હિન્દુ ધર્મમાં એકાદશી એટલે કે અગિયારસનું ઘણું મહત્વ છે. દરેક મહિનામાં બે અગિયારસ આવે છે. શુક્લ પક્ષની અગિયારસ અને કૃષ્ણ પક્ષની અગિયારસ. આજે માર્ગશીર્ષ મહિનામાં શુક્લ પક્ષની એકાદશી છે, જેને મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ પણ કહેવાય છે. માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાથી પૂર્વજોનો આશીર્વાદ પ્રાપ્ત થવા સાથે જ મોક્ષ મળે છે.
આ વર્ષે 03 ડિસેમ્બરે એટલે કે આજે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ મનાવવામાં આવી રહી છે.
આ દિવસે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. મહાભારત યુદ્ધ સમયે અર્જુનની સામે તેના પરિવારના લોકો હતાં. એટલે તેમના વિરૂદ્ધ અર્જુન શસ્ત્ર ઉઠાવવા માટે તૈયાર નહોતા.તેથી શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મને સમજાવતા ઉપદેશ આપ્યો હતો. તે જ્ઞાનને જ ગીતા કહેવામાં આવે છે.
શ્રીમદ ભગવદ ગીતામાં દુન્યવી બધીજ પરેશાનીઓનો ઉકેલ મળે છે. ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતાનું બીજું નામ ગીતોપનિષદ છે. ગીતા જંયતીના દિવસે ગીતાને વાંચવી કે સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગીતાના ઉપદેશોને આત્મસાત કરવાથી જીવનમાં સફળતાનો માર્ગ મળે છે . ગીતા વ્યક્તિના મનના વિચારોને શુદ્ધ કરે છે અને વ્યક્તિને સાચા અને ખોટાનો ભેદ પણ સમજાવે છે.
ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશીની અનેક શુભકામનાઓ.