Homeમેટિનીસમયને ધ્યાનમાં રાખીને, સંયમ રાખવા સિવાય બીજો આરો જ નહોતો

સમયને ધ્યાનમાં રાખીને, સંયમ રાખવા સિવાય બીજો આરો જ નહોતો

અરવિંદ વેકરિયા

હેમખેમ બે-દિવસના જી.આર. પૂરા કર્યા. બધા બરાબર રહ્યા, પણ દેવયાનીબેન આખા નાટકને લબડધક્કે ચઢાવતાં રહ્યાં. નાટકમાં મને શ્રદ્ધા નહોતી, કોણ જાણે! ઘનશ્યામભાઈને વિશ્ર્વાસ હતો. આમ જુઓ તો શ્રદ્ધા અને વિશ્ર્વાસમાં ફરક હોય છે. વિશ્ર્વાસનો સંબંધ બુદ્ધિ સાથે છે અને શ્રદ્ધાનો સંબંધ હૃદય સાથે.. ટૂંકમાં મારું મન એમની ભૂલો અને એમનો લૂલો બચાવ સ્વીકારવા તૈયાર નહોતું. મેં માત્ર ઘનશ્યામભાઈને કારણે જ દેવયાનીબેનને મુખ્ય ભૂમિકા આપવાની ભૂલ કરી હોય એવું લાગતું હતું. બની શકે ભૂલ થઇ છે એવું ઘનશ્યામભાઈને પણ લાગતું હોય, કોને ખબર.. પણ મનને શાંત રાખવા સિવાય, સમયને ધ્યાનમાં રાખીને, સંયમ રાખવા સિવાય બીજો આરો જ નહોતો.મનની શાંતિ માટે ભૂલને ભૂલતા શીખવું જ પડે, પછી એ આપણી હોય કે બીજાની. મેં વચ્ચે બે-ત્રણ વાર એમને યાદ દેવડાવી દીધું કે દેવયાનીબેન, ૧૫ ઓગસ્ટે નાટક રજૂ થઇ જાય પછી રિહર્સલ રાખવા જ પડશે તો પ્લીઝ, એની તૈયારી રાખજો. ત્યારે જાણે કઈ બન્યું જ ન હોય એમ કહેતાં, ‘અરે દાદુ ! ચોક્કસ. તમારો હુકમ સર-આંખો પર. હું મનમાં ખીજાતો રહેતો છતાં સમો સાચવવા ‘થેંક યુ’ કહી વાત ત્યાં જ પૂરી કરી દેતો. મને કોણ જાણે, એક નફરત પેદા થઇ ગયેલી. નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું, માત્ર પ્રેમની ગેરહાજરીનું એ પરિણામ હોય છે. મારી આ વાત એમને સમજાતી નહોતી અથવા એ સમજવા માગતા નહોતાં, કદાચ. મને સહયોગ બધા કલાકારો તરફથી મળી રહ્યો હતો, તક્લીફ માત્ર દેવયાનીબેન તરફથી પડી રહી હતી. ઘનશ્યામભાઈ નાટકને બદલે દીપકભાઈએ એમના પર કરેલા ઉપકારોને ધ્યાનમાં રાખી આંખ આડા કાન કરી રહ્યા હતા એ હું અનુભવી રહ્યો હતો. આ બાબતમાં તેઓ ખોટા પણ નહોતા. મારી તકલીફ એ અંદરખાને જરૂર સમજતા હશે. માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય, પણ પોતાની તકલીફો વેંચી નથી શકતો અને શાંતિ ખરીદી પણ નથી શકતો. દેવયાનીબેનને સમજાતું નહોતું કે ભૂલ કરવા માટે ભલે સમય સારો નહોતો, પણ ભૂલ સુધારવા માટે કોઈ સમય ખરાબ નથી હોતો. એ સત્ય તેઓ સ્વીકારવા તૈયાર નહોતાં. બધાની વચ્ચે આવા સિનિયર કલાકારને કહેવા છતાં સંવાદો ભૂલવાની વાત કોઈ હિસાબે સ્વીકારવા કે સુધારવા જાણે તૈયાર જ નહોતાં કે પછી એમની કોઈ તૈયારી નહોતી.
જી.આર. પૂરા કરી કલાકારોએ થોડો હાશકારો મેળવ્યો. દેવયાનીબેન પણ ખુશ હતાં, પણ મારી ખુશી..? બીજે દિવસે નાટક સમું-સૂતરું પાર પડી જાય એ મારે માટે બસ હતું. ઘણીવાર હું ‘દેવયાનીબેન’ નામની કુદરત સામે લાચાર બની જતો, શું ‘કુદરત’ નારીવાચક શબ્દ છે એટલે…હા..હા..હા…
૧૫ ઓગસ્ટ, મારો જન્મ-દિવસ..બધા કલાકારો બપોરે ૧ વાગે જયહિન્દ થિયેટર પર પહોંચી ગયા. બધાની શુભેચ્છાઓથી હું ભારેખમ થઇ ગયો. પરંતુ નાટકના ભારની ચિંતા મને કોરી ખાતી હતી, ક્યાંક હુટ ન થાય… જેમ જેમ સમય નજીક આવતો જતો હતો તેમ-તેમ મારું ટેન્સન વધતું જતું હતું. બ્લોક-બુકિંગ સાથે થિયેટર તો ભરાતું જતું હતું પણ જ્યાં સાંજે માંડ-માંડ હાઉસ આવતું હોય ત્યાં બપોરે ‘કરંટ’ની અપેક્ષા વધુ પડતી હતી. આમ પણ બુધવારથી બુકિંગ ખુલ્યું ત્યારથી શનિવાર સાંજ સુધીમાં જે બુકિંગ થયું એના આંકડા એવા ઉત્સાહજનક તો નહોતા જ. !
