Homeઉત્સવશેર્સ અને મ્યુચ્યુઅલ ફંડને પીપીએફ અને બેંક એફડી જેવો સમય આપો

શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડને પીપીએફ અને બેંક એફડી જેવો સમય આપો

સ્ટોક્સ-સ્કીમ્સ સિલેકશન યોગ્ય હોય તો રિસ્ક ઈશ્ક બની શકે!

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

શેરબજારમાં સમયના માપદંડ ચાલી શકતા નથી. સમય કોઈની પરવા કરતો નથી, સમયને આપણે પણ સમય આપવો પડે, જેને બીજા શબ્દોમાં આપણે ધીરજ કહી શકીએ. શેરબજારમાં સંપત્તિસર્જન કરવું હોય તો સમયનું મહત્વ સમજવું પડે. બાકી ટૂંકા સમયગાળામાં માત્ર વધઘટના કે વોલેટિલિટીના જ અનુભવ થાય. આ વખતે આપણે સમયના મહત્વને સમજવા શું કરવું જોઈએ એ વાત કરીએ.
શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં સમયના મહત્ત્વની વાત પર આવીએ તો આપણે પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)ને રોકાણ માટે પંદર વરસ આપીએ છીએ, જો આવા પંદર વરસ સારા સ્ટોકસને અથવા મ્યચ્યુઅલ ફંડની સ્કીમને આપીએ તો? આપણે બેંકની એફડીને ત્રણથી પાંચ વરસ સહજ જ આપીએ છીએ, આપણે તેમાં શું વળતર મળ્યું એ જોવા જરાય આતુર હોતા નથી, કેમ કે આપણને ખબર જ છે, આ વળતર ફિક્સ છે. પીપીએફમાં પણ વળતર ફિક્સ છે. હવે વિચારો કે આપણે શેરબજારમાં સારા સ્ટોકસ સાથે એફડી કરીએ તો? તેને કમસે કમ પાંચ વરસ માટે જાળવી રાખીએ તો? આપણે શેરો સાથે કે ફંડની સ્કીમ સાથે પીપીએફ જેવો અભિગમ રાખી તેને પંદર વરસ જાળવી રાખીએ તો? મોટેભાગે આપણે નિરાશ થવાનું આવે નહી. ઉપરથી બેસ્ટ રિટર્ન મળી શકે. કારણ કે બજારને-સ્ટોકસને લાંબો સમય જોઈતો હોય છે. જેમ બીજને વૃક્ષ થવા માટે લાંબો સમય જોઈએ છે. શેરબજારમાં સ્ટે ઈન્વેસ્ટેડનું ખાસ્સું મહત્વ છે. આ જ સત્ય મ્યુચ્યુઅલ ફંડને પણ એટલું જ લાગુ થાય છે. સમય તો તેને પણ આપવો જ પડે. ફરક માત્ર એટલો રહે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તુલનાત્મક જોખમ શેરબજાર કરતા ઓછું રહે છે, તેમ વળતર પણ શેર કરતા ઓછું રહે છે, જ્યારે કે શેરમાં ઊંચા જોખમ સામે વળતર પણ ઊચું રહે છે. અલબત્ત, સ્ટોક સિલકેશન યોગ્ય હોય તો રિસ્ક ઈશ્કમાં પરિવર્તિત થઈ જાય છે.
ભારતના વિકાસની લોંગ ગ્રોથ સ્ટોરી
