રંગીન ઝમાન -હકીમ રંગવાલા
તેલગુ ભાષાની સુપરહિટ ફિલ્મ પરથી ક્ધનડ ફિલ્મ બની અને એ જ ફિલ્મની હિન્દી ભાષામાં રિમેક બોની કપૂરે બનાવી. મૂળ તેલગુ ફિલ્મ ડિરેક્ટ કરનાર બાપુને જ આ ફિલ્મનું ડિરેક્શન સોંપ્યું અને ફિલ્મનું શીર્ષક ‘હમ પાંચ’ રાખ્યું. બાપુ એક પ્રતિભાસંપન્ન આર્ટિસ્ટ હતા. એમનું મૂળ નામ સતિરાજુ લક્ષ્મીનારાયણ હતું અને મદ્રાસમાં જન્મેલા તમિળ હતા. ડિરેક્શન ઉપરાંત પેઇન્ટિંગ અને કાર્ટૂન બનાવવાની કલામાં પણ બાપુ માહિર હતા. સાઉથમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલાં અને પદ્મશ્રીથી પણ સન્માનિત થયા હતા. માયથોલોજી એમના રસનો વિષય હમેશાં રહ્યો અને આ ફિલ્મ ‘હમ પાંચ’ પણ મહાભારત પ્રેરિત હતી.
કુદરતનો સહજ સ્વીકાર ખરેખરા ધર્મની પૂર્વશરત છે, પણ આજે સંપ્રદાય બની બેઠેલા કહેવાતા ધર્મો આ શરતનું પાલન કરી શકતા નથી! અરે, અમુક કહેવાતા ધર્મ-સંપ્રદાયો તો ખુદ કુદરતનો જ નિષેધ કરી દે એવી આજ્ઞા-ફરમાનો ધર્મના નામે કરતા રહે છે! એક માત્ર સનાતન હિંદુ ધર્મ જ આ બાબતે સત્ય છે અને તેથી જ આજની આધુનિક દુનિયામાં પણ કોઈ વ્યક્તિને ‘ધર્મ અભ્યાસ’ કરવો હોય તો ભારત અને હિંદુ ધર્મ વગર તેવો અભ્યાસ શક્ય નથી!
‘મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી!’ એવી એક વાત વર્ષોથી ગુંજી રહી છે સાહિત્ય, કળા અને ફિલ્મોના જગતમાં. આ વાત સંપૂર્ણ સત્ય છે, કારણકે મહાભારતમાં એટલી બધી કથાઓ, પેટા કથાઓ અસ્તિત્વ ધરાવે છે કે આજની આધુનિક દુનિયામાં બનતા દરેક બનાવો અને દરેક માનવ સ્વભાવો ઉપરાંત અવનવી વિશેષતા ધરાવતા માનવ પાત્રો વિશે શોધખોળ કરવા બેસો અભ્યાસુ દ્રષ્ટિ લઈને તો એ બધાના મૂળ મહાભારતમાં નીકળશે!
આજે તો આ ફિલ્મના કલાકારોની યાદી જોઈને જ આશ્ર્ચર્ય થઈ આવે એવા એવા મહારથીઓ એક સાથે પરદા પર ઊતર્યા હતા. સંજીવકુમાર, મિથુન ચક્રવતી, રાજ બબ્બર, નસીરુદ્દીન શાહ, દીપ્તિ નવલ, શબાના આઝમી, અરૂણા ઈરાની, ગુલશન ગ્રોવર અને અમરીશ પુરી. ગુલશન ગ્રોવરની આ પ્રથમ ફિલ્મ હતી. ઠેઠ ૧૯૩૯માં મહેબૂબખાનની ‘ઔરત’ ફિલ્મમાં સુખિલાલાનું પાત્ર ભજવનાર કનૈયાલાલ જે મહેબૂબખાનની પોતાની ‘ઔરત’ ફિલ્મની રિમેક ‘મધર ઇન્ડિયા’માં પણ સુખિલાલા બન્યા હતા અને આખી જિંદગી સુખિલાલના પાત્રમાં જ હિન્દી ફિલ્મોમાં જીવી ગયા એ કનૈયાલાલ પણ આ ફિલ્મમાં લાલા નૈનસુખપ્રસાદ શ્રીવાસ્તવની ભૂમિકામાં હતા અને એ. કે. હંગલ પંડિતની ભૂમિકામાં હતા.
આનંદ બક્ષીનાં ગીતો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનાં સંગીતમાં ફિલ્મમાં કુલ આઠ ગીતો હતા. એમાંથી ચાર ગીતોના ગાયક મહમદ રફી હતા અને ‘હમ પાંચ પાંડવ યે શકુની મામા…’ ગીતમાં સુરેશ વાડકર, અનવર, અમિતકુમાર અને શૈલેન્દ્ર સિંઘનો અવાજ હતો, લતાજી સાથે અમિતકુમાર નું ગીત ‘કા જાનુ મેં સજનીયા, ચમકેગી કબ ચંદનીયા ઘર મેં ગરીબ કે…’ ઉપરાંત એક ગીત મહેન્દ્ર કપૂરના અવાજમાં હતું ‘આતી હૈ પાલખી સરકાર કી, જય હો જય હો જમીનદાર કી…’ આ ગીતની વિશેષતા એ છે કે ગીત-લેખક તરીકે કિશોરકુમાર હતા! એક પણ ગીતના ગાયક કિશોરકુમાર ન હોવા છતાંય એક ગીતના સહલેખક તરીકે આનંદ બક્ષી સાથે કિશોરકુમારનો
ઉલ્લેખ છે. હિન્દી પટકથા રાહી માસૂમ રઝાએ લખેલી. સંજીવકુમારના પાત્રનું નામ ક્રિશ્ના અને મિથુનના પાત્રનું નામ ભીમા હતું. જમીનદારી સિસ્ટમની સામેની લડત અને એ લડતમાં જીત એ મુખ્ય સૂર છે વાર્તાનો અને એક રસપ્રદ વાત એ બનેલી કે બોની કપૂરને વિલનની ભૂમિકામાં શોલેનો ગબ્બર જ જોઈતો હતો પણ અમજદ ખાનને સાઈન કરવાનું બજેટ નહોતું એટલે એ ભૂમિકામાં અમરીશ પુરીને લીધો હતો. પાંચ પાંડવ બનીને જમીનદારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવતા, અન્યાય વિરુદ્ધ મોરચો માંડતા પાત્રોમાં એક અન્જાન કલાકાર ઉદયચંદ્ર પણ હતો.
૧૯૮૦ની કોમર્શિયલ સુપરહિટ ફિલ્મ આજે તો ક્લાસિક ફિલ્મ બની ગઈ છે અને હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં હકપૂર્વક સ્થાન મેળવી લીધું છે.