આ વરસાદમાં ઝેરી કેમિકલ વગર માખીઓથી છુટકારો મેળવો

વીક એન્ડ

પ્રાસંગિક-અનંત મામતોરા

વર્ષાઋતુને કવિઓએ, સાહિત્યકારોએ ખૂબ વખાણી છે, પણ ગૃહિણીઓ માટે વર્ષાઋતુ મુસીબત લઈને આવે છે. આ ઋતુમાં ઘરની સ્વચ્છતા પાછળ અન્ય દિવસો કરતાં વધારે સમયનો ભોગ આપવો પડે છે. મચ્છર-માખીઓનો વધતો ઉપદ્રવ ઘરમાં લોકોને પરેશાન પણ કરે છે અને બીમારીઓનું કારણ પણ બને છે. વરસાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓનો ભય વધી જાય છે. મોટે ભાગે આ બધી બીમારી માખીઓથી ફેલાય છે. માખીઓને દૂર કરવા તમે આ નેચરલ ઉપાયો અપનાવી શકો છો. એનાથી તમારા ઘરમાં માખીઓ પણ નહીં આવે અને ઘર સાફસૂથરું રહેશે.
ચમસામાં ભેજ વધી જવાથી ઘરમાં ફરતી માખીઓનો ઉપદ્રવ વધે છે, કેમ કે તેમના પ્રજનનની સંભવનો વધી જાય છે. ખુલ્લા ભોજન પર બણબણતી માખીઓ આપણને ગમે તો નહીં જ, પણ સાથે એ ટાઇફોઇડ, કોલેરા, ઝાડા અને ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ જેવી બીમારીઓને પણ ઘરમાં લાવે છે. એ કચરાના ઢગલા પરથી ગંદકી અને બેક્ટેરિયા ઉપાડીને આપણાં ઘરોમાં ભોજન અને બીજી સપાટીઓ સુધી લઈ આવે છે. આનાથી બચવા આપણે મોટે ભાગે કેમિકલયુક્ત રેપેલેન્ટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ચાલો, આજે જાણીએ ઘરે જ નેચરલ રેપેલેન્ટ બનાવવાના માર્ગો.
ઘરમાં ફરતી માખીઓ મોટે ભાગે પંદરથી વીસ દિવસ સુધી જીવિત રહે છે, પરંતુ એમનો ઇન્ક્યુબેશન પીરિયડ ખૂબ ઝડપી હોય છે. એમને ઈંડાં સેવતાં આઠથી વીસ કલાકનો સમય લાગે છે અને ત્રણ અઠવાડિયાંથી ઓછા સમયમાં એ પરિપક્વતા સુધી પહોંચી જાય છે. બીમારીની સંભાવનાઓ ઓછી કરવા જેટલો બને એટલો જલદી માખીઓથી છુટકારો મેળવવો જરૂરી છે.
જોકે આને દૂર કરવાવાળાં મોટા ભાગનાં કોમર્શિયલ પેસ્ટ રેપેલેન્ટ સ્પ્રેમાં કેમિકલ અને કૃત્રિમ ગંધ હોય છે, જે ઘરની અંદરની હવાને પ્રદૂષિત કરે છે. જે લોકોને શ્ર્વસન સંબંધિત કોઈ સમસ્યા હોય એમને આ ગંધથી માથું દુખવું, ઊલટી, અસ્થમા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
નાનાં બાળકો અને પાળતું જાનવરોવાળાં ઘરોમાં પણ આ પેસ્ટ સ્પ્રે ન વાપરવું જોઈએ. જોકે તમે આને દૂર કરવા માટે ફ્લાઈ સ્વેટરનો ઉપયોગ કરી શકો છો, પણ અમે તમારા માટે ઘરને સ્વચ્છ અને માખીઓ મુક્ત રાખવા કેટલાક પ્રાકૃતિક અને સરળ ઉપાયો લઈને આવ્યા છીએ.
કચરાપેટીને ઢાંકીને રાખો
ઘરેલુ માખીઓને એક સરસ રીતે ભરેલી કચરાપેટી પસંદ હોય છે! એક ખુલ્લી કચરાપેટી એમની પહોંચ અને પ્રજનન બંનેને સરળ બનાવે છે. વરસાદમાં બધી કચરાપેટીને બરાબર બંધ કરીને રાખો. ખાસ કરીને ભીના કચરાને બંધ રાખવો જોઈએ. એવી જગ્યામાં કચરાનો ડબ્બો ન રાખવો જ્યાં વરસાદનું પાણી આવતું હોય. ભીના કચરાને ખાલી કરીને માખીઓને દૂર રાખી શકાય છે. આનાથી ભેજ, ફંગસ અને કીડાઓને ઉત્પન્ન થતાં રોકી શકાય છે. સાથે જ આની આજુબાજુ નેચરલ રેપેલેન્ટનો ઉપયોગ કરો.
ખાતરના ડબ્બાનું રાખો ધ્યાન
