(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગ્ન માટે દબાણ કરી રહેલી પ્રેમિકાની ગળું દબાવીને હત્યા કર્યા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દેવા પ્રકરણે નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે જિમ ટ્રેઇનર એવા પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ રિયાઝ સમદ ખાન અને ઇમરાન ઇસ્માઇલ શેખ તરીકે થઇ હોઇ તે દેવનાર વિસ્તારમાં રહે છે. ઘનસોલીથી પકડાયેલા બંનેને બાદમાં વધુ તપાસ માટે પનવેલ તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
માથેરાનની તળેટીમાં આવેલા ધામની ગામ નજીક નદીકિનારે ૧૪ ડિસેમ્બરે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળું દબાવીને મહિલાની હત્યા કરાઇ હોવાથી પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં તપાસ કરી હતી. બીજી તરફ મહિલાના મૃતદેહ નજીકથી વિશેષ બ્રાન્ડની ચંપલ મળી આવી હોવાથી ચંપલ જ્યાંથી ખરીદવામાં આવી હતી એ દુકાન ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૨ (પનવેલ)ની ટીમે શોધી કાઢી હતી. દુકાનની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતાં તેમાં બે શકમંદ નજરે પડ્યા હતા.
આ ફૂટેજને આધારે બંને શકમંદની શોધ ચલાવવામાં આવી હતી અને તેમને ઘનસોલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેની કરાયેલી પૂછપરછમાં મૃત મહિલાનું નામ ઉર્વશી વૈષ્ણવ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી રિયાઝ ખાને પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે ઉર્વશી તેની પ્રેમિકા હતી અને તે લગ્ન માટે વારંવાર દબાણ કરી રહી હતી. આથી તેણે મિત્ર ઇમરાન શેખની મદદથી ઉર્વશીની કારમાં રસ્સીથી ગળું દબાવીને હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહ બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો.