ઘાટકોપર મિલન શોપિંગ સેન્ટર વેપારીઓનું વેઈટ ઍન્ડ વૉચ

આમચી મુંબઈ

ટેક કમિટીનો અહેવાલ મળે ત્યાં સુધી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પશ્ર્ચિમના સ્ટેશનની નજીક આવેલા મિલન શોપિંગ સેન્ટરને ખાલી કરવાની પાલિકાની નોટિસ બાદ મંગળવારે રાતે વેપારીઓની બેઠક થઇ હતી. પાલિકાની ટેક કમિટી દ્વારા અહેવાલ આવ્યા બાદ જ કોઇ નિર્ણય પર ઊતરી શકાય એમ છે, એવું શોપિંગ સેન્ટરના એક વેપારીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.
અઠવાડિયા પહેલાં મિલન શોપિંગ સેન્ટરમાં આવેલા નારાયણદાસ મોરારજી બિલ્ડિંગનો એક નાનકડો હિસ્સો તૂટી ગયા બાદ આ બિલ્ડિંગ જોખમી હોવાનું કહીને પાલિકાએ મિલન શોપિંગ સેન્ટરને ખાલી કરવાની નોટિસ પાઠવી હતી. આને કારણે અનેક વર્ષોથી વેપારધંધો કરી રહેલા વેપારીઓની ચિંતામાં વધારો થયો હતો અને આગળ શી રણનીતિ ઘડવી તે માટે મંગળવારે એક બેઠક બોલાવવામાં આવી હતી.
આ અંગે ઘાટકોપર વેપારી એસોસિયેશનના પ્રમુખ ખીમજીભાઈ છાડવાએ ‘મુંબઈ સમાચાર’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં તો અમે સાવ અંધારામાં છીએ. જોકે ટેક કમિટીનો અહેવાલ હાથમાં આવ્યા બાદ જ વેપારીઓ આગળની વ્યૂહરચના ઘડશે. ઘાટકોપર પૂર્વના ‘એન’ વોર્ડમાં મંગળવારે આ અંગે અમે માહિતી લેવા ગયા ત્યારે તેઓએ અમને ગુરુવારે ટેક કમિટીનો અહેવાલ આવશે, એવું જણાવવામાં આવ્યું હતું. ખીમજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ ઈમારતને સી-ટુ-એ કેટેગરીનું સર્ટિફિકેટ પાલિકાએ આપ્યું છે. તેથી આ પરિસર આખો ખાલી કરવો પડશે જ એવું અમને પાલિકાએ કહ્યું છે. સી-ટુ-એ કેટેગરીમાં આવનારી ઈમારતનો અમુક જોખમી ભાગ તોડીને તેનું સમારકામ કરી શકાય, ત્યાર બાદ તેને વપરાશમાં લઈ શકાય. જોકે હવે આગળ શું કરવામાં આવવાનું છે અને વેપારીઓએ આગળ શું કરવાનું છે તે ટેક કમિટીનો રિપોર્ટ પર આધાર રાખે છે.
વર્ષોથી મિલન શોપિંગ સેન્ટરમાં વેપારીઓ ધંધો કરી રહ્યા છે. વર્ષોથી ગ્રાહકો બંધાયેલા છે. ત્યારે હવે અચાનક આ જગ્યા ખાલી કરવી પડે તો વેપારીઓના ધંધાને ભારે નુકસાન થઈ શકે છે. તેની અત્યારથી વેપારીઓને ચિંતા થઈ રહી છે. આ દરમિયાન એવા પણ આરોપ થયા હતા કે વેપારીઓએ પૈસા કાઢીને જોખમી ઈમારત રિપેર કરાવાનું ચાલુ કર્યું હતું, પણ એમાં અવરોધ લાવવામાં આવી રહ્યા હતા. આ બાબતે મકાનમાલિકને સંપર્ક કરવામાં આવતાં તેમના તરફથી કોઈ જવાબ મળી શક્યો નહોતો.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.