અંતરીક્ષયાત્રી ઍલ્ડ્રિન બઝની અનોખી જીવનસફર
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
ત્રાણુમાં જન્મદિવસે રૂપાળી ગર્લફ્રેન્ડ ચોથા લગ્ન કરીને દુનિયાભરના મીડિયામાં છવાઈ ગયેલા ઍલ્ડ્રિન બઝના જીવનની રોમાંચક સફરની આગળની વાત જાણીએ. તેમણે જીવનમાં એટલી સિદ્ધિઓ મેળવી કે તેમના વિશે એક લેખમાં લખવું એ ગાગરમાં સાગર સમાવવા સમાન કપરું કામ છે એટલે ફાસ્ટ ફોરવર્ડ કરીને જીવન વિશે થોડું જાણી લઇએ.
અમેરિકાએ વિયેતનામ યુદ્ધ પછી ઍલ્ડ્રિનને નેવાડાસ્થિત એરફોર્સ બેઝમાં તોપખાનાના પ્રશિક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા (ત્યાર બાદ તેમને યુ.એસ. એર ફોર્સ અકાદમીમાં ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા). વર્ષો પછી તેમણે એસ્ટ્રોનોટિકસમાં ડિગ્રી મેળવી. તેમણે ડોક્ટરેટ પણ કર્યું. ત્યાર બાદ તેમને લોસ એન્જલસમાં એરફોર્સ સ્પેસ સિસ્ટમ ડિવિઝનમાં જેમિની ટાર્ગેટ ઓફિસમાં નિયુક્ત કરાયા અને પછી અંતરીક્ષયાત્રી તરીકે પસંદ કરાયા.
ઍલ્ડ્રિનને ઓક્ટોબર, ૧૯૬૩માં નાસા અંતરીક્ષયાત્રીઓના ત્રીજા સમૂહના એક હિસ્સા રૂપે પસંદ કરાયા હતા. પાઈલટ તરીકે તેમનો બહોળો અનુભવ હતો. એટલે તેઓ એ પસંદગી માટે એકદમ યોગ્ય હતા. ઍલ્ડ્રિને સાબિત કર્યું હતું કે અંતરીક્ષમાં યાત્રી અંતરીક્ષ યાનની બહાર પણ કામ કરી શકે છે.
૨૦ જુલાઈ, ૧૯૬૯ના દિવસે નાસાએ ચંદ્ર પર અવકાશયાન મોકલ્યું એ વખતે ઍલ્ડ્રિન એમાં હતા. અને ચંદ્ર પર પગ મૂકનારા તેઓ બીજા અંતરીક્ષયાત્રી હતા (પ્રથમ પગ નીલ આર્મસ્ટ્રોંગે મુક્યો હતો). નાસાના જુદાજુદા અધિકારીઓના દાવા પ્રમાણે પહેલાં તેમને જ ચંદ્રની જમીન પર પગ માંડવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. પણ કોમ્પેક્ટ લ્યુનર લેન્ડિંગ મોડલની અંદર અંતરીક્ષયાત્રીઓની ભૌતિક સ્થિતિને કારણે, કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગ માટે અંતરીક્ષ યાનમાંથી બહાર આવવું વધુ આસાન હતું એટલ એલ્ડ્રિન ચંદ્ર પર પગ મૂકનારા બીજા નંબરના માનવી બન્યા.)