ગરમી અને ભેજને કારણે માખીઓ અને કીડા ખાતરના ડબ્બા તરફ આકર્ષાય છે. જો તમારી પાસે ઘરમાં કમ્પોસ્ટ બિન હોય તો એને હંમેશાં ઢાંકીને રાખો. જો તમે ખાતરનો ડબ્બો બાલ્કનીમાં રાખતા હો તો તેને રેઇનકોટ અથવા વોટરપ્રૂફ પ્લાસ્ટિક શીટથી ઢાંકી દો.
નિયમિત રીતે ભેજના સ્તરને સંતુલિત કરીને ખાતરને વધારે ભીનું થતાં રોકો. સૂકાં પાંદડાં અથવા કાગળના ટુકડાને મિશ્રણમાં નાખીને વધારાનો ભેજ શોષી શકાય છે અને ખાતરને સડવાથી બચાવી શકાય છે.
ખાવાનું અંદર સ્ટોર કરો
કહેવાની જરૂર નથી કે ખુલ્લું મૂકેલું ભોજન ખાસ કરીને માખીઓનો પ્રિય ખોરાક છે. એટલે ક્યારેય પણ માંસ, પાકેલાં ફળ, શાકભાજી અથવા ભોજનને ખુલ્લું ન મૂકો. ખાવાનું ફ્રિજમાં સ્ટોર કરો અને જો બહાર હોય તો તેને ઢાંકણા કે કપડાથી ઢાંકીને રાખો.
બગીચામાં લગાડેલા હર્બ્સ નેચરલ રેપેલેન્ટનું કામ કરે છે
ફુદીનો, રોઝમેરી અને તુલસીના છોડ સહિત કેટલાંય હર્બ્સ અને જડીબુટ્ટી એમની તીવ્ર સુગંધને કારણે રેપેલેન્ટ જેવું કામ કરે છે. ગલગોટા જેવા ફૂલવાળા છોડ પણ પેસ્ટ રેપેલેન્ટ જેવું કામ કરે છે. સિટ્રોનેલા, લેમન ગ્રાસની જેમ એક ઘાસ, માખીઓ અને મચ્છરોને દૂર રાખવા માટે બહુ સારું હોય છે.
ઘરે કેવી રીતે બનાવશો નેચરલ રેપેલેન્ટ?
કેટલાક સાવ સરળ ઘરગથ્થુ ઉપચારો કુદરતી રેપેલેન્ટનું કામ કરે છે.
પાણીથી ભરેલી પ્લાસ્ટિક બેગ
ભલે આ ફક્ત પાણીથી ભરેલી બેગ છે, પણ તમને આશ્ર્ચર્ય થશે કે આ કોઈ જલદ કેમિકલ સ્પ્રે અથવા આર્ટિફિશિયલ સુગંધ વગર ઘરેલુ માખીઓને ભગાડવામાં ખરેખર કારગત છે. એક પારદર્શક પ્લાસ્ટિકની થેલીને પાણીથી અડધી ભરો અને બેગના મુખને રબર બેન્ડથી બાંધી દો. હવે રબર બેન્ડની ચારે બાજુ સ્ટ્રિંગ અથવા સૂતળીનો એક ટુકડો બાંધો, જેનાથી એક લૂપ બની જાય. લૂપવાળા છેડાનો ઉપયોગ કરતાં બેગને તમારા રસોડા, બાથરૂમ, બાલ્કની અથવા ઘરના કોઈ પણ એવા ખૂણામાં લટકાવી દો જ્યાં માખીઓનો ઉપદ્રવ હોય.
પાણીથી ભરેલી બેગ પ્રકાશને પરાવર્તિત કરે છે, તેના ફોર્સ અને વેલોસિટીને બદલી નાખે છે. તેના કારણે સામાન્ય રીતે એક સીધી રેખામાં આવતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈને ત્રાંસું થઈ જાય છે. આવી રીતે નજીક આવવાવાળી માખીના જટિલ ઓપ્ટિકલ તંત્રને ભ્રમિત કરવામાં આવે છે.
વિનેગર અને વાસણના સાબુનું મિશ્રણ
વાસણના સાબુ અને એપલ સિડર વિનેગરનું મિશ્રણ એક નેચરલ રિપેલેન્ટ થઈ શકે છે. એક વાટકી અથવા ગ્લાસમાં થોડાં ટીપાં ડિશ વોશર લિક્વિડ અને સાથે લગભગ એક ચમચો વિનેગર મિક્સ કરો. ગ્લાસના મોઢાને રબર બેન્ડની મદદથી પ્લાસ્ટિકથી ઢાંકી દો. પ્લાસ્ટિક શીટ પર થોડાં કાણાં પાડો. મિશ્રણથી આકર્ષિત થઈને માખીઓ છિદ્રમાં પ્રવેશ કરશે, પણ ડિશ સાબુ એને વિનેગર પર બેસતાં રોકશે અને આમ એ મિશ્રણમાં ડૂબી જશે.
પ્લાસ્ટિક બોટલ ટ્રેપ
સોફ્ટ ડ્રિન્કની બોટલનો ઉપરનો ત્રીજો ભાગ કાપો. બોટલના નીચેના ભાગમાં સાકરનું પાણી અથવા કોઈ મીઠું પાણી નાખો. ત્યાર બાદ ઉપરનો કાપેલો કોન આકારનો ભાગ ઊંધો કરીને તેના પર મૂકી દો. મીઠાશથી ખેંચાઈ આવેલી માખીઓ બોટલમાં ઘૂસી જશે, પણ બહાર નીકળવાનો રસ્તો નહીં શોધી શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.