મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી/મુંબઈ/પુણેઃ પુણેના ભાજપના વરિષ્ઠ સાંસદ ગિરીશ બાપટનું 72 વર્ષની જૈફવયે બુધવારે નિધન થયું હતું. લાંબા સમયની બીમારી પછી તેમનું બુધવારે નિધન થયું હતું. તેમના અવસાન પછી ભાજપની સાથે વિપક્ષ નેતાઓએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બાપટના અવસાન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે બાપટના નિધનથી મને બહુ દુઃખ થયું છે. તેઓ ભાજપના સિનિયર નેતા તો હતા, પણ તેઓ મારા માટે મોટા ભાઈ સમાન હતા. અમારી બંને વચ્ચેનો સંબંધ પણ ઘનિષ્ઠ હતો. હું તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કરતું ટવિટ કર્યું હતું અને તેમને લખ્યું હતું કે ગિરીશ બાપટ એક વિનમ્ર અને મહેનતુ નેતા હતા. તેમને બહુ સમર્પણથી સમાજની સેવા કરી હતી. તેમણે મહારાષ્ટ્રના વિકાસ માટે વ્યાપકપણે કામ કર્યું હતું અને પુણેના વિકાસ માટે હંમેશાં તત્પર રહેતા હતા. તેમનું નિધન દુઃખદન છે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને લોક કલ્યાણના મુદ્દા પણ ઊઠાવ્યા હતા. તેઓ એક પ્રભાવી પ્રધાન અને પછી પુણેના સાંસદ તરીકે આગવી ઓળખ બનાવી હતી. તેમના સારા કામો ઘણા લોકોને પ્રેરણા આપતા રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ બાપટના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. રાજનાથની સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસે તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. મૂળ અમરાવતીના બાપટે તેમની કારકિર્દીની શરુઆત 1973માં ટાટા મોટર્સથી કરી હતી. 1973માં ટાટા મોટર્સને ટેલ્કોના નામથી ઓળખાતી હતી. તેની સાથે તેઓ આરએસએસમાં પણ જોડાયા હતા. કટોકટી વખતે તેઓ જેલમાં પણ જવાની નોબત આવી હતી.