ગુલામ નબી આઝાદનું કૉંગ્રેસમાંથી રાજીનામું

દેશ વિદેશ

નવી દિલ્હી: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે કૉંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.
સોનિયા ગાંધીને પાંચ પાનાનું રાજીનામુ મોકલનાર ગુલામ નબી આઝાદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા એવું કહેવાય છે. આ રાજીનામામાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે.
ગુલામ નબી આઝાદે એમ પણ જણાવ્યું હતું કે ભારત જોડોની જગ્યાએ કૉંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે. રાજીનામાના પત્રમાં તેમણે રાહુલ ગાંધી પર ખૂબ જ પ્રહારો કર્યા છે. તેમણે સોનિયાને સંબોધતા વધુમાં લખ્યું છે કે દુર્ભાગ્યથી જાન્યુઆરી ૨૦૧૩માં જ્યારે તમે રાહુલ ગાંધીને તમે પક્ષના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી તેમણે પક્ષના સલાહકાર તંત્રને પૂરું બરબાદ કરી દીધું છે. રાહુલના પ્રવેશ પછી સિનિયર અને અનુભવી નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. બિનઅનુભવી લોકો પોતાનું નવું જૂથ ઊભું કરી રહ્યા છે અને એ લોકો જ પક્ષ ચલાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ૨૦૧૩માં સાર્વજનિકરૂપે મીડિયા સામે સરકારી અધ્યાદેશ ફાડી નાખ્યો હતો એ અંગે આક્રોશ ઠાલવતા આઝાદે કહ્યું હતું કે આ એક બાલિશ અને અપરિપક્વ ઘટના હતી. ૨૦૧૪ની લોકસભાની હાર માટે તેમણે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય સંગઠનના સ્તરે ચૂંટણી પ્રક્રિયા નથી થઇ. સંપૂર્ણ સંસ્થાકિય ચૂંટણી પ્રક્રિયા એ માત્ર દેખાવ છે.
કૉંગ્રસની એક પછી એક રાજ્યમાં હાર થતાં અસંતુષ્ટ સભ્યોના જી-૨૩ ગ્રૂપની મીટિંગ પણ તેમના ઘરે યોજાઇ હતી. એ પછી પક્ષમાં નેતૃત્વને લઇને વિદ્રોહની અટકળો પણ તેજ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે આ દિગ્ગજ નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી ચૂક્યા છે. અગાઉ ૨૦૨૧માં આઝાદે રાજ્યસભામાંથી વિદાય લીધી ત્યારે મોદીએ પણ તેમની સાથેની દોસ્તીનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યસભામાંથી વિદાય લીધા બાદ તેઓ કોઇ મોટો ધડાકો કરે તેવી આશંકા તો રાજકીય વર્તુળમાં ચર્ચાતી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.