Homeઉત્સવગઝલગઢનું વહાણું ‘બેફામ’ શતાબ્દી સમારોહ ૨૫-૧-૨૦૨૩ના રોજ

ગઝલગઢનું વહાણું ‘બેફામ’ શતાબ્દી સમારોહ ૨૫-૧-૨૦૨૩ના રોજ

આજે આટલું જ -શોભિત દેસાઈ

ગઝલગઢમાં થતા વહાણાને ગાવાનો વખત આવ્યો,
ગુરુ બેફામના ગાણાને ગાવાનો વખત આવ્યો.
વાત છે ૧૯૭૪ના સપ્ટેમ્બરની. ઘણું બધું કરવાની હોંશ જાગવાની વયનો એક છોકરડો જિંદગીનાં ઉપલબ્ધ પર્યાય ફંફોસી રહ્યો છે. ગાવું ? અભિનય કરવો? વક્તૃત્વ ઉપર પ્રભુત્વ મેળવવું? વ્યસનોમાં વ્યસ્ત રહેવું? કે ભણવું (અચાનક એની નજર પડે છે દંતકથા જેવા દિલીપ ધોળકિયાનાં હારમોનિયમ પર ખુલ્લા પડેલા પુસ્તકનાં જમણાં પૃષ્ઠ ઉપર.
જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું
છે એનો કેફ કે હું ખાલી પ્યાલો ગટગટાવું છું
બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં
અને હું છું કે જીવનનાવ રેતીમાં ચલાવું છું.
છોકરડો વિચારે છે કે એના પિતાની જિંદગીથી સાવ અજાણી વ્યક્તિ, એ જિંદગી ઉપર આટલો સચોટ શેર કેવી રીતે સરજી શકે! અને એ છોકરડો જીવનના અર્થને પામતો પામતો સુપ્રસિદ્ધ વિનાયક વોરા દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો મુંબઈ તરફ ગતિ કરે છે. રેડિયો સ્ટેશનનાં પહેલાં માળની ઑફિસનાં ટેબલ પાછળ બેઠેલો એક સાદો, સરળ અને અત્યંત માયાળુ ચહેરો છોકરડાની અત્યંત પ્રાથમિક કક્ષાની ગઝલો સાંભળીને છોકરડાને નાસીપાસ ન કરવાના ઈરાદાથી હોંકારો દીધે જાય છે અને આ બાજુ છોકરડો પોતાના પ્રેરણાપુરુષ, આરાધ્ય વ્યક્તિવિશેષને પોતે લખેલું સંભળાવી શકવાનો મોકો ધરવા બદલ પરમાત્માથી રાજી થાય છે. આ પ્રેરણાપુરુષ એટલે પરમપૂજ્ય બરકત વિરાણી બેફામ અને છોકરડો એટલે જનાબ શોભિત દેસાઈ.
ગુજરાતી કવિતામાં એ સમયમાં ‘હાવા મમ કને તવ ઉરે’ પ્રકારની સુગાળવી બામણિયા ભાષા આથમવા ઉપર હતી અને નવી કવિતા ગણત્રીનાં અપૂર્વ અપવાદોને બાદ કરતાં ચેતનવિહીન વરતાતી હતી. ‘જલી ગયેલી મીણબત્તી પર ડૉક્ટર બેટરીનો પ્રકાશ ફેંકીને સૂર્ય સામે જુએ છે અને કહે છે: ‘સિફીલીસ’ જેવા વાક્યોને કવિતા તરીકે ખપાવવાના વાહિયાત પ્રયાસનાં એ દિવસો હતા. બસ એ જ ‘ટાણેે’ બેફામ સાહેબનું ‘માનસર’મને મળ્યું જે મારે માટે ગઝલની આખી સૃષ્ટિ લઈને આવ્યું; અને મેં ગાવાના, અભિનય કરવાના, વકતૃત્વ ઉપર પ્રભુત્વ મેળવવાના, વ્યસનોમાં વ્યસ્ત રહેવાના અને ભણવાના સર્વ મનસુબાને તિલાંજલિ આપી