ઘાટકોપરના મિલન શોપિંગ સેન્ટરને ખાલી કરાવવાની નોટિસથી વેપારીઓમાં ફફડાટ: આજે બેઠક : રિપેરિંગ કરાવવા તૈયાર, પરંતુ પાલિકાની આડોડાઈ

આમચી મુંબઈ

અઠવાડિયા પહેલાં અહીંની એક બિલ્ડિંગનો નાનકડો હિસ્સો પડ્યો હતો ક શોપિંગ સેન્ટરમાં ૮૦ દુકાનો છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પશ્ર્ચિમમાં સ્ટેશન પાસે આવેલી મિલન શોપિંગ સેન્ટરમાં આવેલી નારાયણદાસ મોરારજી બિલ્ડિંગનો એક નાનકડો હિસ્સો અઠવાડિયા પહેલાં તૂટી પડવાને કારણે જોખમી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને મિલન શોપિંગ સેન્ટર ખાલી કરવા માટે પાલિકાએ બે દિવસ પહેલાં નોટિસ ફટકારી હતી. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે બિલ્ડિંગના માલિકને રિપેરિંગ કરવા માટેની વાતચીત ચાલી રહી હતી, પણ પાલિકાના અધિકારીઓ દ્વારા તેઓને મંજૂરી મળી રહી નહોતી, એવું સેન્ટરના એક વેપારીએ કહ્યું હતું.
મિલન શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે વાતચીત કરતાં એવું જાણવા મળ્યું હતું કે શોપિંગ સેન્ટરની અંદર જે નારાયણદાસ બિલ્ડિંગ આવેલું છે તેના રિપેરિંગની વાત માલિકો સાથે કરવામાં આવી હતી, પણ તેઓનો કોઇ જવાબ મળતો ન હોવાથી આખરે વેપારીઓએ પોતાના પૈસા બિલ્ડિંગ રિપેરિંગ કરવાનું નક્કી કર્યું હતું. શોપિંગ સેન્ટરમાં ૮૦ વેપારીઓ છે અને તમામ લોકોએ દોઢ લાખ રૂપિયા ઉઘરાવીને ગયા વર્ષે બિલ્ડિંગ રિપેરિંગ કરવાનું કામ શરૂ કરાવ્યું હતું, પણ પાલિકાએ કોઇ ને કોઇ વાંધાવચકા કાઢીને બિલ્ડિંગના રિપેરિંગના કામને અટકાવી દીધું હતું. એક વેપારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે બિલ્ડિંગમાલિક અને પાલિકા વચ્ચેની સાઠગાંઠને કારણે રિપેરિંગના કામમાં રોડા નાખવામાં આવી રહ્યા હતા.
અઠવાડિયા પહેલાં ૧૫મી જુલાઈના રોજ બિલ્ડિંગનો એક નાનકડો હિસ્સો નીચે પડવાની જાણ પાલિકાને કરવામાં આવ્યા બાદ પાલિકાએ તાબડતોબ નોટિસ ફટકારીને બિલ્ડિંગ સી-વન કેટેગરીનું હોવાનું જણાવીને વેપારીઓની તેમની દુકાન ખાલી કરાવા માટે જણાવ્યું હતું. આ અંગે ઘાટકોપર વેપારી એસોસિયેશનના પ્રમુખ ખીમજીભાઈ છાડવાને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે બધા વેપારીઓ મંગળવારે રાતે ભેગા મળીને આગળની રૂપરેખા નક્કી કરશે. બુધવારે ટેગ કમિટીનો શો અહેવાલ આવે છે, તેના પછી જ કોઇ નિષ્કર્ષ પર ઊતરી શકાય.
ઘાટકોપર સ્ટેશનની સૌથી નજીક આવેલા આ શોપિંગ સેન્ટરને ખાલી કરવાની વાતથી વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. ઘાટકોપરના એમજી રોડ વિસ્તારમાં આવેલા આ સેન્ટરમાં ભારે પ્રમાણમાં ભીડ ઊમટતી હોય છે. સેન્ટરની બહાર અને આસપાસ ફેરિયાઓનો ત્રાસ એટલો બધો છે કે વાહનચાલકોને અહીંથી પસાર થવા માટે ખાસ્સો સમય બગડી જતો હોય છે. અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ આ મુદ્દાને ઉકેલી નથી શક્યા, જ્યારે પાલિકાએ પણ હંમેશાં આંખ આડા કાન જ કર્યા છે. વેપારીઓની મુશ્કેલીને દૂર કરવાની વાત તો દૂર રહી પણ પાલિકા હંમેશાં વેપારીઓને જ કનડી રહી હોવાનો ઘાટ અહીં સર્જાયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.