હાલમાં જ ગુજરાતના રાજ્યના વન ખાતાના પ્રધાન દ્વારા ગુજરાત વિધાનસભમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એક વર્ષમાં ગીરમાં કુલ 100 સિંહના મૃત્યુ થયા હતા. 2022-23માં 20 નર, 21 માદા અને 59 બચ્ચાઓનું મૃત્યુ થયું હતું. છે. આ 100માંથી 89 સિંહો કુદરતી રીતે અને 11 અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોવાની માહિતી મળી રહી છે. આ આંકડા 1 એપ્રિલ, 2022 થી 31 જાન્યુઆરી, 2023 સુધીના છે. વર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ ગીરમાં કુલ 674 સિંહો છે અને એટલે જ એક વર્ષમાં 100 સિંહોનું મૃત્યુ એટલે આ પ્રમાણ કુલ વસતીના 15 ટકા જેટલું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર પાંચ વર્ષે સિંહની વસતી ગણતરી કરવામાં આવે છે. 2020માં આ વસતી ગણતરી કરવામાં આવી હતી અને હવે 2025માં સિંહોની વસતી ગણતરી કરવામાં આવશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર છેલ્લાં 2 વર્ષની સરખામણીમાં સિંહોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આંકડાઓ પર નજર નાખીએ તો વર્ષ 2020-21માં કુલ 137 સિંહોનું મૃત્યુ થયું હતું. જેમાં 14 સિંહના મૃત્યુ અકુદરતી હતા. જ્યારે વર્ષ 2021-22માં કુલ 129 સિંહોના મોત થયા હતા, તેમાંથી 16 સિંહના અકુદરતી મૃત્યુ થયા હતા. એટલે કે છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારના જણાવ્યા પ્રમાણે એપ્રિલ 2020થી 31 જાન્યુઆરી 2023 સુધીમાં 366 સિંહોના મોત થયા છે.
આ અગાઉ 28 ફેબ્રુઆરી 2023ના રોજ વન મંત્રીએ ગુજરાત વિધાનસભામાં સિંહોના મૃત્યુ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છેલ્લાં બે વર્ષમાં 240 સિંહોને ગુમાવ્યા છે. આ પ્રમાણ ગીરની સિંહની વસ્તીના 36 ટકા જેટલો છે. રાજ્ય સરકારે વિધાનસભામાં એવું પણ જણાવ્યું હતું કે ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તારોમાં 31 ડિસેમ્બર, 2022 સુધીના બે વર્ષમાં 128 બચ્ચા સહિત 240 સિંહોના કુદરતી અને અકુદરતી કારણોસર મૃત્યુ થયા છે.
સિંહોના અકુદરતી રીતે થતાં મૃત્યુના કારણની વાત કરીએ તો ખુલ્લા કૂવામાં પડવું, વાહનો કે ટ્રેનની અડફેટે આવવું વગેરે છે. વર્ષ 2018માં ગીરના જંગલોમાં એશિયાટિક સિંહોના મૃત્યુ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)ને કારણે પણ થયા હતા. આ વાયરસ કૂતરામાંથી અન્ય જંગલી પ્રાણીઓમાં ફેલાય છે અને તે અત્યંત જીવલેણ છે. સીડીવીએ 1994માં તાન્ઝાનિયામાં સેરેનગેતી અભયારણ્યમાં લગભગ 1000 સિંહોના જીવ ગયા હતા.
ભારતમાં માત્ર સિંહોનું મૃત્યુ જ નહીં પરંતુ વાઘના પણ મૃત્યુ ચિંતાનો વિષય છે. માત્ર વર્ષ 2023ના પ્રથમ મહિનામાં (1 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી) 24 વાઘના મોત થયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ને ટાંકીને લખ્યું છે કે ગયા વર્ષના સમાન સમયગાળામાં 16 વાઘના મોત થયા હતા, જ્યારે 2021માં આ જ સમયગાળામાં 20 વાઘના મોત થયા હતા. આ વર્ષે સૌથી વધુ મૃત્યુ મધ્ય પ્રદેશ (9), ત્યારબાદ મહારાષ્ટ્ર (6), રાજસ્થાન (3), કર્ણાટક (2), ઉત્તરાખંડ (2) અને આસામ અને કેરળમાંથી એક-એક કેસ નોંધાયા છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં આટલા સિંહ ગુમાવ્યા ગુજરાતના નેશનલ પાર્કે
RELATED ARTICLES