દીધી. બધી મૂંઝવણો ધોઈને જિંદગી ગઝલને અર્પણ કરી દીધી. ‘તારે ઝમીન પર’ તો ઠેઠ ૨૦૦૭માં આવ્યું અને અનહદ ગમ્યું પણ ત્યાં સુધીમાં તો જિંદગી અતિશય સમૃદ્ધ બની જ ગયેલી, માત્ર વિચારી શકાય એવા ઐશ્ર્વર્યમાં આળોટતો થઈ જ ગયેલો, બોલું એ વેદવાક્ય ઘણી જગ્યાએ ગણાવા જ માંડેલું, વડા પ્રધાન ને મુખ્ય પ્રધાનો – અવ્વલ ઉદ્યોગપતિઓ – ઉત્કૃષ્ટ અભિનેતા-અભિનેત્રીઓ અને દીવાન-એ-આમ તેમજ દીવાન-એ-ખાસ મારા આભામંડળનો ભાગ બની જ ચૂક્યા હતા. અને આ સર્વનું શ્રેય જાય છે મારા બેફામ સાહેબને.
આજે જ્યારે થોડીક ઉત્તમ, ઘણી સારી અને કેટલીક ખરાબ ગઝલો મારે નામે જમા છે; હજ્જારો સફળ કાર્યક્રમ પાર પાડીને માત્ર મૌલિક સર્જનને ખોળે ખોળિયું ધરી દીધું છે આજે; સુંદર મિત્રો અને મોટા ગજાનાં દુશ્મનોથી જીવન ભર્યું ભર્યું છે આજે અને હર નવી પળ આવનારી પળ કરતાં સહેજ વધુ રૂપાળી બનીને આવતી જાય છે આજે; ત્યારે હું શોભિત દેસાઈ આટલું બધું આપનારી જિંદગીને ચરણે, સાટુ વાળી આપવાનાં ઈરાદાથી ગુજરાતી ગઝલનાં ચમત્કાર જનાબ બરકત વિરાણી ‘બેફામ’ના ‘મુંબઈ સમાચાર’ આયોજિત શતાબ્દી મુશાયરામાં આપને પધારવાનું હાર્દિક આમંત્રણ પાઠવું છું.
‘મને તું સ્થાન સ્મિતનું નહિ તો અશ્રુની જગા દેજે’
‘તું મારી હસ્તીને રોકે નહીં તો વહિ જવા દેજે.’
ૄૄૄ
વૃક્ષો ઉગાડે છે
જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે;
ધરે છે હુશ્ન પરદાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે.
પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે,
ઘણાં પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે.
જીવનનો કેફ કઈ રીતે મળે આ દંભી દુનિયામાં?
કોઈ પીતું નથી, સૌ એ ફક્ત હોઠે લગાડે છે.
જગતના દુ:ખથી ત્રાસ્યા હો, તો દુ:ખ રાખો મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
ભલા, આ શ્ર્વાસ પણ કેવો જીવનનો બોજ છે કે સૌ
ઉપાડીને મૂકી દે છે, મૂકી દઈને ઉપાડે છે.
સ્વમાન એવું કે શીતળતા નથી મળતી સહારામાં,
હું જો બેસું છું પડછાયા નીચે, એ પણ દઝાડે છે.
કિનારે જઈને પણ મારે તો છે અસ્તિત્વ ખોવાનું,
સમંદરમાં મને તોફાન, તું મિથ્યા ડૂબાડે છે.
અહીં ‘બેફામ’ જીવતાં તો કદી છાંયો નહીં મળશે,
અહીંના લોક કબરોની ઉપર વૃક્ષો ઉગાડે છે.
– બેફામ
આજે આટલું જ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular