજો દાખલો કર્ણાટક ભાજપનાં નેતા પ્રીતિ ગાંધીએ કરેલી ટ્વિટ છે.
પ્રીતિ ગાંધીએ ટ્વિટર પર કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તસવીર શેર કરી છે કે જેમાં રાહુલ ગાંધી એક્ટ્રેસ પૂનમ કૌરનો હાથ પકડી ચાલતાં દેખાય છે. આ તસવીર પોસ્ટ કરતાં પ્રીતિ ગાંધીએ લખ્યું છે કે, પોતાના પરદાદાના પગલે પ્રયાણ. પ્રીતિ ગાંધીએ જવાહરલાલ નહેરુના સંદર્ભમાં આ ટીકા કરી છે એ કહેવાની જરૂર નથી. પ્રીતિ ગાંધીનો કહેવાનો મતલબ શું છે એ પણ સ્પષ્ટ છે.
ભાજપના નેતા જવાહરલાલ નહેરુના યોગદાનને નાનું કરી શકતા નથી તેથી તેમના વિશે સાવ હલકી કક્ષાની વાતો ફેલાવીને ચારિત્ર્યહનન કર્યા કરે છે. પ્રીતિ ગાંધીએ પણ એવી હલકી હરકત તો કરી જ છે પણ વધારે આઘાતજનક વાત એ છે કે નહેરુને ગાળો ભાંડવાના ઉત્સાહમાં તેમણે એક મહિલાનું ચારિત્ર્યહનન કરવાની ગંદી હરકત કરી નાંખી છે. નહેરુને અનેક સ્ત્રીઓ સાથે સંબધ હતા ને એ કાછડીછૂટા હતા એવો પ્રચાર વરસોથી ચાલ્યા કરે છે. રાહુલ ગાંધી પણ પરદાદા નહેરૂના રસ્તે ચાલીને એ જ ધંધો કરી રહ્યા છે એવો પ્રીતિનો ઈશારો છે એ તો ઠીક પણ એક્ટ્રેસ પૂનમ કૌરને રાહુલ સાથે સંબધ છે એવું પણ આડકતરી રીતે કહી દીધું છે.
પ્રીતિ ગાંધીની આ ગંદી હરકતની કૉંગ્રેસીઓ તો ઝાટકણી કાઢી જ રહ્યા છે પણ સોશિયલ મીડિયા પર પણ લોકો ટીકા કરી રહ્યાં છે. પૂનમ કૌરે પોતે પ્રીતિ ગાંધીની પોસ્ટનો જવાબ આપતાં લખ્યું છે કે, તમારી આ હરકત એકદમ છિછરી છે ને વડા પ્રધાન મોદી નારી શક્તિ વિશે વાત કરે છે એ યાદ કરો. હું લપસી હતી અને પડવાની જ હતી એટલે રાહુલ સરે મારો હાથ પકડી લીધો એવો દાવો કરીને પ્રીતિએ રાહુલ ગાંધીનો આભાર પણ માન્યો છે.
પૂનમ કૌરના ખુલાસાની વાતોમાં આપણે પડતા નથી કેમ કે પૂનમ કૌર લપસી ના પડ્યાં હોત ને રાહુલ ગાંધી તેમનો હાથ પકડીને ચાલતા હોત તો તેમાં પણ કશું ખોટું નથી. એક સ્ત્રી અને એક પુરૂષ જાહેરમાં હાથ પકડીને ચાલે તેનો અર્થ બંને વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધો છે એવો થતો નથી ને આ રીતે હાથ પકડીને ચાલવું એ ગંદી હરકત પણ નથી. ગંદી હરકત તો આ રીતે ચાલનારાં લોકો વિશે ગંદી કોમેન્ટ્સ કરવી એ છે.
ભાજપનાં નેતા પ્રીતિ ગાંધીએ આ હરકત કરીને પોતાનું માનસિક છિછરાપણું ખુલ્લુ કરી દીધું છે. આઘાત તો એ જોઈને લાગે કે, આ પ્રીતિબેનને કે ભાજપની બીજી કોઈ મહિલાને ગુજરાતમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા બિલકિસ બાનોના બળાત્કારીઓને છોડી મુકાય તેમાં કશું ખોટું લાગતું નથી. ઉત્તર પ્રદેશમાં ભાજપનો ધારાસભ્ય એક છોકરી પર બળાત્કારના કેસમાં દોષિત ઠરે તેમાં કશું ખોટું લાગતું નથી. એ વખતે તેમને પોતાના નેતાઓ કોના રસ્તે ચાલી રહ્યા છે એ યાદ નથી આવતું.
