ભારત વૈશ્વિક મહત્વ ધરાવતા દેશોના સંગઠન G20નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે, આ G20માં લોકભાગીદારી સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે દેશવાસીઓ પાસેથી સૂચનો મંગાવ્યા છે. જેથી દેશના લોકો પણ આવા વૈશ્વિક મંચ સુધી પોતાની વાત પહોંચાડી શકે. G20માં ભારતની પ્રાથમિકતાઓ અંગે લોકો ઓનલાઈન ફોર્મ ભરી પોતાના મંતવ્યો સરકાર સુધી પહોંચાડી શકે છે.
G20ના અધ્યક્ષસ્થાને ભારતની પ્રાથમિકતાઓ અંગે સૂચન આપવા માટે નાગરિકો https://innovateindia.mygov.in/g20suggestions/ પર જઈ એક ફોર્મ ભરીને કેન્દ્ર સરકાર સુધી પોતાના મંતવ્યો પહોંચાડી શકે છે. મંતવ્ય આપવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. 15 જાન્યુઆરી, 2023 સુધી આ મંતવ્યો સ્વીકારવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ નાગરિકોને ભારતની G20 પ્રેસિડન્સી દરમિયાન મહત્વની થીમ્સ માટે વિચારો અને સૂચનો શેર કરવા અનુરોધ કર્યો છે. વડાપ્રધાન મોદીએ લોકો પાસેથી સૂચનો માંગવાના હેતુઓ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, G20 અધ્યક્ષતા ભારત વિશ્વને સુરક્ષિત, સ્થિર અને ટકાઉ ભવિષ્ય તરફ દોરી જાય છે, તે દરેક ભારતીયની જવાબદારી છે. આ માટે ભ્રષ્ટાચાર નાબૂદી, કલા-સંસ્કૃતિ, વિકાસ, ડિજિટલ ઇકોનોમી, આપત્તિનું જોખમ ઘટાડવા, શિક્ષણ, રોજગાર, ઊર્જા સંક્રમણ, ટકાઉ પર્યાવરણ અને આબોહવા, આરોગ્ય, પ્રવાસન, વેપાર અને રોકાણ તથા ફાઇનાન્સ વર્કસ્ટ્રીમ જેવા મુદ્દે સૂચનો નોંધાવી શકાશે.