જિયોપોલિટિકલ તણાવ અને કંપની પરિણામો હાવી રહેશે, નિફ્ટી માટે ૧૭,૫૧૦ની સપાટી મહત્ત્વપૂર્ણ

વેપાર વાણિજ્ય

ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા

ભારતીય શેરબજારે અનેક નકારાત્મક પરિબળો અને પછડાટોને માત કરીને તેજીનો તોર જાળવવામાં સફળતા મેળવી છે. પાંચમી ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતીય બજાર એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. બજારના વિશ્ર્લેષકો માને છે કે આ સપ્તાહ દરમિયાન જિયોપોલિટિકલ તણાવ અને કંપનીઓના પરિણામો હાવી રહેશે અને બજારમાં સ્ટોક સ્પેસિફિક ચાલ જોવા મળશે. જ્યારે ટેક્નિકલ નિષ્ણાતો એવી ધારણા મૂકી રહ્યાં છે કે, નિફ્ટીમાં હવે ૧૭,૫૧૦ અને ૧૭,૨૧૦ મહત્વના લેવલ્સ રહેશે અને કલોઝિંગ બેઝીઝ ઉપર જે તરફનો મુવ આવશે એ તરફ બીજા ૨૦૦ થી ૨૫૦ પોઈન્ટ્સની ચાલ જોવાશે.
સમીક્ષા હેઠળના સપ્તાહની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. મજબૂત ગ્લોબલ સંકેત, કંપનીઓના સારા પરિણામો, સારા ઓટો સેલ્સ આંકડા અને એફઆઈઆઈની ખરીદદારી ફરી શરૂ થતાં સપ્તાહ દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ અને અફડાતફડી પછી પણ તેજી જોવા મળી હતી. ૫ાંચમી ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ ૮૧૭.૬૮ પોઇન્ટ એટલે કે ૧.૪૨ ટકાના વધારા સાથે ૫૮,૩૮૭.૯૩ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૨૩૯.૨૫ પોઇન્ટ એટલે કે ૧.૩૯ ટકાના સુધારા સાથે ૧૭,૩૯૭.૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. અમેરિકામાં વ્યાજદર વધ્યા બાદ ભારતમાં પણ ફરીથી આરબીઆઈએ વ્યાજદરમાં વધારો કરી દીધો છે અને વ્યાજદરનો વધારો વિશ્ર્વભરમાં ચાલી રહ્યો છે. વિશ્વભરમાં મોંઘવારીનો માર જોવાઈ રહ્યો છે પણ આપણે અન્યોની સરખામણીમાં સારી સ્થિતિમાં છીએ જેના લીધે આપણા માર્કેટ વિશ્ર્વના અન્ય માર્કેટ્સને આઉટપરફોર્મ કરી રહ્યા છે.
ક્રુડ ઓઈલના ભાવ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા વખતે જે લેવલે ઉપર હતા ત્યાં આવી ગયા છે અને ઘટી રહેલ ક્રુડ ઓઈલ આપણી ઈકોનોમી માટે ખુબજ સારી વાત છે. પરિણામોની સીઝન ચાલી રહી છે અને ૧૦૦ કંપનીના પરિણામો જાહેર થાય છે તો એમાંથી મોટા ભાગની કંપનીઓ આ ક્વાર્ટરમાં તેના ઈતિહાસમાં સૌથી સારો દેખાવ કરી રહી છે જે પણ આપણા માટે પોઝીટીવ વાત છે. આ તરફ વિજ્ઞાનીઓએ હવે મર્માન્સ્ક ખાતે આર્કિટિકના દરિયાના પેટાળમાં ડૂબેલા જોખમી તત્ત્વો પર પરિષદ યોજી હતી. રશિયાના ફારઇસ્ટ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી અને રોસકોગ્રેસ દ્વારા મર્માન્સ્ક ખાતે આયોજિત, રાઇઝિંગ સબમર્જડ એન્ડ ડેન્જરસ ઓબ્જેક્ટ્સ ઇન ધી સી ઓફ આર્કટિક ઓશન, પરિષદમાં એ સ્થળે ડૂબેલી બી-૧૫૯ ન્યુક્લિઅર સબમરીન પર ચર્ચા થઇ હતી. એ જ રીતે, ચીન અને અમેરિકા વચ્ચે ધસરણ થવાની પણ વકી છે.
અમુક માર્કેટ ઓબ્ઝર્વર્સ માને છે કે, લાંબા સમયથી એકતરફી વેચવાલી કરનાર એફઆઈઆઈ પણ હવે લેવલ થયા છે ત્યારે હવે કોઈ નવું નેગેટીવ કારણ ન આવે તો આપણા માર્કેટમાં નીચા મથાળે સારી એવી ખરીદી જોવાઈ શકે છે અને આ સપ્તાહ દરમ્યાન બાકી રહેલ તમામ કંપનીઓ તેના પહેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કરતી જોવાશે માટે આ સપ્તાહ દરમ્યાન સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવાઈ શકે છે.