જે લોકોએ એક સ્ત્રી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો તેમનાં સન્માન કરાય, તેમને ફૂલહાર કરાય, તેમની મુક્તિ પર મીઠાઈ વહેંચાય તેમાં તેમને કશું ખોટું લાગતું નથી. કોર્ટે જેને બળાત્કારના ગુના માટે દોષિત ઠેરવ્યો છે એ રામ રહીમ સિંહ ભાજપના નેતાઓની મહેરબાનીથી પેરોલ પર છૂટે ને તેના સત્સંગમાં ભાજપના નેતા હાજર રહે, એક બળાત્કારીના પગોમાં આળોટે તેમાં તેમને કશું ખોટું લાગતું નથી. આ રીતે બળાત્કારીઓના પગોમાં આળોટનારા, બળાત્કારીઓને છોડી મૂકનારા, તેમનાં સન્માન કરનારા કોના રસ્તે ચાલી રહ્યા છે તેની વાત યાદ આવતી નથી.
પ્રીતિ ગાંધીની હલકી વાતો એ વાતનો પુરાવો છે કે, ભાજપ સત્તા માટે ગમે તે હદે નીચે ઉતરી શકે છે ને મહિલાઓનું ચારિત્ર્યહનન કરવામાં પણ તેમને છોછ નથી. પ્રીતિ ગાંધી તો છિંડે ચડેલાં ચોર છે પણ ભાજપના મોટા ભાગના નેતા આવી હરકતો કરે છે. અરવિંદ કેજરીવાલને મુસ્લિમ બતાવવા કે રાહુલ ગાંધીને લંપટ બતાવવા જેવી સાવ હલકટાઈઓ પર ઉતરી આવવામાં તેમને જરાય શરમ નથી આવતી. આ પહેલાં રાહુલ પોતાની ભાણી ને પ્રિયંકાની દીકરી સાથે બેઠેલો ત્યારે પણ સાવ હલકી કોમેન્ટ્સ ભાજપના નેતાઓએ કરેલી.
ભાજપના નેતાઓએ આ હરકતો કરવી પડે છે કેમ કે તેમને સત્તામાં આવ્યા પછી તેનો ઉપયોગ લોકોપયોગી કાર્યો કરવામાં કર્યો નથી. કેન્દ્રમાં આઠ વર્ષથી ભાજપની સરકાર છે પણ આ સરકારે જોરદાર કામગીરી કરી છે એવો ભાજપના નેતાઓને જ વિશ્ર્વાસ નથી. લોકો ભાજપને મત આપવા સિવાય બીજું કંઈ વિચારી જ ના શકે એવી સ્થિતિ સર્જવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે એવું ભાજપના નેતાઓને જ લાગે છે પણ પોતાની માને કોણ ડાકણ કહે? મોદી સરકારને તો નિષ્ફળ ગણાવાય નહીં પણ તેની કામગીરી પર લોકો મત આપશે એવો ભરોસો પણ નથી તેથી મુસ્લિમ વિરોધી ઉન્માદ ઉભો કરીને કે પછી રાહુલ-પૂનમનાં ચારિત્ર્યહનન જેવી હલકી હરકતો કરીને મતદારોને ભરમાવાય છે. કમનસીબી પાછી એ છે કે, લોકો આવી વાતોમાં આવી પણ જાય છે.
ભાજપના નેતાઓને જવાહરલાલ નહેરુની બદબોઈ કરવામાં શું આનંદ આવતો હશે તેની તેમને જ ખબર પણ તેનાથી એ ઈતિહાસ નહીં બદલાય કે નહેરુ આ દેશના પહેલા વડા પ્રધાન હતા ને આ દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનારા વડા પ્રધાન છે. નહેરુ વિશે વરસોથી જાતજાતની વાતો ચાલ્યા જ કરે છે ને મોટા ભાગની એવી વાતો પણ છે કે જે અણગમતી છે. એ વાતો છતાં રાજનાથ સિંહ કે નીતિન ગડકરી જેવા ભાજપના જ નેતાઓ નહેરુને વખાણે છે કેમ કે તેમનામાં સમજ છે કે, તેમના વિશે આખી દુનિયામાં ગંદી વાતો ફેલાવાય કે ભાજપના બીજા નેતા કંઈ પણ કહે તેનાથી જવાહરલાલ નહેરૂનું યોગદાન ઘટવાનું નથી.ઉ

RELATED ARTICLES

Most Popular