(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંંટણી પંચ દ્વારા શિવસેના પક્ષનું નામ અને ધનુષ્ય-બાણનું ચિહ્ન એકનાથ શિંદેના જૂથને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો તેના પડઘા શનિવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન માતોશ્રીની બહાર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો માતોશ્રીની બહાર એકઠા થયા હતા અને આ પ્રસંગે કારનું સનરૂફ ખોલીને ઊભા રહીને ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને સંબોધ્યા હતા. જેને કારણે શિવસૈનિકોને તેમના પિતા બાળ ઠાકરે દ્વારા ફેબ્રુઆરી, ૧૯૬૬માં કારના બોનેટ પર ઊભા રહીને સૈનિકોને સંબોધ્યા તેની યાદ આવી ગઈ હતી. ઠાકરેએ કહ્યું હતું કે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાણી લેવું જોઈએ કે તેઓ ગુલામ બની ગયેલી બધી જ યંત્રણાનો ઉપયોગ કરીને પણ શિવસેનાને ક્યારેય ખતમ કરી શકશે નહીં. તમે ગભરાઈ ગયા છો? મારી પાસે તમને આપવા માટે કશું જ નથી, એવો સવાલ તેમણે એકઠા થયેલા લોકોને પૂછ્યો હતો અને તેના જવાબમાં ભેગા થયેલા કાર્યકર્તાઓએ કહ્યું હતું કે ના. તેમણે ઠાકરેને દિશાનિર્દેશ આપવાની અપીલ કરી હતી. જ્યાં સુધી આપણા ચિહ્ન અને નામ છીનવી લેનારાને ચૂંટણીમાં પાઠ ન ભણાવીએ ત્યાં સુધી આપણે આરામ કરવાનો નથી, એમ ઠાકરેએ કહ્યું હતું. મહાશિવરાત્રિ શનિવારે છે અને શિવજયંતી રવિવારે છે ત્યારે આ જ દિવસ પસંદ કરીને શિવસેનાનું નામ અને ચિહ્ન છીનવી લેવામાં આવ્યા છે. એ લોકોએ મધપૂડા પર પથ્થર માર્યો છે, પરંતુ તેમણે મધમાખીના ડંખ સહન કર્યા નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ચોરેલા ધનુષ્ય-બાણને જીરવી શકશે નહીં. જેવી રીતે રામાયણમાં રાવણ શિવધનુષ ઉઠાવી શક્યા નહોતા તેમ એકનાથ શિંદે પણ સફળ થશે નહીં. આની પહેલાં આવા પ્રકારના વિવાદમાં ક્યારેય ચૂંટણી પંચે એક જૂથને ચિહ્ન અને પક્ષનું નામ આપ્યા નથી. કાયમ બંનેને ફ્રીઝ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ વડા પ્રધાનના ગુલામોએ આ કામ કરી આપ્યું છે.
—
બંધારણમાં ૨૦૧૮માં કરાયેલો સુધારો ચૂંટણીપંચને મોકલ્યો હતો: સાવંત
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા અને સંસદસભ્ય અરવિંદ સાવંતે પક્ષના બંધારણમાં ૨૦૧૮માં કરવામાં આવેલો સુધારો ચૂંટણી પંચ પાસે ન હોવાના દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે પક્ષના બંધારણમાં કરવામાં આવેલો સુધારો ચૂંટણીપંચને મોકલવામાં આવ્યો હતો. એકનાથ શિંદેના જૂથને સાચી શિવસેના તરીકે માન્યતા આપતી વખતે ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જૂથે ચિહ્ન અને પક્ષના નામ પર દાવો કરવા માટે બંધારણમાં ૨૦૧૮માં કરેલા સુધારા પર ભાર આપ્યો હતો, પરંતુ ચૂંટણી પંચને આ સુધારા અંગેની જાણકારી આપવામાં આવી નહોતી. અરવિંદ સાવંતે કહ્યું હતું કે પક્ષના નેતા અનિલ દેસાઈએ ચોથી એપ્રિલ, ૨૦૧૮ના રોજ બેઠકની મિનિટ્સ અને વીડિયો સહિતની કાર્યવાહીનો વૃતાંત ચૂંટણી પંચને રજૂ કર્યો હતો. ઉ
ચૂંટણી માટે તૈયાર રહો: નિશાન છીનવી લેનારને મધમાખીના ડંખ દેખાડો: ઉદ્ધવ
RELATED ARTICLES