નાટકની શરૂઆત પહેલા નટરાજની પૂજા કરી. ઓછા દિવસોમાં નાટક તૈયાર કરવા બદલ બધાનો હૃદયથી આભાર માન્યો. દેવયાનીબેનને પણ કહ્યું કે હવે નાટકનો દારો-મદાર તમારી ઉપર છે. નાટકના રિહર્સલ-પ્રોસેસ દરમ્યાન મારા તરફથી વધારે પડતું બોલાય ગયું હોય તો, મન પર ન લેતાં. તમે મારા સિનિયર છો, ખાસ્સા અનુભવી છો, આવા સમયે એક દિગ્દર્શકની શું હાલત હોય એ સમજવા તમે સમર્થ છો, તો પ્લીઝ, માફ કરી દેજો. થોડો પણ અહંકાર બતાવી સંબંધો તોડવાથી સારું છે કે ક્ષમા માગીને સંબંધો જાળવી રાખવા. છતાં, નાટકના આજના શૉ પછી કદાચ થોડી કાપ-કૂપ કરવી પડે, નાટકને પૉલિશ્ડ કરવા રિહર્સલ તો રાખવા જ પડશે એ ફરી યાદ અપાવી દઉં છું. મને કહે કે દાદુ, હવે તમારે હવાલે છું, નાટક પરફેક્ટ ન થાય ત્યાં સુધી. નાટક ટના-ટન થવું જ જોઈએ.
શૉ બરાબર, ૩.૪૫ વાગે શરૂ થઇ ગયો. લાફ્ટરની શુભ શરૂઆત પણ થઇ ગઈ. હું એક સારા કલાકારા દેવયાનીબેન માટે ખરાબ નહિ કહું, કદાચ એમની મર્યાદા હશે અથવા મારી અપેક્ષા વધુ હશે. પરંતુ એમની એન્ટ્રી થઇ અને રિસ્પોન્સમાં ઘટાડો થઇ ગયો. સંવાદો સહજ બોલો કે વિચારીને, બંને વચ્ચે અંતર તો રહેવાનું. એ અંતર નાટકની ગતિને અવરોધતું હતું.
નાટક પૂરું થયું. મિશ્ર પ્રતિભાવ સાથે ! જેમણે બ્લોક-બુકિંગ કરાવ્યું હતું એમના કાર્યકર્તાઓને લઇ નિર્માતા દીપકભાઈ મારી અને ઘનશ્યામભાઈ પાસે આવ્યા. ‘મજા આવી’ એવું બોલ્યા પણ એ સાંભળવાની મને મજા ન આવી. નાટક રિપેર-કામ માગતું હતું. એની પ્રતીતિ મને તરત થઇ ગઈ અને એ જ અપેક્ષા હતી. એમણે ભલે કહ્યું કે મજા આવી, પણ જ્યાં અંધારું જ આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કેમ કામ આવે?
નાટકની લાઈનના અનેક ધુરંધરો પણ આવેલા. તેઓના પ્રતિભાવો પણ સારા નહોતા. જો કે મને એમના ‘પ્રતિભાવ પર અનુભવે, ઝાઝો ભરોસો નહોતો.’ હું એના કરતા સારું કરું’ એ ઈર્ષ્યા એમના મનમાં રાખીને અભિપ્રાય આપતા હતા. ‘હું એનું સારૂ કરું’ એ ભાવના એમને ક્યાંય અડતી નહોતી.
ખેર ! એ લોકો શું ‘વાહ’ કહેવાના? બીજાને ‘વાહ’ કહેવું હોય તો પોતાનામાં રહેલી ‘હવા’ પહેલા કાઢવી પડે, જે શક્ય નહોતું.
નાટકના કવર દીપકભાઈ અને ઘનશ્યામભાઈએ દરેક કલાકાર-કસબીને આપ્યા. બધા વચ્ચે મારો આભાર પણ માન્યો. જો કે મને આનંદ નહોતો.
છૂટા પડતા પહેલાં મેં બધાને કહ્યું, ‘અમુક સીન્સ કાપવા પડશે. નાટક ‘ટાઈટ’ કરવું પડશે. બુધથી શનિ આપણે રિહર્સલ રાખીશું, તો પ્લીઝ.. આપ્યો છે એવો સહકાર આપજો અને આ ચાર દિવસ બીજું કોઈ કામ ન લેતા.’
બધાએ હામી ભણી. મેં કહ્યું કે હું બધાને સોમવારે એટલે કે કાલે ફોન કરીશ.
બધા છૂટા પડ્યા. સોમવારની સવારે બધાને ફોન કરવાના હતા. હું ટેલિફોન બુક લઇ ફોન કરવા બેઠો.
સૌથી પહેલા મેં દેવયાનીબેનને ફોન કર્યો, ફોન એમની મમ્મીએ ઉપાડ્યો…
મમ્મી: એ..લા…વ…
હું : મમ્મી, હું અરવિંદ વેકરિયા બોલું છું, જરા દેવયાનીબેનને ફોન આપશો?
મમ્મી: એ તો આજે સવારે જ ફ્લાઈટમાં બરોડા એક ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં ગઈ..
ફોનનું રિસિવર મારા હાથમાંથી સરકી પડ્યું….
ખુશ રહું એનો અર્થ એ નથી કે કોઈ મજબૂરી નથી,
ધ્યાનથી જો જરા, આંખો મારી સાવ કોરી નથી.
———-
ગઈ કાલે મારા સસરાએ રિશી સુનક વિષે બોલવાનું શરૂ કર્યું…
મેં તરત નારાયણ મૂર્તિ વિષે બોલવાનું શરૂ કર્યું…..
તરત ‘ટોપિક’ બંધ……..

RELATED ARTICLES

Most Popular