અલગ-અલગ સેક્ટર જોઈએ તો બીએસઈ આઈટી ઈન્ડેક્સમાં ૩ ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે પાવર ઈન્ડેક્સમાં ૨.૮૭ ટકા, ઓટો ઈન્ડેક્સમાં ૨.૨૨ ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે રિયાલ્ટી ઈન્ડેક્સ ૩ ટકા તૂટ્યો છે. એફએમસીજીના વેચાણમાં જુલાઈમાં ઘટાડો નોંધાયો છે. એફએમસીજીમાં ક્રમિક રીતે આ સતત ત્રીજો ઘટાડો છે, જોકે, એફએમસીજી કંપનીઓ આગામી તહેવારો પર મીટ માંડી રહી છે. પંદરમી ઓગસ્ટ અને તે પછી નવરાત્રીથી શરૂ થતાં પર્વોમાં આ ક્ષેત્રને સારો લાભ થવાની આશા વ્યક્ત કરતા અથર્વ ફાઉન્ડેશનના પ્રવકતાએ જણાવ્યું હતું કે એકલા બોરિવલીમાં કિંજલ દવેની રંગરાત્રી સહિત સાત અન્ય આયોજનો થયા છે. આ આયોજનમાં એફએમસીજી ગુડસના વેચાણમાં વધારો થવાની આશા સેવાઇ રહી છે. ઇલેક્ટ્રોનિક્સ બજાર પૂર્વ-રોગચાળાના સ્તરો કરતાં ૨૫ ટકા વધ્યું હતું, ત્યારે કંપનીઓએ સરેરાશ ૨૦ ટકા જેટલો ભાવ વધાર્યા પછી તેના વેચાણને પણ અસર પહોંચી છે. આ ઉપરાંત એન્ટ્રી લેવલ પ્રોડક્ટ્સની માગ હજુ પણ નબળી છે. જ્યારે ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના વેચાણમાં ઘટાડો
થયો છે.
લાંબા સમય પછી એફઆઈઆઈ ભારતીય બજારમાં નેટ બાયર રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં એફઆઈઆઈ એ ભારતીય બજારમાંથી ૬,૯૯૧.૫૪ કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે જ્યારે ડીઆઈઆઈએ ૧,૭૬૫.૫૯ કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.
બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં બે ટકાનો વધારો જોવા મળ્યો છે. સુબેક્સ, સ્પાઇસ જેટ, નઝારા ટેકનોલોજીસ, ફિલાટેક્સ, જયપ્રકાશ પાવર વેન્ચર્સ, નવનીત એજ્યુકેશન અને એચએલઇ ગ્લાસકોટ સ્મોલકેપના ટોપ ગેઇનર્સ બન્યા હતા. જ્યારે બીજી તરફ બિરલા ટાયર્સ, ફ્યુચસ૪ એન્ટરપ્રાઇસિસ, બ્રાઇચકોમ ગ્રુપ, ફ્યુચર રિટેલ, કેબીસી ગ્લોબલ અને ન્યુલેન્ડ લેબેરોટરીઝ સ્મોલ કેપના ટોપ લૂઝર રહ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ પર જોઈએ તો છેલ્લા સપ્તાહમાં ૧.૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સેગમેન્ટમાં કાન્સાઇ નેરોલેક પેઇન્ટ, જેેએસડબલ્યુ એનર્જી, આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, ચોલામન્ડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની અને નાટકો ફાર્મામાં ૧૦-૨૪ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ, બાલક્રિશ્ર્ન ઇન્ડસ્ટ્રીઝ, ક્રોમપ્ટન ગ્રીવ્ઝ ક્ધઝ્યુમર ઇલેક્ટ્રિકલ, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસમાં ઘટાડો જોવા મળ્યો.
બીએસઈ લાર્જકેપમાં છેલ્લા સપ્તાહમાં ૧.૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સેગમેન્ટમાં પીબી ફિનટેક, ઝોમેટો, વન-૯૭ કમ્યુનિકેશન અને ઇન્ટરગ્લોબ એવિયેશન૧૧-૨૧ ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે, ગેઇલ ઇન્ડિયા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યુરન્સ કંપનીમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સના શેરોમાં ઇન્ફોસિસની કામગીરી સૌથી સારી રહી, ત્યાર બાદ ટીસીએસ, રિલાયન્સ અને ભારતી એરટેલનો ક્રમ હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.