મંગેતરની ન્યૂડ તસવીરો પોસ્ટ કરનારા બેંગલૂરુના ડૉક્ટરને બદલામાં મળ્યુ મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બેંગલૂરુની પોલીસે 27 વર્ષીય ડૉક્ટરના મૃત્યુના કેસની તપાસ બાદ ખુલાસો કર્યો છે કે ડૉક્ટરની મોતની પાછળ એની મંગેતર દ્વારા લેવામાં આવેલો બદલો કારણભૂત છે.
ડૉ. વિકાસ રાજને યુક્રેનથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. ચેન્નાઈની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કર્યા પછી, તેણે બેંગલૂરુમાં નવી નોકરી સ્વીકારી હતી. ખાનગી હોસ્પિટલમાં કામ કરવા ઉપરાંત ડૉ. રાજન વિદેશમાં મેડિકલ અભ્યાસક્રમોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું પણ કામ કરતો હતો.
લગભગ બે વર્ષ પહેલા તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્કિટેક્ટ પ્રતિભાને મળ્યો હતો. બંનેએ લિવ-ઈન રિલેશનશિપ શરૂ કરી અને બાદમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના પરિવારજનો લગ્ન માટે સંમત થયા હતા.
એક અઠવાડિયા પહેલા, ડૉ. રાજનને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે કોમામાં ચાલ્યો ગયો હતો. ત્રણ દિવસ પછી તેનું અવસાન થયું. યુવાન તબીબના શરીર પર ગંભીર ઈજાઓ હોવાથી પોલીસે પ્રથમ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.
પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે 27 વર્ષીય મંગેતર પ્રતિભા અને તેના મિત્રોએ ડોક્ટર રાજન પર કથિત રીતે હુમલો કર્યો હતો અને પછી તેની હાલત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રતિભાને ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક નગ્ન તસવીરો મળી હતી. જ્યારે તેણે ડૉ. વિકાસ સાથે આ અંગે વાત કરી ત્યારે વિકાસે કહ્યું કે તેણે નકલી આઈડી બનાવી છે અને “ફક્ત મનોરંજન માટે” આવી ન્યૂડ તસવીરો પોસ્ટ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રતિભા ગુસ્સામાં હતી અને તેણે વિકાસને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. તેણે તેના મિત્રોના ઘરે જવાની યોજના બનાવી. પોતાની સાથે એ રાજનને પણ લઇ ગઇ. મિત્રના ઘરે રાજન-પ્રતિભા વચ્ચે કોઇ વાતે ઝઘડો થયો હતો. એ સમયે પ્રતિભા અને તેના મિત્રોએ ડો. રાજન પર ફ્લોર મેપ વડે હુમલો કર્યો હતો, જેમાં રાજનને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે રાજનની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે પ્રતિભા તેને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ તે કોમામાં સરી પડ્યો અને ટૂંક સમયમાં તેનું મૃત્યુ થયું હતું. પ્રતિભાએ રાજનના ભાઇને પણ મૃત્યુ અંગે ખોટી માહિતી આપી હતી.
પોલીસે પ્રતિભા અને તેના ત્રણ સાગરિતની હત્યા સહિતના વિવિધ આરોપો હેઠળ ધરપકડ કરી છે. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.