આપણા દેશની લોંગટર્મ ગ્રોથ સ્ટોરી ઉજજવળ છે, હાલના તમામ સંજોગો આ વાતની સાક્ષી પૂરે છે. આ તમામ હકીકત, આંકડા અને ઘટનાઓ તેમ જ સંકેતો આપણી સામે આવતા રહે છે. યુએસએ, ચીન, યુરોપ, બ્રિટન સહિત તમામ દેશોના સંજોગો પણ આપણી સામે છે. જયારે આ બધાની તુલનાએ ભારતને જુઓ. ગ્લોબલ સંજોગો અને પરિવર્તન વચ્ચે ભારતમાં રહેલી સંભાવના જુઓ. આપણા દેશનો વિકાસદર, ઉત્પાદન, સર્વિસ સેકટર, સ્ટાર્ટઅપ્સ, આવક સ્તર, વપરાશની ક્ષમતા, ડિમાંડ જનરેશન, બેન્કિંગ-ફાઈનાન્સિયલ સેકટરના ડેવલપમેન્ટ, ઓટો, ક્ધઝયુમર ડિમાંડ, રિટેલ સેકટર વગેરે જેવાં કેટલાંય પરિબળોને ધ્યાનમાં લઈએ તો ભારતીય અર્થતંત્રને વિકાસ માટે હાઈવે મળ્યો છે એમ કહી શકાય, અલબત્ત, તેને રાજકીય-સામાજિક સ્થિરતા, પોલિસીઓનું સાતત્ય, વ્યવહાર દક્ષતા, સરળતા, પારદર્શકતા વગેરેનો ટેકો મળવો પણ આવશ્યક ગણાય. સરકાર આર્થિક સુધારા માટે સતત પ્રયત્નશીલ અને સક્રિય અભિગમ ધરાવે છે. આ બધાં કારણસર જ ભારત આજે સ્થાનિક અને ગ્લોબલ રોકાણકારો માટે મહત્ત્વનું સ્થાન બન્યું છે.
સેન્સેક્સ ૭૫૦૦૦ જઈ શકે
હજી તો ભારતમાં આકાર લઈ રહેલી કેટલીય ઘટના બીજ સ્વરૂપે હોવાથી આપણને સામે દેખાતી નથી, કિંતુ તે ઘટાદાર વૃક્ષ બનવા આકાર પામી રહી છે. ભારતની યુવા પેઢી સૌથી મોટી છે અને સૌથી સક્ષમ પરિબળ છે. સેવિંગ અને ઈન્વેસ્ટમેન્ટ કલ્ચર જે રીતે અહી ઝડપથી વિકસી રહ્યું છે તે ઊંચો આશાવાદ ઊભો કરે છે. જો કોરોનાના માત્ર બે-અઢી વરસમાં સેન્સેકસ ૨૫૦૦૦થી ૬૨૦૦૦ સુધી જઈ શકતો હોય તો, આગામી પાંચથી દસ વરસમાં સેન્સેકસ ૭૫,૦૦૦ કેમ ન જઈ શકે? જો એ જ બે વરસમાં રોકાણકારોના ડિમેટ એકાઉન્ટસની સંખ્યા બે કરોડથી વધુ વૃધ્ધિ પામતી હોય તો, શેરોના ભાવ કેમ ન વધે? મ્યુચ્યુઅલ ફંડ પાસે રોકાણ પ્રવાહ સતત છલકાતો રહેતો હોય તો માર્કેટને વેગ કેમ ન મળે? ભારત વિશ્ર્વનું સૌથી વિશાળ ત્રીજું અર્થતંત્ર બનવાની સંભાવના નકકર ત્યારે જ બને જયારે તેનો ગ્રોથ ઊંચો જવાની તક સફળ થવાની હોય.
પરિવર્તનના પ્રકાશને જુઓ-સમજો
આ દિવાળી નવા પ્રકાશ સાથે પસાર થઈ છે. આર્થિક મોરચે સારા સમાચાર અને સંકેતની સુગંધ પણ ફેલાઈ રહી છે. સીઆઈઆઈ (કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ)ના સર્વે અનુસાર ભારતમાં કામ કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માને છે કે ઊંચા વપરાશ, ડિજિટલ ઈકોનોમી વધુ સર્વિસીસ પ્રવાહ અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં થઈ રહેલા સુધારાના માહોલમાં ભારતીય ઈકોનોમી આગામી ત્રણ થી પાંચ વરસ સારી કામગીરી કરશે. વાસ્તવમાં લાંબો સમય સારી કામગીરી કરતી રહેશે. ૭૧ ટકા જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ તેમના ગ્લોબલ વિસ્તરણ માટે ભારતને