હાઇ કોર્ટે બળાત્કારના કેસમાં અગાઉ વેપારીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મૉડેલિંગ ક્ષેત્રમાં કાર્યરત પુણેની યુવતી પર બળાત્કાર ગુજારવાના કેસમાં ઘાટકોપરના ગુજરાતી વેપારી અને શેરબ્રોકર જિજ્ઞેશ મહેતાના મંજૂર કરાયેલા આગોતરા જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રદ કરવામાં આવ્યા હતા.
બે જજની ખંડપીઠે અન્ય કેસમાં ત્રણ જજની ખંડપીઠે કરેલા અવલોકનોને ટાંકતાં જણાવ્યું હતું કે ફોજદારી ખટલામાં ભાગ લેવાનો ફરિયાદીને અધિકાર છે એ તપાસની સ્થિતિ જાણવાનો તેમ જ જરૂરી પગલાં લેવાનો અથવા જામીન આપવા કે રદ કરવાના સમય સહિત ફોજદારી કાર્યવાહીના દરેક મહત્ત્વપૂર્ણ તબક્કામાં તેને સાંભળવામાં આવે એ તેનો અધિકાર છે, જેની મુંબઈ હાઇ કોર્ટે અવગણના કરી તેથી તેના દ્વારા આપવામાં આવેલા આગોતરા જામીન આપતા આદેશને રદ કરવામાં
આવે છે. સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે ફરિયાદીએ તેના કેસમાં તપાસ અધિકારીઓ દ્વારા કઇ રીતે બેદરકારી દાખવાઇ તેની સમયાંતરે ફરિયાદ કરી છે.
પુણેમાં રહેતી ફરિયાદી યુવતી ૩૦ જુલાઇ, ૨૦૨૨ના રોજ ચેમ્બુરની રેસ્ટોરાંમાં આવી હતી ત્યારે તેની મુલાકાત જિજ્ઞેશ મહેતા સાથે થઇ હતી. યુવતી મૉડેલિંગ કરતી હોવાનું જાણ્યા બાદ મહેતાએ તેને જાહેરાત બાબતે પૂછ્યું હતું અને યુવતીએ એ માટે હા પાડી હતી. બંનેએ બાદમાં એકબીજાના મોબાઇલ નંબર શૅર કર્યા હતા. ૩૧ જુલાઇએ બંને ફરી રેસ્ટોરાંમાં મળ્યાં હતાં અને તેમની વચ્ચે કામ બાબતે ચર્ચા થઇ હતી. બીજે દિવસે યુવતી પુણે જતી રહી હતી અને બાદમાં બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી.
દરમિયાન ૪ ઓગસ્ટે મહેતાએ યુવતીનો સંપર્ક સાધ્યો હતો અને પ્રોડ્યુસર સાથે મુલાકાત કરાવી આપવાનું કહીને તેને મુંબઈ બોલાવી હતી. આથી યુવતી ૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ અંધેરી પૂર્વની હોટેલમાં આવી હતી, જ્યાં મહેતા તેને મળ્યો હતો અને અંગત વાતો કરવી છે, એવું કહીને યુવતીને તે હોટેલની રૂમમાં લઇ ગયો હતો, જ્યાં તેણે યુવતી સાથે અશ્ર્લીલ હરકત કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતાં તેણે તેનું ગળું પકડીને મારવાની ધમકી આપી હતી. યુવતી બાદમાં મહેતાને ધક્કો મારી બહાર દોડી આવી હતી અને પોલીસ ક્ધટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ ત્યાં આવ્યા બાદ બંનેને એમઆઇડીસી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યાં હતાં.
પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવાને બદલે યુવતીને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હતી અને મહેતા પ્રભાવશાળી તથા ધનાઢ્ય હોવાથી મામલાની પતાવટ માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવતીએ ઇનકાર કરતાં મહેતા વિરુદ્ધ વિનયભંગનો ગુનો દાખલ કરાયો હતો. ધરપકડ બાદ મહેતાને કોર્ટમાં હાજર કરાતાં તેના જામીન મંજૂર કરાયા હતા.
દરમિયાન યુવતીએ ન્યાય મેળવવા માટે ડીસીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો, જેને પગલે એમઆઇડીસી પોલીસે યુવતીનું નિવેદન નોંધી બળાત્કારની કલમ ઉમેરી હતી. પોલીસે ત્યાર બાદ મહેતાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. બીજી તરફ મહેતાએ દિંડોશી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે ફગાવી દેવાતાં તેણે હાઇ કોર્ટમાં ધા નાખી હતી અને હાઇ કોર્ટે તેના આગોતરા જામીન મંજૂર કર્યા હતા અને માત્ર ત્રણ દિવસ ત્રણ કલાક પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનું કહ્યું હતું. જોકે કોર્ટે યુવતીની મધ્યસ્થી અરજી સાંભળી નહોતી. આથી યુવતીએ સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે અરજી કરી હતી.
અહીં સુનાવણી દરમિયાન યુવતીના વકીલે જણાવ્યું હતું કે આરોપી ધનાઢ્ય અને પ્રભાવશાળી વેપારી છે, જેણે આવા ગંભીર ગુનામાં એફઆઇઆર નોંધાવવા વિલંબ કરવા પ્રભાવનો ઉપયોગ કર્યો હતો અને હવે તેને આગોતરા જામીન મળતાં ફરિયાદીને રોકવા માટે સાક્ષીદારો પર પ્રભાવ પાડી શકે છે. વકીલે એમ પણ કહ્યું હતું કે આરંભથી પોલીસે પૂર્વગ્રહ રાખ્યો હતો અને ફરિયાદીની ફરિયાદને હલકામાં લીધી હતી. ઉપરાંત હાઇ કોર્ટે પણ આરોપની ગંભીરતા ધ્યાનમાં લીધી નહોતી. મધ્યસ્થી અરજી કરવા છતાં ફરિયાદીને સાંભળવામાં આવી નહોતી.
તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ૧૭ માર્ચ, ૨૦૨૩ના રોજ મહેતાના આગોતરા જામીન રદ કરીને નોંધ્યું હતું કે સેશન્સ કોર્ટે ફરિયાદીના વકીલને સાંભળ્યા બાદ આગોતરા જામીન રદ કર્યા હતા. આરોપીએ રજૂ કરેલી આગોતરા જામીનની અરજીનો વિરોધ કરવામાં અને ફરિયાદીની રજૂઆત સાંભળવાનો ફરિયાદીનો હક છે તે ધ્યાનમાં લેવામાં મુંબઈ હાઇ કોર્ટ નિષ્ફળ ગઇ હતી.