ઍલ્ડ્રિન ચંદ્ર પર ધાર્મિક કાર્ય કરવાવાળા પહેલાં વ્યક્તિ હતા. ચંદ્ર પર ઊતર્યા પછી ઍલ્ડ્રિને ધરતી પર સંદેશો મોકલ્યો ‘ હું ઈચ્છું છું કે આવી તક બધી વ્યક્તિઓને મળે, જે લોકો તેમને ક્યાંય પણ સાંભળી રહ્યા હોય તેઓ થોડી વાર રોકાઈ, પાછલા કેટલાંક કલાકોની ઘટના યાદ કરે અને પોતાની રીતે (ઈશ્ર્વરનો) આભાર વ્યક્ત કરે’
વર્ષો પછી નાસા છોડ્યા બાદ ઍલ્ડ્રિનને એડવર્ડ એરફોર્સ બેઝ, કેલિફોર્નિયામાં યુએસ એરફોર્સ ટેસ્ટ પાઈલટ સ્કૂલના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરાયા. ઍલ્ડ્રિન ૨૧ વર્ષની સેવા બાદ માર્ચ, ૧૯૭૨માં સેવાનિવૃત્ત થઈ ગયા. એ પછી એરફોર્સમાં પાછા ગયા, પરંતુ તેમની વ્યક્તિગત સમસ્યાઓએ તેમના કરિઅરને પ્રભાવિત કરી. તેમણે ‘રીટર્ન ટુ અર્થ’ શીર્ષક હેઠળ તેમની બાયોગ્રાફી લખી, તે ૧૯૭૩માં પ્રકાશિત થઈ. એનો બીજો ભાગ ‘મેગ્નીફીસન્ટ ડેસોલેશન’ ૨૦૦૯માં પ્રકાશિત થયો. આ બંને ભાગમાં તેમણે તેમના જીવનનો સંઘર્ષ આલેખ્યો છે, નાસાની કરીઅર બાદ તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા અને શરાબનું વ્યસન પણ થઈ ગયું. એ પછી તેમણે નક્કી કર્યું કે હું સ્વસ્થ જીવન જીવીશ. તેમણે પોતાની સમસ્યાઓ સામે ઝઝૂમવાનું નક્કી કર્યું અને પોતની સારવાર કરાવી. એ પછી તેમના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું. લોઈસ ઍલ્ડ્રિન સાથે લગ્ન બાદ પણ તેમના જીવનમાં ઘણો સુધારો થયો.
નાસાથી પાછા આવ્યા પછી પણ તેઓ અંતરીક્ષ માટે કામ કરતા રહ્યા. તેમણે એક કમ્પ્યુટર સ્ટ્રેટેજી ગેમ પણ બનાવી હતી જેને ‘બઝ ઍલ્ડ્રિન’સ રેસ ઈનટુ સ્પેસ (૧૯૯૩)’ કહેવામાં આવે છે. અંતરીક્ષની ખોજ માટે વધુ કામ કરવા માટે અને ચંદ્ર પર પ્રથમ લેન્ડિંગની ચાલીસમી તિથિ ઉજવવા માટે બઝે એક ટીમ બનાવી, આ દરમિયાન તેમણે ‘રોકેટ એક્સપીરીયન્સ’ નામનો એક વીડિયો પણ બનાવ્યો.
૨૨ જુલાઈ, ૨૦૦૯માં તેમણે એક મેગેઝિનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આપણે બહુ બહાદુરી સાથે ત્યાં જવું જોઈએ, જ્યાં માનવ પહેલાં ક્યારેય નથી ગયો. આપણે મંગળની પણ યાત્રા કરવી જોઈએ.
ઍલ્ડ્રિન વિવાદોમાં પણ ઘેરાતા રહ્યા છે. ૨૦૦૯માં જ તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે જળવાયું પરિવર્તનમાં મનુષ્યનું યોગદાન છે. મને લાગે છે કે જળવાયુમાં પરિવર્તન ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. હવે વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. બની શકે કે પછી એ ઠંડું પણ થઈ જાય. હું નથી માનતો કે ગ્લોબલ વોર્મિંગનું કારણ આપણે (માનવજાત) છીએ, મને લાગે છે કે દુનિયા આનું કારણ છે.
ઍલ્ડ્રિને ‘રિટર્ન ટુ અર્થ’ (૧૯૭૩), ‘મેન ફ્રોમ અર્થ’ (૧૯૮૯) અને ‘મેગ્નિફિસન્ટ’ (૨૦૦૯) પુસ્કતો પણ લખ્યા. તેઓ સાયન્સ ફિક્શન ‘એન્કાઉન્ટર વિથ ટાઈબર’ (૧૯૯૬) અને ‘ધ રિટર્ન’ (૨૦૦૦)ના સહલેખક (જોન બાર્નેસ) સાથે હતા. ઍલ્ડ્રિને અગાઉ ત્રણ વાર લગ્ન કર્યા હતા. જો આર્ચર સાથે, પછી બેવરલી જાઈલ સાથે અને ત્યારબાદ લોઈસ કેનન સાથે. ત્રીજા લગ્ન તેમણે ૧૯૮૮માં વેલેન્ટાઈનના દિવસે કર્યા હતા.