મહત્ત્વનું અને ઉત્તમ ડેસ્ટીનેશન માને છે. આના પરિણામે ભારતમાં પાંચેક વરસમાં ૪૭૫ અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ આવવાની ધારણા છે. ભારતમાં કોવિડ બાદ રિટેલ સેકટરમાં ગજબની વાઈબ્રન્સી જોવાઈ છે. ઊંચા ફુગાવા છતાં ફેશન, ફુટવેર, જવેલરી, ટ્રાવેલિંગ વગેરે જેવા સેગમેન્ટમાં મોટી અને સતત ડિમાંડ જોવામાં આવી છે. આને કારણે ગ્રોથમાં વૃધ્ધિ થશે અને વ્યકિતદીઠ ખર્ચ પણ વધશે. નવી જનરેશનને લીધે લાઈફ સ્ટાઈલમાં સતત પરિવર્તન ચાલુ છે. તેમના ઈન્કમ લેવલને લીધે ખર્ચ લેવલ વધી રહયા છે. પરિણામે ડિમાંડ વધતી જાય છે. તેમાં વળી તહેવારોએ વેગ આપ્યો છે. વિશ્ર્વના વિવિધ સ્તરેથી ભારતીય ઈકોનોમી અને માર્કેટ માટે પોઝિટિવ આશાવાદ વ્યકત થઈ રહ્યો છે. બજાર કે જયાદા બહેતર દિન આનેવાલે હૈ.
દરમ્યાન સરકાર વધુ કેટલાંક સેકટર્સમાં પીએલઆઈ સ્કિમ (પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ્સ) લાગુ કરવાનું વિચારે છે, જેની પાછળ આશરે ૩૫ હજાર કરોડ રૂપિયા ફાળવાશે. આ સેકટર કે ચીજમાં બાઈસિકલ, લેધર, અમુક વેકિસન મટિરિઅલ, ચોકકસ ટેલીકોમ સાધનો, અમુક કેમિકલ્સ, ટોય્સ અને શિપીંગ ક્ધટેનર્સ, વગેરેનો સમાવેશ સંભવ છે. આને પરિણામે રોજગાર સર્જન અને ઉત્પાદન વધશે. ચીને તાજેતરમાં પોતાની પોલિસીના જે સંકેત આપ્યા છે તેને કારણે ભારત માટે તકો વધવાના અવસર ઊભા થાય એમ છે. આને લાંબા ગાળાનું મજબુત આર્થિક પરિબળ ગણી શકાય. વાસ્તવમાં ભારત સરકારના આર્થિક સુધારાની સતત ચાલુ રહેલી ગતિવિધિ વિકાસની મોટી આશા અને વિશ્ર્વાસ છે. નવા વરસે સરકારે મૂડી ખર્ચને અને રોજગાર સર્જનને જોર આપવું જોઈશે. આ દિશામાં પગલાં લેવાની શરૂઆત જોશપૂર્વક થઈ ગઈ છે. આ સાથે સ્ટાર્ટઅપ્સ પણ તેનો સહયોગ આપવા સતત કતારમાં આવી રહ્યા છે.
દિવાળીએ કેવો ઉજાસ બતાવ્યો
આ વખતની દિવાળીના મુહૂર્તના સોદામાં તેજીના દીવા અને પ્રકાશ જોવાયા છે. ભારતીય ઈકોનોમીના ફંડામેન્ટલ્સ, સેન્ટીમેન્ટ અને પ્રવાહિતા જોરમાં રહેવાની શકયતા ઊંચી થતી જાય છે. દરમ્યાન આ નવા વરસે ભારત માટે વધુ એક સારા અહેવાલ મુજબ બ્રિટનમાં મૂળ ભારતીય એવા ઋષિ સુનકની પ્રાઈમ મિનિસ્ટર પદે નિમણૂંક થવાને પગલે ભારત-બ્રિટન વેપાર સંબંધો વધુ બહેતર બનશે એવી આશા જાગી છે. એ કરતા પણ જગતને ભારતીયોનું મહત્ત્વ વધુ સમજાવા લાગ્યું છે. ભારતીય જનની સફળતા અને સિદ્ધિ એ દેશના ગૌરવ અને બ્રાન્ડિંગનું પણ મહત્ત્વનું પરિબળ બને છે.

 

RELATED ARTICLES

Most Popular