૨૦૦૫માં ‘ફર્સ્ટ ઓન ધ મૂન: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ માટે આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઍલ્ડ્રિને કહ્યું હતું કે તેમણે એક અજ્ઞાત વસ્તુને ઊડતી જોઈ છે. સાયન્સ ચેનલ સાથે એક ઇન્ટરવ્યૂમાં ઍલ્ડ્રિને અજ્ઞાત વસ્તુને જોઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો..
અંતરીક્ષયાત્રી ઍલ્ડ્રિને મારામારી પણ કરી છે!.૯ સપ્ટેમ્બર, ૨૦૦૨ના દિવસે ફિલ્મનિર્માતા બાર્ટ સિબ્રેલ કેલિફોર્નિયા હોટલમાં બેવરલી હિલ્સની બહાર ઍલ્ડ્રિન અને તેમની સાવકી દીકરીને મળી ગયા એ વખતે સિબ્રેલે કહ્યું કે તમે એક એવા જુઠ્ઠા માણસ છો જે એવું કહે છે કે મેં ચંદ્ર પર પગ મૂક્યો છે, વાસ્તવમાં તમે એવું કંઈ કર્યું નથી. તેમણે ઍલ્ડ્રિનને કાયર, જુઠ્ઠા અને ચોર કહ્યા. એટલે ઍલ્ડ્રિને ઉશ્કેરાઈને સિબ્રેલને એક લાફો ઝીંકી દીધો હતો. ઍલ્ડ્રિનને નાસા અને અમેરિકન સૈન્ય સહિત અનેક સંસ્થાઓ તરફથી સન્માન મળ્યું. ચંદ્ર પર અપોલો ૧૧ની લેન્ડિંગ સાઈટ નજીકની જગ્યાને અને એસ્ટેરોઈડ ૬૪૭૦ને તેમનું નામ આપવામાં આવ્યું છે.
ઍલ્ડ્રિન નેશનલ સ્પેસ સોસાયટીના બોર્ડ ગવર્નર્સમાં સામિલ છે, તેઓએ આ સંગઠન માટે ચેરમેનના રૂપમાં પોતાની સેવા પ્રદાન કરી છે; તેઓ એસ્ટ્રોનોટ હોલ ઓફ ફ્રેમના એક સભ્ય રહી ચૂક્યા છે તો પ્લેનેટરી સોસાયટીના એક સભ્ય પણ રહી ચૂક્યા છે.
૨૦૦૬માં સ્પેસ ફાઉન્ડેશને ઍલ્ડ્રિનને સર્વોચ્ચ સન્માન જનરલ જેમ્સ ઈ. હિલ લાઈફટાઈમ સ્પેસ અચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કર્યા. આ ઍવૉર્ડ અતિ વિશેષ વ્યક્તિઓને દર વર્ષે આપવામાં આવે છે, જેમણે જીવનભર માનવ કલ્યાણમાં યોગદાન આપ્યું હોય અને આ કાર્યમાં અંતરીક્ષના વિકાસ, અંતરીક્ષ તકનીક, જાણકારી, વિષયો અથવા અકાદમિકમાં સંશાધનો, સંસ્કૃતિ, કે માનવતાના ફાયદા માટે અન્ય ઔદ્યોગિક સંસાધનોનો ઉપયોગ કર્યો હોય.
ટેલિવિઝન ઉદ્યોગમાં યોગદાન આપવા માટે, બઝ ઍલ્ડ્રિનને હોલીવૂડ અને વાઈન પર હોલીવૂડ વોક ઓફ ફેમમાં એક સ્ટાર સાથે સન્માનિત કરવામાં આવ્યા. તેમને ૨૦૦૭માં ન્યૂ જર્સી હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા હતા.
આ તો માત્ર તેમના જીવનની એક ઝલક છે. તેમણે બાણુ વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યા એની ઘણા લોકોએ મજાક પણ ઉડાવી, પણ તેમની જિંદગીમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી છે એને કારણે તેમના માટે કહી શકાય: જીના ઈસી કા નામ હૈ!